પારસ્પરિક ટેરિફમાં ભારતને મુક્તિ નહીં મળે : મોદી સાથેની મુલાકાતનો હવાલો આપી ટ્રમ્પે કહ્યું,”મારી સામે કોઈ દલીલ કરી શકતું નથી”
અમેરિકાની ફોક્સ ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફમાંથી ભારતને પણ મુક્તિ નહીં મળે તેમ જણાવ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં એલોન મસ્ક પણ તેમની સાથે હતા. એ દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતનું પણ વર્ણન કર્યું હતું અને કહ્યું કે મારી સામે કોઈ દલીલ કરી શકતું નથી.
તેમણે કહ્યું,” મેં મોદીને કહ્યું કે તમે જેટલો ટેક્સ ચાર્જ કરશો એટલો જ અમે કરીશું. મોદીએ કહ્યું કે, નહીં નહીં, મને એ ગમતું નથી.મેં પણ કહ્યું કે નહીં નહીં, તમે જે ચાર્જ કરશો એટલો જ અમે પણ કરીશું. હું દરેક દેશ સાથે એમ જ કરી રહ્યો છું.”
આગળ જતા તેમણે કહ્યું કે અમેરિકાની કેટલીક વસ્તુઓ ઉપર ભારત વિશ્વમાં સૌથી વધારે ટેક્સ લગાવે છે ખાસ કરીને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં. એ તબક્કે મસ્કે કહ્યું કે ભારત ઓટોમોબાઇલ ઉપર 100 ટકા ટેક્સ લગાવે છે.

ટ્રમ્પે એ ઇન્ટરવ્યૂમાં ટેરિફ અંગેની પોતાની નીતિની સ્પષ્ટતા કરી હતી. પછી તેમણે કહ્યું,” મારી સામે કોઈ દલીલ કરી શકતું નથી. હું 25% ટેક્સ કહું તો તેઓ કહે છે કે ઓહ, આ તો ભયંકર છે. એટલે હું કાંઈ કહેતો નથી હું એટલું જ કહું છું કે જેટલો એ લોકો ટેક્સ લગાવે છે એટલો જ અમે લગાવીશું. અને પછી એ લોકો બોલતા બંધ થઈ જાય છે”.
નોંધનીય છે કે ટ્રમ્પ આ અગાઉ પણ ભારતના ટેરેપ અંગે ટિપ્પણીઓ કરતા રહ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેમણે ફરી એક વખત ભારત ઉપર પણ સમાન ટેક્સ લગાવવાના નિર્ણયનો પુનરોચ્ચાર કર્યો હતો. અત્રે એ પણ યાદ કરવું જરૂરી છે કે મોદીની મુલાકાત બાદ બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષી વ્યાપારને 500 મિલિયન ડોલર સુધી લઈ જવાની રૂપરેખા તૈયાર કરવા સંમત થયા છે.