વિયેતનામ: ઓપરેશન ’12 ડેયઝ એન્ડ નાઈટ્સ’ની 52મી વરસી
ક્રિસમસ અને ડિસેમ્બર મહિનો આમ તો આખું વિશ્વ આનંદ,ઉમંગના તહેવાર તરીકે ઉજવે છે. આપણી જીવનયાત્રાનો એક ભાગ બની ગયેલા વર્ષને વિદાય આપવાના અને નવા વર્ષને આવકારવાના આ દિવસોમાં લોકો ભરપૂર જશ્ન મનાવે છે.પણ આજથી 52 વર્ષ પહેલાં 1972નો ડિસેમ્બર મહિનો નોર્થ વિએટનામ માટે આંસુ,આક્રંદ,પીડા, શોક અને સંહારનો મહિનો બની ગયો હતો.અમેરિકાએ એ જ મહિનાન ઉતરાર્ધમાં અમાનવીય, ભયંકર બોમ્બાર્ડિંગ કરી મહવિનાશ સર્જ્યો હતો.
18 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલેલા આ ભીષણ બોમ્બર્ડિંગને ‘ઓપરેશન ક્રિસમસ’ અને ‘ઓપરેશન લાઈનબેકર 2’તરીકે ઓળખવામાં આવે છે. વીયેતનામ આ ઓપરેશનને ’12 ડેયઝ એન્ડ નાઈટ્સ’ તરીકે યાદ કરે છે,એવા 12 દિવસો અને એવી 12 રાત્રી જેણે નોર્થ વીયેતનામને ખન્ડેર બનાવી દીધું હતું અને જેની ભયાનકતા આજે પણ લોકો ભૂલી શક્યા નથી.
આ 12 દિવસના અસામાન્ય સ્તરના બોમ્બર્ડિંગ બાદ નોર્થ વીયેતનામની યુદ્ધ લડવાની ક્ષમતા ક્ષિણ થઈ ગઈ હતી અને અમેરિકા સાથે સંધિ કરવા મજબુર બન્યું હતું. અમેરીકાએ તેને પોતાનો વિજય ગણાવી સફળતાનો શ્રેય ઓપરેશન ક્રિસમસ ને આપ્યો હતો. જો કે તેના ત્રણ વર્ષ પછી જ નોર્થ વીયેતનામે બમણી તાકાતથી સાઉથ વિએટનામ ઉપર હુમલો કરી બાજી પલટી નાખી હતી. ઓપરેશ ક્રિસમસની સફળતા ઉપર પાણી ફરી વળ્યું હતું.
મહાસતાઓની સતા લાલસા અને આધિપત્ય જમાવવાની રાજ રમતનો ભોગ વિયેતનામ બન્યું
વિયેતનામના એ યુદ્ધ માટે પણ પશ્ચિમના શક્તિશાળી દેશોની સતા લાલસા,શાસન વિસ્તારની નીતિ અને અન્યોની આઝાદીના ભોગે પોતાનું વર્ચસ્વ સ્થાપવાની મેલી રાજરમત જ કારણભુત હતી. વિયેતનામ ઉપર બીજા વિશ્વયુદ્ધ પહેલા ફ્રેન્ચ શાસન હતું. ત્યાર બાદ ત્યાં ક્રાંતિ થઈ જે ઓગસ્ટ રિવોલ્યુશનના નામે પ્રખ્યાત છે. ફ્રાન્સને વીયેતનામમાંથી ભાગવું પડ્યું. 1945માં કોમ્યુનિસ્ટ નેતા હો ચી મીનહે ફ્રેન્ચ શાસનથી મુક્ત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ વીયેતનામની સ્થાપના કરી. ગુમાવેલું વિયેતનામ પરત મેળવવા ફ્રાંસે 1946માં ચડાઈ કરી જે ફર્સ્ટ ઇન્ડો ચાઇના વોર તરીકે ઓળખાય છે. ફ્રાન્સનો સામનો કરવા વીયેત નાગરિકોએ ગેરીલા યુદ્ધનો આશરો લીધો.1954માં ફ્રાન્સ હાર્યું. ત્યાર બાદ જીનીવા સમજૂતી હેઠળ વીયેતનામને સાઉથ અને નોર્થ વિયેતનામ એમ બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું. નોર્થ વીયેતનામમાં કોમ્યુનિસ્ટ શાસકો હતા.
