ICCના ફાઈનલ્સમાં રો-કોનું થઈ જાય છે ટાંય ટાંય ફિસ્સ…!!
રોહિતે એક પણ ફિફટી વગર બનાવ્યા છે ૨૪૬ રન તો કોહલીના નામે ૪૧૦ રન
આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મુકાબલો રમાશે ત્યારે બધાની નજર રોહિત-કોહલી પર રહેશે. બન્ને ખેલાડી નવમી વખત કોઈ આઈસીસી ટૂર્નામેન્ટનો ફાઈનલ રમશે. એકંદરે ફાઈનલ મુકાબલામાં રોહિતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કોહલીએ ૪૧૦ રન બનાવ્યા છે પરંતુ વન-ડેમાં તે મોટી ઈનિંગ રમી શક્યો નથી. તેણે ટી-૨૦માં જરૂર સારી બેટિંગ કરી છે.
રોહિત શર્માએ ૨૦૦૭થી ૨૦૨૪ વચ્ચે ૮ મેચની ૧૦ ઈનિંગમાં ૨૭.૩૩ની સરેરાશથી ૨૪૬ રન બનાવ્યા છે જેમાં એક પણ ફિફટી સામેલ નથી. તેનો હાઈએસ્ટ સ્કોર ૪૭ રન છે. આ ઈનિંગ તેના ૨૦૨૩ વન-ડે વર્લ્ડકપના ફાઈનલમાં ઑસ્ટે્રલિયા સામે આવી હતી. કોહલીએ ૮ મેચની ૧૦ ઈનિંગમાં ૪૧ની સરેરાશથી ૪૧૦ રન બનાવ્યા છે જેમાં ત્રણ ફિફટી સામેલ છે. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૫ના ફાઈનલમાં તેણે ૭૬ રન બનાવ્યા હતા. આ ઈનિંગને કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. શ્રીલંકા વિરુદ્ધ ૨૦૧૪ ટી-૨૦ વર્લ્ડકપ ફાઈનલમાં તેણે ૭૭ રન બનાવ્યા હતા તો ઑસ્ટે્રલિયા વિરુદ્ધ વન-ડે વર્લ્ડકપ-૨૦૨૩ના ફાઈનલમાં કોહલીએ ૫૪ રન બનાવ્યા હતા.