વન ડે વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડના ધાકડ બેટ્સમેન ‘માર્ટિન ગુપ્ટિલે’ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. 38 વર્ષીય ગુપ્ટિલ 14 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. 2009 થી 2022 સુધી, માર્ટિન ગુપ્ટિલે ન્યૂઝીલેન્ડ માટે 367 મેચ રમી અને આ સમયગાળા દરમિયાન તેણે 23 આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી. માર્ટિને વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે અને બનાવ્યા છે, જેને તોડવા ખૂબ મુશ્કેલ છે.
ઓપનિંગ બેટ્સમેન ગુપ્ટિલે ઓક્ટોબર 2022 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેણે તેની 15 વર્ષની લાંબી કારકિર્દીમાં કુલ 367 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં 198 વનડે, 122 ટી20 અને 47 ટેસ્ટનો સમાવેશ થાય છે. તેણે કુલ 23 આંતરરાષ્ટ્રીય સદી અને 76 અડધી સદી ફટકારી છે.
ગુપ્ટિલની ક્રિકેટ કારકિર્દી
38 વર્ષીય ગુપ્ટિલે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં કુલ 13463 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 41.73ની એવરેજથી 7346 રન બનાવ્યા, જેમાં 18 સદી સામેલ છે. જ્યારે ટેસ્ટમાં તેણે 29.38ની એવરેજથી 2586 રન બનાવ્યા હતા.
તે હજુ પણ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર કિવી ખેલાડી છે. તેણે 122 મેચમાં 31.81ની એવરેજથી 3531 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 2 સદી અને 20 અર્ધસદી પણ ફટકારી છે. તેણે જાન્યુઆરી 2009માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
વર્લ્ડકપમાં ગુપ્ટિલના નામે આ શાનદાર રેકોર્ડ
ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 3 બેવડી સદી ફટકારવામાં આવી છે. ગુપ્ટિલ સિવાય આ સિદ્ધિ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે હાંસલ કરી છે. પરંતુ વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ માત્ર ગુપ્ટિલના નામે છે.
તેણે 2015 ODI વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ તેણે વેલિંગ્ટન મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે 223 બોલમાં 237 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 સિક્સ અને 24 ફોર ફટકારી હતી. આ જ વર્લ્ડ કપમાં ક્રિસ ગેલે ઝિમ્બાબ્વે સામે 215 રનની ઇનિંગ રમી હતી.