નવા કપડાં લેવા પૈસાની જરૂરિયાત પડતાં રીઢા ગુનેગાર ‘નકલી પોલીસ’ બન્યા
૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે બે શખસોએ યુવકને કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી ૨૩ હજાર પડાવ્યા’તા
શહેરમાં ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે બે શખસોએ યુવકને રોકી પોલીસ હોવાનું કહી કેસમાં ફીટ કરી દેશું તેવી ધમકી આપી મારમારી રૂ.૨૩ હજાર પડાવી લીધા હતા. જે અંગે ગુનો નોંધાયા બાદ થોરાળા પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી સગીર સહિત બેને ઝડપી લીધા હતા.જેમાં એક શખસ તો અગાઉ પણ પોલીસ ચોપડે ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું હતું અને આ રીઢા ગુનેગારને નવા કપડાં લેવા પૈસાની જરૂરિયાત પડતાં પોતે નકલી પોલીસ બની ગયો હોવાની કબૂલાત આપી હતી.
વિગતો મુજબ, ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતો ભાવેશ વિઠ્ઠલભાઈ ખોરાણી(ઉ.વ ૩૦) નામનો યુવાન ગત તારીખ ૨૬-૧ ના રોજ અહીં રાજકોટમાં તેમના ભાભી હોસ્પિટલમાં દાખલ હોય જેથી આવ્યો હતો અને બાદમાં અહીં ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા તેના ભાઈના ઘરે જતો હતો. દરમિયાન રાત્રિના ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે નંબર પ્લેટ વગરના એકટિવામાં આવેલા બે શખસોએ યુવાનને રોકયો હતો અને કહ્યું હતું કે, તું ચુનારાવાડ પાસે એક સ્ત્રી સાથે ઊભો હતો અને અમે ત્યાંથી તારો પીછો કરીએ છીએ તેમ કહી કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂ.23 હજાર પડાવ્યા હતા.જે મામલે ગુનો નોંધાતા થોરાળા પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી આ ગુનામાં શ્યામનગર મેઇન રોડ પાસે ગોપાલ ડેરી નજીકથી સલીમ ઉર્ફે જીગો ગકારભાઈ ઠેબા (ઉ.વ ૨૪ રહે.હાલ ચામુંડાનગર, ચોટીલા મૂળ રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ આકાશદીપ સોસાયટી દૂધસાગર રોડ, રાજકોટ) અને ગંજીવાડા વિસ્તારમાં રહેતા સગીરને ઝડપી લીધો હતો. પોલીસે આ બંને પાસેથી તેમણે યુવાન પાસેથી પડાવેલી રૂપિયા ૨૩ હજારની રોકડ અને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ નંબર પ્લેટ વગરનું એકટીવા કબજે કયુ હતું.
પોલીસની તપાસમાં આ બંને શખસોએ નવા કપડાં લેવા માટે પોલીસની ઓળખ આપી પૈસા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલ આરોપીમાંથી સલીમ ઉર્ફે જીગા સામે અગાઉ થોરળા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પ્ર.નગર, તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝનમાં આ પ્રકારે પૈસા પડાવી લેવા, વાહન ચોરી સહિતના ૭ ગુના નોંધાઈ ચૂકયા છે. તેમજ તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચુકયો છે.