આજથી સંસદ ગાજશે : કાલે બજેટ
સર્વપક્ષીય બેઠકમાં સરકારે વિપક્ષનો સહકાર માગ્યો, વિપક્ષનું ઉંહુ
વકફ ,ONOE,ઇમિગ્રેશન અને વિદેશી બિલ, ઓફિશિયલ સિક્રેટ બિલ, અને બેંકિંગ -વીમા સુધારા સહીત 62 બિલો રજૂ થવાની શક્યતા
સંસદનું સૌથી મહત્વનું બજેટ સત્ર આજે શુક્રવારથી શરુ થઇ રહ્યું છે અને સરકાર તથા વિપક્ષ રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. નાણામંત્રી નિર્મલા સીતારામન શનિવારે કેન્દ્રીય બજેટ રજુ કરવાના છે અને આ બજેટ ઉપર રાજકીય પક્ષો જ નહી પરંતુ ભારતની કરોડોની જનતા પણ નજર અને આશા રાખીને બેઠી છે. બજેટ સત્રની શરૂઆત પૂર્વે પરંપરાગત રીતે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં સરકારે વિપક્ષનો સહકાર માગ્યો હતો. જો કે, જુદા જુદા મુદ્દે વિપક્ષ સરકારને ભીંસમાં લેવાની તૈયારી કરીને બેઠો છે. આ સત્ર દરમિયાન મહાકુંભ દુર્ઘટના, દિલ્હીની ચૂંટણી જેવા મુદ્દા પણ ગુંજશે.
સત્રની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના રાજકીય અગ્રણીઓના નિધન બદલ શોક પ્રસ્તાવ પણ લાવવામાં આવશે. સરકાર સંસદના આ બજેટ સત્રમાં રજૂ કરવા અને પસાર કરવા માટે 62 બિલો રજૂ કરે તેવી શક્યતા છે. આ પ્રસ્તાવિત કાયદાઓમાં ઇમિગ્રેશન અને વિદેશી બિલ, ઓફિશિયલ સિક્રેટ બિલ, PMLA સુધારા બિલ, સંસદ (નિવારણ અને ગેરલાયકાત) બિલ, બેંકિંગ અને વીમા સુધારા બિલો, બિનનિવાસી ભારતીયના લગ્ન નોંધણી બિલ અને ઉચ્ચ શિક્ષણ આયોગ બિલનો સમાવેશ થાય છે.
આ સત્ર દરમિયાન વકફ સુધારા અને એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પણ રજૂ કરવામાં આવનાર છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ કાયદાકીય કાર્યની પ્રાથમિકતા યાદીમાં છે. હાલમાં, ભારતમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને બહાર નીકળવા માટે ઘણા કાયદા છે, જેમાં ફોરેનર્સ એક્ટ, 1946, પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) એક્ટ, 1920 અને ફોરેનર્સ રજિસ્ટ્રેશન એક્ટ, 1939નો સમાવેશ થાય છે.
તે જ રીતે, સરકારે ગ્રામીણ વિકાસ મંત્રાલયના 2013ના નોંધણી સુધારા બિલ અને શિપિંગ મંત્રાલયને લગતા ત્રણ બિલોને પ્રાથમિકતા યાદીમાં મૂક્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે નોંધણી સુધારા બિલમાં લીઝની મુદતને ધ્યાનમાં લીધા વિના, તમામ સ્થાવર મિલકત માટે નોંધણી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જોકે 94 વર્ષ જૂના ઓફિશિયલ સિક્રેટ અધિનિયમ (OSA)માં પ્રસ્તાવિત સુધારાની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, ગૃહ મંત્રાલયે 2017 માં, વર્તમાન લોકશાહી સેટઅપ સાથે સુસંગત બનાવવા માટે વસાહતી યુગના કાયદાની જોગવાઈઓની સમીક્ષા કરી હતી.
સરકાર કોર્પોરેટ કાયદા બિલ અને ભાગીદારી બિલમાં પણ સુધારા પર નજર રાખી રહી છે. દિલ્હી ભાડું સુધારો બિલ 1997 અને દિલ્હી ભાડું રદ કરવાનો બિલ 2013 રજૂ કરવાની દરખાસ્તો પણ છે. તેવી જ રીતે, મોટર વાહન અધિનિયમ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ અને ડિજિટલ વિશ્વવિદ્યાલય બિલમાં પ્રસ્તાવિત સુધારા પણ 62 બિલોની યાદીમાં છે.