રવિવારે UK, US , રશિયા, આફ્રિકા, નેધરલેન્ડના પતંગબાજો કરશે જમાવટ
સવારે ૯ વાગ્યાથી ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
વિદેશ ઉપરાંત પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યના પતંગવીરો પણ ભાગ લેશે
રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંત પૂર્વે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવનો પ્રારંભ રવિવારે સવારે ૯ વાગ્યાથી ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડ પરથી થશે જેમાં યુકે, યુએસ, રશિયા, આફ્રિકા, નેધરલેન્ડ સહિતના દેશોના પતંગબાજો ઉપરાંત પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોના પતંગવીરો ભાગ લેશે.
પતંગવીરોને કોઈ પ્રકારની અડચણ ન પડે તે માટે મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એન્ટ્રી પોઈન્ટ, વીઆઈપી પાર્કિંગ, જનરલ પાર્કિંગ, પતંગવીરના સ્ટોરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સફાઈ, સલામતિ ઉપર પણ ખાસ્સું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર હોવાનું મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટાલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રુયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ (યુકે), યુનાઈટેડ સ્ટેટસ (યુએસ), વેિયેતનામ સહિતના વિદેશી પતંગવીરોની સાથે જ ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યના પતંગવીરો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
હવેથી રેસકોર્સ સહિતના તમામ ગ્રાઉન્ડ એક વર્ષ માટે મનપા માટે રિઝર્વ
સામાન્ય રીતે પતંગ મહોત્સવ, મહાપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાતી મ્યુઝિકલ નાઈટ સહિતના મહાપાલિકા આયોજિત કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડ પર યોજાતા હોય છે પરંતુ પાછલા ઘણા સમયથી આ ગ્રાઉન્ડ ભાડે આપી દેવામાં આવતા હોવાથી મહાપાલિકાએ પોતાનો જ કાર્યક્રમ યોજવા માટે મહેનત કરવી પડતી હોવાથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મ્યુનિ.કમિશનર સાથે ચર્ચા કરીને રેસકોર્સ સહિતના તમામ ગ્રાઉન્ડ એક વર્ષ સુધી મહાપાલિકા માટે રિઝર્વ રાખવાની ભલામણ કરતા તેને ગ્રાહ્ય રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે મહાપાલિકાના કાર્યક્રમોની તારીખની એક યાદી તૈયાર કરવામાં આવી હતી અને તે તારીખ દરમિયાન અન્ય કોઈ સંસ્થા, વ્યક્તિને મહાપાલિકાના ગ્રાઉન્ડ ભાડે ન આપવા તેવી તાકિદ પણ કરવામાં આવી હતી.