ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ : CM ધામીએ કરી જાહેરાત ; લગ્ન, લિવ-ઇન, છૂટાછેડા… શું બદલાયું, જાણો વિગતવાર
ભાજપ શાસિત રાજ્ય ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારાનો અમલ શરૂ કરી દેવાયો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ આ જાહેરાત કરી હતી. એ સાથે જ યુનિફોર્મ સિવિલ કોડ નો અમલ કરનાર ઉત્તરાખંડ ગોવા પછીનું દેશનું બીજું રાજ્ય બન્યું છે.
આ કાયદો લાગુ પડતા જ હવે લગ્ન, છૂટાછેડા, મિલકત અધિકાર, વસિયત તેમજ દત્તક લેવા અંગે બધા ધર્મના લોકોને એક સરખો કાયદો લાગુ પડશે.જો કે રાજ્યના અનુસૂચિત આદિ જાતિના લોકોને આ કાનૂન લાગુ નહીં પડે.
ભારતીય જનતા પક્ષે 2022 ના ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરિક ધારો લાગુ કરવાનું વચન આપ્યું હતું. વિજય મળ્યા બાદ 27 માર્ચ 2022 ના રોજ મળેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં જ એ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજન પ્રકાશ દેસાઈના વડ પણ હેઠળ સમિતિની રચના કરવામાં આવી હતી જેણે ચાર તબક્કે પોતાની ભલામણો રજૂ કરી હતી. ઉત્તરાખંડના પૂર્વ ચીફ સેક્રેટરી શત્રુઘ્ન સિંહાના વડપણ હેઠળની સમિતિએ કાયદા નક્કી કર્યા હતા. એ બંને સમિતિઓએ રાજ્ય સરકારને ભલામણો સુપ્રત કર્યા બાદ 2 ફેબ્રુઆરી 2024 ના રોજ વિધાનસભામાં તે બિલ પાસ કરવામાં આવ્યું હતું અને માર્ચ 2025 માં રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી હતી.
નોંધનીય છે કે આ અગાઉ લગ્ન, છૂટાછેડા અને વારસાઈ હક માટે અલગ અલગ ધર્મોના પર્સનલ લો અમલમાં હતા. તેમાં હિન્દુ વિવાહ અધિનિયમ 1955, ઉત્તરાધિકાર અધિનિયમ 1956, મુસ્લિમ પર્સનલ લો,
ઈસાઈ વિવાહ અધિનિયમ 1872 વગેરેનો સમાવેશ થાય છે. હવે એ એક પણ કાનૂન અસ્તિત્વમાં નહીં રહે.
કેટલીક મહત્વની જોગવાઈઓ
# લગ્ન માટે યુવાનની ન્યૂનતમ ઉંમર 21 અને યુવતી ની 18. અત્યાર સુધી મુસ્લિમોમાં યુવતી માટે ન્યૂનતમ ઉંમરનો કોઈ કાયદો નહોતો. લગ્ન ગમે તે ધર્મની વિધિથી થાય પણ તેનું રજીસ્ટ્રેશન ફરજિયાત.
# 21 વર્ષથી નીચેના યુવક યુવતીએ લીવ ઇન રિલેશનશીપમાં રહેવા માટે વાલીઓની મંજૂરી જરૂરી.અન્ય રાજ્યોમાં રહેતા ઉતરાખંડના નાગરિકોને પણ લાગુ પડશે
# લીવ ઇન રિલેશનશિપ અંગે નોંધણી કરાવવી ફરજિયાત. તેમાં વિલંબ થઈ ત્રણ મહિનાની કેદ અને 25000 રૂપિયા નો દંડ.
# લીવ ઇન રિલેશનશિપ થકી થયેલા બાળકો પણ કાયદેસરના સંતાન ગણાશે અને તમામ વારસાઈ હક પ્રાપ્ત થશે.
# બહુ પત્નીત્વ, બાળ લગ્ન અને ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ. મુસ્લિમ પતિ જે આધાર પર તલાક માગી શકે છે તે જ કારણસર પત્નીને પણ તલાક માગવાની છૂટ.
# પૈતૃક સંપત્તિમાં પુત્ર અને પુત્રીનો સમાન હક. અત્યાર સુધી અલગ અલગ ધર્મોમાં એ મુદ્દે અલગ અલગ જોગવાઈઓ હતી.
# નિકાહ હલાલા અને ઇદાદત ઉપર પ્રતિબંધ.
અત્યાર સુધી તલાક આપેલી પત્નીને મુસ્લિમ પતિ ફરીથી પોતાની સાથે રાખવા માગતો હોય તો એ મહિલાએ પહેલા અન્ય પુરુષ સાથે લગ્ન કરી સંબંધ બાંધવા ફરજિયાત હતા. હવે એ પ્રથા બંધ.