રાજકોટ રામભરોસે : પોલીસના અધિકારીઓને એક નાગરિકનો ખુલ્લો પત્ર…
કોટેચા ચોક અને કિસાનપરાએ પોલીસના ધાડેધાડા દેખાય છે પણ નવા 150 ફૂટ રોડ, કણકોટ રોડ, અવધ રોડ, ન્યારી ડેમ, અટલ સરોવર, ઈશ્વરીયા પોસ્ટ પાસેના વિસ્તારમાં ચેકિંગ કરવાની તસ્દી લીધી છે ?
નમસ્તે સાહેબ,
હું રાજકોટમાં રહું છું અને નિયમિત રીતે અખબારો તથા સોશિયલ મીડિયા જોતો રહુ છુ. રાજકોટના એક નાગરિક તરીકે મને આપણી આસપાસ શું થઇ રહ્યું છે તે જાણવાનો અને અભિપ્રાય આપવાનો અધિકાર છે એટલે હું આ ખુલ્લો પત્ર લખવા માટે પ્રેરાયો છુ.
અપેક્ષા રાખું કે આપ બધા સકુશળ હશો અને તમારા માર્ગદર્શન હેઠળ કર્મચારીઓની કામગીરીથી સંતુષ્ટ પણ હશો..પોલીસ…આ એક એવો શબ્દ છે જેને સાંભળીને દરેક નાગરિકને પોતે સુરક્ષિત છે તેવો અહેસાસ થઈ જાય છે. થોડા સમય પહેલાં રાજકોટમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પધાર્યા હતા. આપ સાહેબ સહિત આખા ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓ સાથે કલાકો સુધી તેમણે બેઠક કર્યા બાદ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પત્રકાર પરિષદને મેં ઓનલાઈન નિહાળી હતી ત્યારબાદ બીજા દિવસે અખબારોનું વાંચન કર્યું તેમાં ડીજીપીસાહેબના નામથી એવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે રાજકોટ સહિત આખા ગુજરાતનું ક્રાઈમ કંટ્રોલમાં છે અને નાગરિકોને ડરવાની કોઈ જરૂર નથી, લોકો અર્ધી રાત્રે પણ મુક્તમને બહાર હરી-ફરી શકે છે. ડીજીપીસાહેબની પત્રકાર પરિષદ સાંભળી, અખબારોમાં તેમના નામના અહેવાલ વાંચી હું નિશ્ચિંત બની બની ગયો હતો. અમને ધરપત થઇ કે મારું રાજકોટ સલામત છે…મારો પરિવાર સલામત છે.
જો કે મારી અને મારા પરિવારની આ ખુશી બહુ લાંબો સમય સુધી ટકી નહી કારણ કે, 31 ડિસેમ્બરની રાત્રે અવધ રોડ પર એક નિર્દોષ યુગલને પોલીસના નામથી ડરાવી, ધમકાવી, માર મારી પૈસા પડાવી લેવાયા, યુવતી સાથે ચેનચાળા કરવામાં આવ્યાનો અહેવાલ વાંચ્યો એટલે ડીજીપીસાહેબના સબ સલામતનાં દાવા ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે. સલામતિને લગતા અનેક સવાલો મારા અને મારા પરિવારજનના મનમાં ઉપસ્થિત થવા લાગ્યા હતા. મને પહેલો વિચાર એ આવ્યો કે આ યુગલને બદલે મારા દિકરી-જમાઈ હોત તો….
