નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનું સો વર્ષની વયે નિધન
અમેરિકામાં ત્રીસ દિવસ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે:ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ ઝાંખો પડશે
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જીમ્મી કાર્ટરનું રવિવારે જ્યોર્જિયા રાજ્યના પ્લેઇન નામના ગામડામાં 100 વર્ષની વયે નિધન થયું હતું. 2015માં તેમને બ્રેઇન કેન્સર હોવાનું જાહેર થયું 2023 ના ફેબ્રુઆરી મહિનાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.અમેરિકાના પ્રમુખોમાં સૌથી વધુ આયુષ્ય ભોગવનાર જીમી કાર્ટરે 1977 થી 1981 સુધી અમેરિકાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.અંતિમ સમયે તેમનો વિશાળ પરિવાર ઉપસ્થિત હતો. તેમના નિધન બદલ અમેરિકાના પ્રમુખ જો બાઇડેને આઘાતની લાગણી દર્શાવી નવમી જાન્યુઆરીને રાષ્ટ્રીય શોક દિન જાહેર કર્યો હતો. એ ઉપરાંત પરંપરા મુજબ 30 દિવસ અમેરિકામાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરક છે. આ સંજોગોમાં 20 મી જાન્યુઆરીએ યોજાનારા ડોનાલ્ડ ટ્રમ્પનો શપથવિધિ સમારોહ ઝાંખો પડશે તેવું માનવામાં આવે છે.
જીમી કાર્ટરે 1963 થી 1967 સુધી જ્યોર્જિયાના સેનેટ
સભ્ય તરીકે અને 1971 થી 1976 સુધી જ્યોર્જિયાના ગવર્નર તરીકે ફરજો બજાવી હતી. 1977માં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા થઈ તેઓ અમેરિકાના 39 માં પ્રમુખ બન્યા હતા.
તેમના કાર્યકાળ દરમિયાન ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે કેમ્પ ડેવિડ એકોર્ડ અને પનામાં કેનાલ સમજૂતી થઈ હતી. જીમ્મી કાર્ટર માનવ અધિકાર અને સામાજિક ન્યાયના હિમાયતી હતા. માનવતાવાદી વલણ ધરાવનાર સંવેદનશીલ નેતા તરીકે તેમણે સમગ્ર વિશ્વમાં સન્માન જનક સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 2002માં તેમને સામાજિક અને આર્થિક ન્યાય ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ નોબેલ પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. પ્રમુખ પદેથી નિવૃત્ત થયા બાદ તેમણે કાર્ટર સેન્ટરની રચના કરી હતી અને તેના માધ્યમથી વિશ્વ શાંતિ માટે પ્રયત્નો કર્યા હતા. તેમણે ગ્લોબલ હ્યુમેનીટેરિયન તરીકેની ઓળખ પ્રાપ્ત થઈ હતી.
તેમનો જન્મ એક ઓક્ટોબર 1924 ના રોજ જ્યોર્જિયાના નાનકડા ગામડા પ્લેઇનમાં થયો હતો. તેમણે પરિવારની ખેતીવાડી સંભાળી હતી. એક દાયકા ત્યાં સુધી તેમણે અમેરિકન નેવી માં પણ ફરજો બજાવી હતી. નવેમ્બર 2023 માં 77 વર્ષના પ્રસન્ન દાંપત્યજીવન બાદ તેમના પત્ની રોઝાલીના સ્મિથ નું 96 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ પોતાની પાછળ ચાર સંતાનો, આઠ પૌત્ર અને પૌત્રીઓ તેમજ 14 પ્રપૌત્ર અને પ્રપૌત્રીઓના વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.
ભારત સાથે ગાઢ સંબંધ: હરિયાણાના એકબ ગામને અપાયું છે કાર્ટરપૂરી નામ
જીમી કાર્ટરના માતા લીલાનએ 1960 ના ઉત્તરાર્ધમાં ભારતમાં પીસ કોર્પસ તરીકે ફરજ બજાવી હતી. ભારતમાં ઈમરજન્સી બાદ જનતા પાર્ટીની સરકાર નું ગઠન થયું ત્યારે જીમી કાર્ટર ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની મુલાકાતે આવનાર તેઓ અમેરિકાના ત્રીજા પ્રમુખ હતા. તેમની એ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મેરી ટાઈમ અને એનર્જી સહિત અનેક ક્ષેત્રે કરારો અને નવા સંબંધોની શરૂઆત થઈ હતી. તેમની એ મુલાકાત દરમિયાન તા.3, જાન્યુઆરી 1978 ના રોજ તેમણે અને ફર્સ્ટ લેડી રોઝલીનાએ હરિયાણાના દોલતાપુર નરસીરાબાદ નામના ગામડાની મુલાકાત લીધી હતી. એ મુલાકાત બાદ એ ગામને કાર્ટરપૂરી નામ આપવામાં આવ્યું હતું.
તેમની મુલાકાતના પ્રસંગને યાદગાર બનાવવા માટે આજે પણ એ ગામમાં ત્રીજી જાન્યુઆરીએ જાહેર રજા પાળવામાં આવે છે. 2002માં જીમી કાર્ટરને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એ ગામડામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.