૯ દિ’ રેકી બાદ ‘જંગલ ગેંગે’ યુવક પર ફાયરિંગ કર્યું, હત્યા નહીં માત્ર ખૌફ’ જ ઉભો કરવો’તો
સંક્રાંતે ડખ્ખો થયો’ને એક મહિના સુધી સોશ્યલ મીડિયા પર જંગ' કર્યો
એક મહિના પહેલાં જ ઉત્તરપ્રદેશથી
ભારેખમ’ પીસ્તલ મંગાવી લીધી હતી: જેના પર ફાયરિંગ થયું તે પેંડાગેંગનો પરેશ ઉર્ફે પરીયાનો સતત કર્યે રાખ્યો હતો પીછો
નજીકથી ફાયરિંગ કરવાનો ઈરાદો હોય શનિવારે વહેલી સવારે ૫:૨૬ વાગ્યે પુનિતનગરમાં કાર મારફતે ધસી ગયા હતા
સમીર ઉર્ફે મુર્ગો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સોહિલ ઉર્ફે ભાણાને દબોચી લેતી એસઓજી-ક્રાઈમ બ્રાન્ચ
રાજકોટ જાણે કે બિહાર અને ઉત્તરપ્રદેશની રાહ પર ચાલવા લાગ્યું હોય તેવી રીતે એક બાદ એક બનાવ બની રહ્યા છે. એક સમય હતો જ્યારે શહેરમાં ગમે ત્યારે ફાયરિંગ થઈ જતું હતું પરંતુ કડક પોલીસ અધિકારીઓ મુકાયા બાદ એક બાદ એક ગેંગ ભોંભીતર કરી દેવાઈ હતી. જો કે થોડા સમયથી પોલીસની પકડ ઢીલી પડતાં જ ભરી ટપોરીઓ માથું ઉંચકવા લાગ્યા હોય તેવી રીતે શનિવારે વહેલી સવારે ૫:૨૬ વાગ્યે પુનિતનગર મેઈન રોડ પર શેરી નં.૨ના ખૂણે પેંડા ગેંગના પરેશ ઉર્ફે પરીયા ઉપર જંગલેશ્વર ગેંગના સમીર ઉર્ફે મુર્ગો સહિતનાએ કારમાં બેઠા બેઠા ફાયરિંગ કરતાં એક ગોળી પરેશના પગમાં ઘૂસી જવા પામી હતી. આ બનાવ બનતાં જ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે અલગ-અલગ ટીમ બનાવી ત્રણેયને દબોચી લીધા હતા.

એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીસીબી અને એસઓજીની અલગ-અલગ ટીમ બનાવી ફાયરિંગ કરનારા આરોપીઓને શોધવા કામે લાગી હતી. સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા શનિવારે બપોરે જ હાથમાં આવી ગયો હતો જ્યારે ફાયરિંગ કરનાર સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ (રહે.જંગલેશ્વર) અને શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણ (રહે.જંગલેશ્વર) સફેદ કલરની વર્ના કાર લઈને ફરાર થઈ ગયા હોય તેમને બાતમીના આધારે પકડી લેવામાં આવ્યા હતા. આ લોકો પાસેથી ૨૬૯૦૦ની રોકડ, દેશી બનાવટની એક પીસ્તલ અને બે જીવતા કારતૂસ તેમજ કાર સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
આ અંગે એક પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે મકરસંક્રાંતના દિવસે પરેશ ઉર્ફે પરિયો અને આ ફાયરિંગકાંડમાં સામેલ સોહિલ ઉર્ફે ભાણાને માથાકૂટ થઈ હતી. આ અંગે પરેશ વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો. આ ઘટના બન્યા બાદ એક મહિના સુધી બન્ને ગેંગ વચ્ચે સોશ્યલ મીડિયા ઉપર જંગ' છેડાયો હતો મતલબ કે એકબીજા પ્રત્યે ગાળો, વીડિયો બનાવી વાયરલ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન પકડાયેલો સમીર ઉર્ફે મુર્ગો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સોહિલ ઉર્ફે ભાણો છેલ્લા નવેક દિવસથી પરેશ ઉર્ફે પરીયો ક્યાં ક્યાં જાય છે, તેની બેઠક ક્યાં છે તે સહિતના મુદ્દે રેકી કરી રહ્યા હતા. દરમિયાન સોહિલને જાણ થઈ હતી કે પરેશ ઉર્ફે પરિયો પુનિતનગર મેઈન રોડ પર શેરી નં.૨ના ખૂણે ઉભો છે એટલા માટે તેણે સમીર ઉર્ફે મુર્ગો અને શાહનવાઝને તૈયાર કર્યા હતા અને મામા પાસેથી વર્ના કાર મેળવી હતી. આ લોકોને પરેશ ઉર્ફે ફાયરિંગ કરવું હોવાથી એક મહિના પહેલાં જ ઉત્તરપ્રદેશના શખ્સ પાસેથી દેશી બનાવટની પીસ્તલ અને ત્રણ કારતુસ મંગાવી લીધા હતા. વળી, પરેશ ઉર્ફે નજીકથી ફાયરિંગ કરવું હતું એટલા માટે કારમાં ત્રણેય પુનિતનગરમાં પહોંચ્યા હતા અને સમીર ઉર્ફે મુર્ગાએ ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા બેઠા જ એક રાઉન્ડ ફાયરિંગ કરતાં ગોળી પરેશના પગમાં ઘૂસી ગઈ હતી. આ ત્રણેયનો ઈરાદો પરેશ ઉર્ફે પરિયાની હત્યા કરવાનો નહીં બલ્કે તેઓ આ રીતે ગમે ત્યારે ફાયરિંગ કરી શકે છે તેવો હરિફ ગેંગ ઉપર
ખૌફ’ ઉભો કરવા માંગતાં હોય આ બનાવને અંજામ આપ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સમીર ઉર્ફે મુર્ગાની અક્કડ ઓછી ન થતાં ACP બસીયા-PI જાડેજાએ વ્યવસ્થિત રીતે કાયદાનું ભાન કરાવ્યું !
પુનિતનગરમાં ફાયરિંગને અંજામ આપી ફરાર થઈ ગયેલો સમીર ઉર્ફે મુર્ગો અને શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણને પકડીને જ્યારે એસઓજી કચેરીએ લાવવામાં આવ્યા ત્યારે તેમની આગવી ઢબે સરભરા કરવામાં આવી હતી. આ પછી ત્રણેયને બહાર લાવવામાં આવતાં સમીર ઉર્ફે મુર્ગાની અક્કડ ઓછી થવાનું નામ લેતી ન હોવાનું ધ્યાન પર આવતાં જ એસીપી ક્રાઈમ બી.બી.બસીયા અને એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાએ વ્યવસ્થિત રીતે કાયદાનું ભાન કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે બન્ને અધિકારીઓએ જે પ્રકારે ટ્રીટમેન્ટ આપી તેવી જ ટ્રીટમેન્ટ રિઢા ગુનેગારો ઉપર કારગત નિવડી રહ્યાનો મત પણ જાણકારો આપી રહ્યા છે.
ત્રણેય સામે દારૂ-જુગાર-મારામારી સહિતના ૧૭ કેસ
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે સમીર ઉર્ફે મુર્ગો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સોહિલ ઉર્ફે ભાણા સામે દારૂ-જુગાર-મારામારી સહિતના ૧૭ કેસ નોંધાયેલા છે. સમીર ઉર્ફે મુર્ગો તો પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.