રાજકોટના તમામ પોલીસ અધિકારીઓને આજે હું અને મારો પરિવાર પૂછવા માંગીએ છીએ કે સાચે જ અત્યારે 23 લાખ રાજકોટવાસીઓ સુરક્ષિત છે ? જો તમારો જવાબ ‘હા’ હોય તો પછી અવધ રોડ જેવી ઘટના બની જ કઈ રીતે શકે ? આ ઘટના બન્યા પછી પોલીસ ઉપર રહેલો મારો અને મારા પરિવારજનોનો વિશ્વાસ ડગમગી ગયો છે ! કોઈ તહેવાર આવે એટલે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારનો બનાવ ન બને તે માટે કેટલો બંદોબસ્ત તૈનાત રહેશે તેની મસમોટી સ્કીમ જાહેર કરીને અખબારોમાં વાહવાહી લૂંટવામાં આવી રહી છે. જો ખરેખર આટલો બંદોબસ્ત તૈનાત રહેતો હોય તો પછી અવધ રોડ પર ઘટના બની જ કઈ રીતે શકે ? શું પોલીસનો કોઈ જાતનો ડર રહ્યો નથી કે પછી નબળો ધણી બૈરી ઉપર શૂરો હોય એ રીતે પોલીસ વાહન ચાલકોને જ પોતાનો દમ દેખાડે છે..મને તો લાગે છે કે, વાહનચાલકો પાસેથી સરળતાથી દંડ વસુલી થઇ જતી હોવાથી બધી પોલીસ આ કામગીરી જ કરવાનું પસંદ કરે છે.
આ તકે હું એમ પણ કહેવા માંગીશ કે પ્રત્યેક તહેવાર પર ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી ઉપરાંત સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ કિસાનપરા, કોટેચા ચોક, ઈન્દીરા સર્કલ સહિતના ‘પોશ’ વિસ્તારોમાં ગોઠવાઈ જાય છે અને જાણે કે ત્યાંથી કોઈ મોટો આતંકવાદી નીકળવાનો હોય તેવી રીતે દરેક લોકોનું ચેકિંગ કરાય છે, ફોટા પડાવાય છે અને પછી ચેકિંગ સંકેલી લેવાય છે…! શું પોલીસનું પ્લાનિંગ આટલું જ હોય છે ? સાહેબ, ખરેખર તમારે ગુનાખોરીને કંટ્રોલમાં કરવી હોય તો આ પ્રકારે રોડ પર ઉભા રહીને વાહનચાલકોને હેરાન-પરેશાન કરવાની જગ્યાએ શહેરના દૂરદરાજ, અંતરિયાળ વિસ્તારોમાં કોમ્બિંગ-પેટ્રોલિંગ કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ તેવી મારી જ નહીં બલ્કે દરેક રાજકોટવાસીઓની લાગણી છે કેમ કે પોલીસ કયા વિસ્તારમાં ઉભી રહીને ચેકિંગ કરવાની છે તે વાત અખબારોમાં તો પ્રસિદ્ધ થઈ જ જાય છે સાથે સાથે સોશ્યલ મીડિયા ઉપર પણ તેનો બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવતો હોવાથી ગુનેગારો એ રસ્તેથી નીકળવાનું ટાળે છે.
પોલીસની આ પ્રકારની ‘કામગીરી’ને કારણે હવે લોકો પોલીસને ‘ફોટોજેનિક’, ‘વીડિયોજેનિક’ કહીને સંબોધી રહ્યા છે ! શું આ શબ્દો ખાખી માટે શરમજનક નહીં ગણી શકાય ? ઈમાનદાર પોલીસ અધિકારીઓ તરીકે આપ સૌ તમારા હૃદય પર હાથ મુકીને કહો કે તમારા પૈકીના એક પણ અધિકારીએ ક્યારેય નવા 150 ફૂટ રોડ, કણકોટ રોડ, અવધ રોડ, ન્યારી ડેમ, અટલ સરોવર આસપાસનો વિસ્તાર, ઈશ્વરીયા પોસ્ટ પાસેના વિસ્તારમાં ચેકિંગ કરવાની તસ્દી લીધી છે ? સાહેબ, સૌથી વધુ ચેકિંગની જરૂર તો અહીં છે કેમ કે ખાણીપીણીની મોજ માણવા માટે જાણીતા રાજકોટવાસીઓ આ વિસ્તારમાં વધુ જવાનું પસંદ કરે છે કેમ કે અહીં તેમને તમામ પ્રકારની ખાણીપીણી ઉપરાંત રમત-ગમત માટેના ગેઈમ ઝોન, થિયેટર સહિતની સુવિધા મળતી હોય છે. જો થર્ટી ફર્સ્ટની રાત્રે આપસાહેબના આદેશથી જે પ્રકારે પોલીસે ડ્રોન ઉડાવ્યા, ચેકિંગ કર્યું તેની જગ્યાએ અવધ વિસ્તારમાં ચેકિંગ કર્યું હોત તો કદાચ એક નિર્દોષ યુગલે પીડા સહન કરવી પડી ન હોત.
