ભારતમાં મોંઘી કારના શોખીનો વધ્યા : એક વર્ષમાં ૧૧૩ લેમ્બોર્ગિની વેંચાઈ
એકની કિંમત ૩.૨૨ કરોડથી શરુ કરીને ૮.૮૯ કરોડ : વિશ્વમાં ૧૦,૬૮૭ કારનું વેંચાણ થયુ
ભારતમાં સુપર લક્ઝરી કારના શોખીનોની સંખ્યા વધી રહી છે. ૩.૨૨ કરોડથી શરુ કરીને ૮.૮૯ કરોડ સુધીની કિંમત ધરાવતી ઈટાલિયન સુપર લક્ઝરી ઓટોમેકર ઓટોમોબિલી લેમ્બોર્ગિનીનું ભારતમાં વેંચાણ વધ્યુ છે. કંપનીએ જણાવ્યુ છે કે, ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪માં ભારતમાં આ સુપર લક્ઝરી કારનું વેંચાણ ૧૦ ટકા વધ્યુ છે. ૨૦૨૪માં આ રેન્જમાં કુલ ૧૧૩ કાર વેંચાઈ છે. ભારતમાં કંપનીનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ વેચાણ પ્રદર્શન છે. વૈશ્વિક સ્તરે, કાર નિર્માતાએ ગયા વર્ષે કુલ 10,687 કાર ડિલિવર કરી હતી, જે 2023 ની સરખામણીમાં 6% વૃદ્ધિ દર્શાવે છે.
ઓટોમોબિલી લેમ્બોર્ગિનીના ચેરમેન અને સીઈઓ સ્ટીફન વિંકેલમેને જણાવ્યું હતું કે, 2024 ઓટોમોબિલી લેમ્બોર્ગિની માટે સતત વૃદ્ધિનું વર્ષ હતું, આજની નવી પેઢી અમારી પ્રોડક્ટમાં પૂરો વિશ્વાસ ધરાવે છે અને તેથી જ તેની ખરીદી કરે છે.
કંપનીએ ગયા વર્ષે વિશ્વભરમાં કાર વેંચાણમાં વૃદ્ધિ મેળવી છે. યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં 4,227 કાર , અમેરિકામાં 3,712 યુનિટ અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 2,748 કારનું વેંચાણ કર્યું છે. સમગ્ર વિશ્વમાં ૨૦૨૪માં ૧૦,૬૮૭ કારનું વેંચાણ થયું છે.