પ્લમ્બરના ઘરમાં તસ્કરો ઘૂસ્યા, બધાને રૂમમાં પૂરીને ઘરેણા-રોકડ ચોરી ગયા
મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું, બીજા માળે બે રૂમના દરવાજા બંધ કર્યા’ને નીચે આવીને કબાટ તોડ્યો અને તેમાં હાથ સાફ કર્યો
તસ્કરો પણ હવે `ભેજાબાજ’ થઈ ગયા હોય તેવી રીતે દરેક પાસાં ચકાસી લીધા બાદ જ ચોરીને અંજામ આપવા લાગ્યા છે. આવી જ એક ચોરી જસદણના આટકોટ રોડ પર રાધેશ્યામનગરમાં પ્લમ્બરના ઘરમાં થવા પામી હતી. તસ્કરોએ ઘરમાં ઘૂસી બધાં રૂમના દરવાજા બંધ કરી દીધા હતા અને ત્યારબાદ ઘરેણા-રોકડ ચોરીને અંજામ આપતાં પોલીસમાં દોડધામ થઈ જવા પામી હતી.

આ અંગે સુનિલ પ્રભુભાઈ સાંગડિયા (ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તેમના પત્ની કાજલ અને બાળકો તેમજ તેમનો ભાઈ, તેમની પત્ની બે માળના મકાનમાં ઉપરના માળે રહે છે. જ્યારે તેમનો એક ભાઈ અને માતા નીચેના માળે રહે છે.
દરમિયાન ગત ૪ ફેબ્રુઆરીએ બારેક વાગ્યે સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે પાંચ વાગ્યે પત્ની કાજલના ફોનમાં સંજયની પત્નીનો ફોન આવ્યો હતો કે રૂમનો દરવાજો ખોલો કેમ કે બહારથી આંકળીયો બંધ છે. આ પછી મનોજના રૂમમાં ગયા તો ત્યાંનો દરવાજો પણ બહારથી બંધ હતો. આ વેળાએ શેરીમાં એક વિદ્યાર્થી નીકળતાં તેના મારફતે દરવાજો ખોલાવ્યો હતો.
દરવાજો ખુલ્યા બાદ બધા નીચે આવ્યા ત્યારે જોયા બાદ મમ્મીના રૂમનો સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટ પણ તૂટેલો જોવા મળ્યો હતો. કબાટમાં સોનાના ઘરેણા તેમજ ૧૦,૦૦૦ની રોકડ હતી જે બધું મળી ૫.૧૦ લાખ રૂપિયા જેવું થવા જાય છે તેની ચોરી થઈ હતી. તસ્કરોએ સીફ્તપૂર્વક તમામ રૂમના દરવાજા બંધ કર્યા બાદ ઘરમાં ત્રાટકવાનું પ્લાનિંગ કર્યું હતું. તેઓ જ્યારે ઘરમાં ઘૂસ્યા ત્યારે નીચે રહેતા મહિલા સત્સંગમાં ગયા હોય તેનો લાભ લઈને ચોરીને અંજામ આપ્યો હતો.