સાઉથ વીયેતનામમાં ફ્રાન્સના પ્રભુત્વ હેઠળનું શાસન હતું. સાઉથ અને નોર્થ વીયેતનામને એક કરવા અને લોકશાહી ઢબે પ્રજામતથી ચૂંટાયેલા નેતાને તેની શાસનધૂરા સોંપવા માટે તટસ્થ રાષ્ટ્રોની દેખરેખ હેઠળ ચૂંટણી કરવાની સમજૂતી થઈ હતી પણ અમેરિકા આડું ફાટ્યું. અમેરિકાએ અન્ય રાષ્ટ્રોની નહીં પણ યુનોની દેખરેખ હેઠળ ચૂંટણી યોજવાની માંગણી કરીને જીનીવા સમજૂતીમાં સહભાગી બનવાનો ઇનકાર કરી દીધો. અમેરિકાના ઈશારે સાઉથ વિયેતનામના તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર નો હીન હિમે ચૂંટણીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો. અને પછી આ ઘટનાક્રમના અનુસંધાને નોર્થ વિયેતનામ અને સાઉથ વિયેતનામ વચ્ચે યુદ્ધ શરૂ થયું. અમેરિકાનો હેતુ સાઉથ ઇસ્ટ એશિયામાં કોમ્યુનિસ્ટ અગેકૂચને અટકાવી ચીન અને રશિયાની વગ ઘટાડવાનો હતો.
અમેરિકાએ પ્રત્યક્ષ રૂપે સાઉથ વીયેતનામની તરફેણમાં આ યુદ્ધમાં ભાગ લીધો. 1953 થી 1975 વચ્ચે કુલ 30 લાખ અમેરિકનોએ આ યુદ્ધમાં ફરજ બજાવી હતી. સામે પક્ષે ચીન અને રશિયાએ નોર્થ વીયેતનામને સાથ આપ્યો હતો. વિયેતનામની ભૂમિ વિશ્વની મહાસતાઓની રણભૂમિ બની ગઈ હતી. આ યુદ્ધે મહાવિનાશ વેર્યો હતો. 1955માં ચાલુ થયેલું આ યુદ્ધ ઇતિહાસમાં સૌથી લાંબા સમયના યુદ્ધ તરીકે અંકિત થઈ ગયું છે. અમેરિકાની રાક્ષસી તાકાત છતાં નોર્થ કોરિયા ઝુકતું નહોતું. તેના ગેરીલા યુદ્ધે અમેરિકાના નાકે દમ લાવી દીધો હતો. અમેરિકન સેનાની મોટી ખુવારી થતી હતી. યુદ્ધના જંગી ખર્ચની અમેરિકન અર્થતંત્ર ઉપર પણ વિપરીત અસર પડી હતી. હજારો અમેરિકન સૈનિકો ચિંતા અને ડિપ્રેસન જેવી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. યુદ્ધ વિરામ કરવા માટે અમેરિકામાં ઘર આંગણે દબાણ વધતું જતું હતું. એ સંજોગોમાં યુદ્ધ સત્વરે પૂરું કરવા માટે તત્કાલીન પ્રમુખ નિક્સનના આદેશ બાદ ઓપરેશન લાઈનબેકર 2 હાથ ધરવામાં આવ્યું હતું.
વિશ્વના ઇતિહાસનું સૌથી ભયંકર બોમ્બાર્ડિંગ: 2000 અમેરિકી લડાકુ વિમાનોએ મોત વરસાવ્યું
18મી ડિસેમ્બરે ઓપરેશન શરૂ થયું તેના આગલા દિવસે અમેરિકન એર ફોર્સના સર્વશ્રેષ્ઠ ગણાતા B-52 લડાકુ વિમાનોનો જંગી કાફલો થાઈલેન્ડ,યુ ટાપાઓ અને ગુઆમના એન્ડરસન એરફોર્સ બેઝ ઉપર તૈનાત કરી દેવાયો હતો. યુએસ સ્ટ્રેટેજીક એર કમાન્ડ અને યુએસ નેવી ટાસ્ક ફોર્સ 77ની ટુકડીઓ આ ઓપરેશનમાં સામેલ થઈ હતી.207 B-52 સહિત કુલ 2000 લડાકુ વિમાનોએ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો. 18મી ડિસેમ્બરે પ્રથમ દિવસે જ એક સાથે 129 B 52 બોમ્બર વિમાનોએ ઉડાન ભરી હતી. એ વિમાનોને રાક્ષણકવચ પૂરું પાડવા માટે તેમ જ રડાર સિસ્ટમ જામ કરી દેવા માટે સેવન્થ એર ટાસ્ક ફોર્સ,નેવી ટાસ્ક ફોર્સ 77,મરીન કોરપ્સ તેમ જ એર ફોર્સની અન્ય ટુકડીઓના બીજા 100 જેટલા વિમાનોએ પણ સંયુક્ત ઉડાનો કરતા નોર્થ કોરિયાનું આકાશ લડાકુ વિમાનોથી ઉભરાઈ ગયું હતું.
