હવે 130ની ઝડપે દોડાવાશે ડબલ એન્જિનવાળી અમૃત ભારત ટ્રેન
લાંબા અંતરની મુસાફરી આરામદાયક બનશે : માર્ચ મહિનામાં ચાર ટ્રેન તૈયાર કરાશે
વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સાથે સાથે ભારતીય રેલવે વધુ એક આધુનિક સૂપરફાસ્ટ ટ્રેન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય રેલવેને આધુનિક ટેકનોલોજી અને સુવિધાથી સજ્જ કરવામાં આ રહી છે, જે અન્વયે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશમાં આગામી મહિનામાં અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આગામી બે વર્ષમાં 50 નવી અમૃત ભારત ટ્રેનનો સેટ તૈયાર થઈ દશે. આ ટ્રેન 130ની સ્પીડે દોડશે. આ ટ્રેન સસ્તું ભાડું, સુરક્ષિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. અમૃત ભારત ટ્રેનનો ઉદ્દેશ લાંબા અંતરની યાત્રાને આરામદાયક બનાવવાનો છે. જે લોકો ઓછા ભાડામાં ઉત્કૃષ્ટ સેવા ઈચ્છે છે તેમના માટે આ સુવિધા ખાસ હશે. પ્રથમ રેક થોડા દિવસોમાં જ તૈયાર થઈ જશે, જ્યારે માર્ચ 2025 સુધીમાં ચાર ટ્રેન તૈયાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
અમૃત ભારત 2.0 અંતર્ગત ટ્રેનમાં 12 મોટા બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં કોચને જોડવા અને અલગ કરવા માટે અર્ધ સ્વચાલિત કપલર, ઇમરજન્સી બ્રેક મારવા માટે ઇલેક્ટ્રોનિક પાવર બ્રેક સિસ્ટમ, શૌચાલયોમાં સ્વચાલિત સ્વચ્છતા નિયંત્રણ પ્રણાલી જેવા નવતર પ્રયોગો સામેલ છે. આ ઉપરાંત અમૃત ભારત ટ્રેન ડબલ એન્જિન દ્વારા આસાનાથી 130 કિમીની પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ હશે. આ ટ્રેનોના બંને તથા લોકોમોટિવ એન્જિન પુશ-પુલ ઓપરેશન માટે તૈયાર રહેશે. જેનાથી એન્જિન બદલવાનો સમય પણ બચશે.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. જેમાં ફોલ્ડેબલ સ્નેક ટેબલ, મોબાઇલ હોલ્ડર, શ્રેષ્ઠ સીટ અને બર્થ, રેડિયમ ફ્લોરિંગ સામેલ છે. ઉપરાંત શૌચાલયોમાં સ્વચાલિત સોપ ડિસ્પેંસર, એફઆરપી મોડ્યુલર ડિઝાઇન અને એરોસોલ આધારિત ફાયર સિસ્ટમ જેવી સુવિધાઓ પણ હશે. દરેક કોચમાં બે ભારતીય અને બે વેસ્ટર્ન ટોયલેટ હશે. ઉપરાંત દિવ્યાંગો માટે વિશેષ શૌચાલય પણ હશે. આ ટ્રેનોનું ઈન્ટીરિયર અને એક્સટીરિયર પહેલાથી ઘણું અલગ અને આકર્ષક હશે.