મહાકુંભથી યુપીને કેટલી આવક થશે ? કેટલા લોકો આવશે ? જુઓ
મહાકુંભને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ પૂરબહારમાં ચાલુ છે. પ્રયાગરાજમાં તેની શરૂઆત 13 મી જાન્યુઆરીથી થવાની છે . 26 મી ફેબ્રુઆરી સુધી કુંભ ચાલશે . ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સંમેલનને સંબોધન કર્યું હતું અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
એમણે કહ્યું હતું કે મહાકુંભમાં એક મહિનામાં 40 કરોડ ભક્તો આવશે અને રાજ્યને રૂપિયા 2 લાખ કરોડ જેટલી આવક થવાની છે. આ વખતનું મહાકુંભ એક ભવ્ય અને ડિજિટલ આયોજન સાથેનું છે અને વિશ્વમાં તેની ચર્ચા છે. તૈયારીઓથી એમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
યોગીએ કહ્યું હતું કે જ્યાંરે ભક્તો રાજ્યમાં આવે છે ત્યારે આર્થિક વૃધ્ધિ થાય છે . ભક્તો પરિવહન , આવાસ, ભોજન અને અન્ય સેવાઓ માટે ખર્ચ કરે છે. આમ થવાથી સ્થાનિક રોજગાર અને બિઝનેસને ટેકો મળે છે અને તેનો વધુ વિકાસ થાય છે.
અહીં ભક્તોની સુવિધા માટે દરેક ચીજની વ્યવસ્થા કરાઇ છે. સ્માર્ટફોનથી શૌચાલયની સાફસફાઇ માટે આકલનની સુવિધા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સંતોના સાંનિધ્યમાં આ આયોજનને સફળ બનાવવા સતત પ્રયાસ કરી રહી છે અને તૈયારીઓ હવે પૂરી થવા આવી છે .
સુરક્ષા માટે પોલીસ અને જવાનોની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરાઇ છે. 50 હજાર પોલીસમેન 24 કલાક સ્થિતિ પર ચાંપતી નજર રાખશે. ભક્તો અને સંતોને કોઈ અગવડતા ના રહે તે માટે બધી જ વ્યવસ્થા કરાઇ છે.