આ 26મી જાન્યુઆરીએ ફાઈટર જેટ તેજસ અને ધ્રુવ હેલીકોપ્ટર પરેડમાં કેમ નહિ દેખાય ?? જાણો શું છે કારણ
આ વર્ષે પ્રજાસત્તાક દિવસના ફ્લાય-પાસ્ટમાં ભારતના બે સૌથી પ્રતિષ્ઠિત સ્વદેશી વિમાન – ફાઇટર જેટ તેજસ અને ધ્રુવ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરને પરેડમાં શામેલ કરવામાં આવશે નહ. આ કાર્યક્રમમાં 22 ફાઇટર જેટ અને 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સહિત 40 વિમાનોનો કાફલો પ્રદર્શિત કરવામાં આવશે, પરંતુ આ મુખ્ય વિમાનોની ગેરહાજરીએ પ્રશ્નો ઉભા કર્યા છે. ભારતીય વાયુસેના (IAF) એ સુરક્ષા અને ઓપરેશનલ કારણો આગળ ધર્યા છે ને અમુક કારણોસર આ બંને વિમાન-હેલીકોપ્ટરને બાકાત રાખવા માટે જણાવ્યું છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત તેજસ – ફાઇટર એરક્રાફ્ટ, ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એવું હળવું લડાયક વિમાન (LCA) છે. તે ફોર્સ મલ્ટી-પ્લાયર છે માટે તેની ઘણી મારકણી ક્ષમતાઓ માટે તે જાણીતું છે. તેજસ નો ૨૦૧૬ માં સમાવેશ થયો ત્યારથી તે લડાયક જેટ સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક રહ્યું છે. જો કે, આ વર્ષે ભારતીય વાયુસેનાએ તેજસ જેવા સિંગલ-એન્જિન વિમાનોને ફ્લાય-પાસ્ટમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો છે. સલામતીના કારણોસર ડ્યુટી રૂટ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. તેના બદલે, આ કાર્યક્રમ ફક્ત રાફેલ, સુખોઈ-30MKI, મિગ-29 અને જગુઆર જેવા ટ્વીન-એન્જિન જેટને આવરી લેશે પણ તેજસને નહિ.
તેવી જ રીતે, HAL નું બીજું સ્વદેશી ઉત્પાદન, ધ્રુવ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર પણ ગેરહાજર રહેશે. ધ્રુવ 15 વર્ષથી વધુ સમયથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં નિયમિત ભાગ લે છે, જે તેની વૈવિધ્યતા અને વિશ્વસનીયતા દર્શાવે છે. જો કે, ૫ જાન્યુઆરીએ ગુજરાતના પોરબંદરમાં એક દુ:ખદ અકસ્માતને કારણે સમગ્ર કાફલો ગ્રાઉન્ડેડ કરવો પડ્યો. આ અકસ્માતમાં કોસ્ટ ગાર્ડના બે પાઇલટ અને એક એર ક્રૂ-ડાઇવરનું નિયમિત તાલીમ ઉડાન દરમિયાન મૃત્યુ થયું હતું. ચાલુ તપાસમાં અકસ્માતનું કારણ બહાર ન આવે ત્યાં સુધી બધા ધ્રુવ હેલિકોપ્ટરને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે.
૫.૫ ટનનું ધ્રુવ હેલિકોપ્ટર એક પણ એક કરતા વધુ ફંક્શન ધરાવતું પ્લેટફોર્મ છે જે પરિવહનથી લઈને શોધખોળ/પેટ્રોલિંગ અને બચાવ/રેસ્ક્યુ જેવી કામગીરી સુધીના વિવિધ મિશન માટે કામમાં આવે છે. આ વર્ષે તેની ગેરહાજરી HAL ના સાવધ અભિગમને પ્રતિબિંબિત કરે છે, જે પરંપરા કરતાં સલામતીને પ્રાથમિકતા આપે છે. જાળવણીના મુદ્દાઓને ઉકેલવા અને વધુ અકસ્માતો અટકાવવા માટે, HAL એ નિવૃત્ત એર માર્શલ વિભાસ પાંડેની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય તપાસ પેનલની રચના કરી છે.
આ વર્ષના ફ્લાય-પાસ્ટમાં વિવિધ પ્રકારના વિમાનો અને હેલિકોપ્ટર પણ દર્શાવવામાં આવશે. જેના લીધે દિલ્હીના આકાશમાં અદ્ભુત નજરો જોવા મળશે. આ હવાઈ કાફલામાં અમેરીકાએ બનાવેલું C-130J સુપર હર્ક્યુલસ અને C-17 ગ્લોબમાસ્ટર-III ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તેમજ રશિયન Mi-17 V5 અને અમેરીકન અપાચે એટેક હેલિકોપ્ટર જેવા સાત હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. પરેડની શરૂઆત MI-17 હેલિકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને થશે, જ્યારે કાર્યક્રમ રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા 12 ફાઇટર જેટ ફોર્મેશન સાથે સમાપ્ત થશે.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ગેરહાજર રહેવા છતાં, તેજસ અને ધ્રુવ બંને ભારતની સંરક્ષણ ક્ષમતાઓનો અભિન્ન ભાગ રહ્યા છે. નવેમ્બર 2023 માં, સંરક્ષણ મંત્રાલયે 97 વધારાના તેજસ જેટના એસેમ્બલીંગની મંજૂરી આપી, જે ભારતના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવામાં તેના મહત્વ પર ભાર મૂકે છે. વધુમાં, ધ્રુવ મલ્ટી-મિશન કામગીરી માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે, અને તેની વિશ્વસનીયતા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ સ્વદેશી વિમાનોને બાકાત રાખવાનો નિર્ણય ઘણા લોકોને નિરાશ કરી શકે છે, પરંતુ ભારતીય સેનાનું એરફોર્સ કર્મચારીઓ અને શસ્ત્રોની સલામતી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. તેજસ અને ધ્રુવ સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની પરાક્રમનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેમનું યોગદાન ગૌરવ આપે છે, ભલે તેઓ આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાંથી થોડા સમય માટે પાછળ રહી જાય. એ કઈ મોટી વાત નથી પણ મહત્વની તો ખરી જ.