સાહેબ, દુ:ખ સાથે કહેવું પડી રહ્યું છે કે આજે હું અને મારો પરિવાર રાજકોટથી થોડે દૂર આવેલા વિસ્તારમાં ભોજન કરવા માટે જવાથી ડરી રહ્યા છીએ કેમ કે જે ઘટના એ યુગલ સાથે બની એવી જ ઘટના મારા અથવા મારા પરિવાર સાથે બને તો ? સાહેબ, આ પ્રકારનો ડર અત્યારે હું નહીં બલ્કે હજારો નાગરિકો અનુભવી રહ્યા છે ! શું આ ડર તમને હાડોહાડ ખૂંચી રહ્યો નથી ? રાજકોટમાં રિક્ષાગેંગ, લૂંટારાઓ માંકડની જેમ વકરી રહ્યા છે, પોલીસ એક ગેંગ કે લૂંટારા અથવા તો તસ્કરને પકડે એટલે તેના બીજા ધંધાદારી ભાઈઓ ગુનાને અંજામ આપતાં જ હોય છે. પોલીસ શા માટે ડિટેક્શન ઉપર જ ધ્યાન આપવામાં માને છે, કેમ તમને કે તમારી પોલીસને પ્રિવેન્શન અંગે વિચાર આવતો નથી, તમે પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચને વધુ સુદૃઢ બનાવી છે પરંતુ એ બ્રાન્ચ ગુનાખોરી અટકાવાની જગ્યાએ છૂટક-પુટક દારૂ-જુગાર પકડવાની કામગીરીમાં જ વ્યસ્ત છે.
બસ..મારી આ વ્યથા વાંચીને તમારા મનમાં રામ વસે અને રાજકોટવાસીઓને સલામતિનો અહેસાસ કરાવો તેવી વિનંતી છે..
લી.
વખાનો માર્યો મજબુર નાગરિક
અસલી પોલીસ અને નકલી પોલીસ
આજે રાજકોટવાસીઓ અસલી પોલીસથી નથી ડરી રહ્યા એટલુ નકલી પોલીસથી ડરી રહ્યા છે. તમે પોતે સાક્ષી છો કે રાજકોટમાં છેલ્લા એક મહિનામાં નકલી પોલીસવાળા કેટલા પકડાયા છે. તમે એટલું ન કરી શકો કે પોલીસની ઓળખ ખાખી વર્દીથી જ થવી જોઈએ…શા માટે ચોક્કસ બ્રાંચ કે પોલીસ સ્ટેશનનાં ચોક્કસ માણસોને ડ્રેસમાંથી મુક્તિ આપવામાં આવે છે. જે નકલી પોલીસ પકડાયા છે તે આ વ્યવસ્થાનો જ ગેરલાભ ઉઠાવે છે…લોકો તો એવું પણ કહેવા લાગ્યા છે કે પહેલા અસલી પોલીસ નિયમોની આડમાં હેરાન કરતી હતી અને હવે આવી નકલી પોલીસ તોડ કરી રહી છે. આ માટે પોલીસ અધિકારીઓએ જ કોઈક રસ્તો કાઢવો પડશે..બાકી તો રાજકોટ રામભરોસે છે તેમ કહેવામાં ખોટુ નથી..