HMPVથી પેનિક ન થવું પણ… કેન્સરગ્રસ્ત, અસ્થમા, ડાયાબિટિક બાળકોએ સાવધાની રાખવી જરૂરી
HMPV વાયરસથી પેનિક થવાની જરૂર નથી પણ લાપરવાહીમાં પણ ન રહેવું.ચીનથી આવેલો આ વાયરસ ગુજરાતમાં આવી ગયો છે ત્યારે અમદાવાદમાં એક કેસ નોંધાયો છે.આ વાયરસ અંગે રાજકોટના જાણીતા પીડીયાટ્રીશન ડો.જય ધીરવાણીએ `વોઇસ ઓફ ડે’ સાથે આ વાયરસ અંગે જણાવ્યું હતું કે, કોરોના પછી લોકોમાં વાયરસને લઈને જાગૃતતા આવી છે, ૩ વર્ષથી નીચેના બાળક અને ૬૦ વર્ષથી ઉપરના વડીલોએ આ વાયરસને લઈને તકેદારી રાખવી જરૂરી છે, આ વાયરસ સીધો શ્વસનતંત્ર પર એટેક કરે છે એટલે ખાસ કરીને બાળકોને શરદી,ઉધરસ કે કફ ન થાય તેનું ધ્યાન રાખવું.
ડો.જય ધીરવાણી જણાવે છે કે, રોગપ્રતિકારક શક્તિ જે બાળકોની નબળી હોય છે તેમને આ વાઇરસ વધારે અસર કરતો હોવાથી બાળકોના ઇમ્યુનિટી પાવરને મજબૂત રાખવી, અત્યારની પરિસ્થિતિ એ આ વાયરસ ગંભીર નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ રાખવી આવશ્યક છે ખાસ કરીને અસ્થમા, હૃદય અને ફેફસા, અસ્થમા અને સીઓપીડીની બીમારી ધરાવતા હોય તેવા બાળકો માટે ચોક્કસ કાળજી લેવી, નવો વાયરસ એક વાયરલ ઇન્ફેક્શન છે, જે રીતે કોરોના કે અન્ય વાયરલ ઇન્ફેક્શનમાં આપણે ચોખ્ખાઈ અને સ્વચ્છતા માટે જે કાળજી લઈએ છીએ એવી જાળવણી લઈ બાળકોને આ વાયરસથી દૂર રાખી શકીશું.
જ્યારે રાજકોટ કેન્સર સોસાયટીના બાળરોગના ડો. તૃપ્તિ વૈષ્નાનીએ માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, આ વાયરસ મુખ્યત્વે નાના બાળકોને અસર કરે છે જેમાં ફેફસાને મુખ્ય અસર પહોંચાડે છે, કેન્સરગ્રસ્ત બાળકો માટે આ વાયરસ જોખમીકારક છે. ખાસ કરીને એવા બાળકોને કીમોથેરાપી અને રેડિયો થેરાપી ચાલતી હોય તેમની વધુ પ્રતિકારક શક્તિ સાવ જ ઘટી ગઈ હોય છે તેવો વધારે ખોરાક લઈ શકતા નથી માટે આ બાળકો માટે સાવચેતી માતા પિતાએ રાખવી આવશ્યક છે.
આ વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવુ, પૌષ્ટિક ખોરાક લેવો, વધારે પ્રમાણમાં પ્રવાહી લેવું, આથા વાળી અને ઠંડી વસ્તુ ન લેવી, બધું ખાંડ વાળો ખોરાક ન લેવો વગેરે નાની નાની રોજિદી બાબતો પણ ધ્યાનમાં લેવાશે તો બાળકોને આ વાયરસ સામે આપણે જ રક્ષણ આપી શકીશું.