ગુનામ એર બેઝ ઉપરથી દરેક મિનિટે એક વિમાન ઉડાન ભરતું હતું. ક્રિસમસના એક દિવસને બાદ કરતાં બાકીના તમામ 12 દિવસ સુધી આ જ સ્તરનું બોમ્બર્ડિંગ સતત ચાલુ રહ્યું હતું. 12 દિવસમાં B 52 વિમાનો કુલ 730 વખત ત્રાટક્યા હતા. 25 હજાર ટન બોંબ ફેંકવામાં આવ્યા હતા. આ ભયંકર બોમ્બર્ડિંગે અકલ્પ્ય વિનાશ વેર્યો હતો. અમેરિકાએ નાગરિક વસાહતો,શાળાઓ અને હોસ્પિટલો ઉપર પણ બોંબ ફેંક્યા હતા. અનેક ગામડાઓ અને નગરો ખંડેર બની ગયા હતા.2368 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો. 1335 ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થતો હતો. બાચ માઇ હોસ્પિટલ ઉપર બોંબ પડતા એક દર્દી અને 22 ડોક્ટરો તથા નર્સનો ભોગ લેવાયો હતો. નોર્થ વિયેતનામના 1600 લશ્કરી થાણાઓ અને એર બેઝ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. હજારો મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા.90 ટકા રેલવે લાઇન,સેંકડો રેલવે વેહિકલ્સ,ટ્રક,18 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિત અસંખ્ય ફેકટરીઓ અને 80 ટકા વિદ્યુત પ્લાન્ટ નાશ પામ્યા હતા.
દર વર્ષે 31મી ડિસેમ્બરે વિયેતનામમાં લાખો લોકો અર્પે છે મૃતકોને શ્રધ્ધાંજલિ
નોર્થ વિયેતનામતો સંપૂર્ણપણે તારાજ થઈ ગયું હતું. આ હુમલા બાદ 8મી જાન્યુઆરીએ 1973ના રોજ પેરિસમાં શાંતિ વાર્તાનો પ્રારંભ થયો હતો. 27 મી તારીખે નોર્થ વિયેતનામ,સાઉથ વિયેતનામ અને અમેરિકાએ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને એ સાથે અમેરિકી સેનાની ઘર વાપસી પ્રક્રિયા શરૂ થઈ હતી. અમેરિકાએ પોતાના વિજયનો દાવો કર્યો હતો.પણ 1976માં નોર્થ કોરિયાએ સાઉથ વિએટનામનો કબજો લઈ લીધો હતો. બાદમાં બન્ને દેશ એક થયા હતા જે આજે સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામના નામે ઓળખાય છે.
નોર્થ વિયેતનામ ઉપરના 12 દિવસના આ હુમલા દરમિયાન હેનોઈ ના ખામ થેઇન નામના વિસ્તારમાં એક જ રાતમાં બાળકો અને મહિલાઓ સહિત 287 લોકોના મૃત્યુ થયા હતા. એ નરસંહારની સ્મૃતિમાં ત્યાં પોતાના વહાલસોયા બાળકને છાતી સરસી ચાંપીને ઉભેલી ભયભીત માતાનું સ્ટેચ્યુ વોર મેમોરિયલ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. 31 મી ડિસેમ્બરે હજારો લોકો ત્યાં મીણબત્તીઓ પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પે છે. વીયેતનામમાં ચીન અને રશિયાના વર્ચસ્વ અને સામ્યવાદી શાસનની સ્થાપનાને ખાળવા માટે અમેરિકાએ આ યુદ્ધ કર્યું હતું પણ આજે ત્યાં કમ્યુનિસ્ટ શાસન છે. એ સમયે સામસામે લડનારા અમેરિકા અને વિયેતનામ વચ્ચે આજે મિત્ર બની ગયા છે. એ વખતે પડખે રહેનાર ચીન સાથે વીયેતનામને અત્યારે સાઉથ ચાઇના સી મુદ્દે તંગદિલી છે. ત્યારે દેખીતી રીતે જ એ યુદ્ધ અને રક્તપાતની ફ્લાશ્રુતી અંગે ઓપરેશન ક્રિસમસની 52મી વરસીએ ચિંતન શરૂ થયું છે.