મનમોહનજીના અંતિમ સંસ્કાર મુદ્દે વિવાદ : નેતાઓએ મોતનો મલાજો જાળવવાને બદલે રાજનીતિ કરી શરૂ કરી; કોણે શુ કહ્યું ?
આપણા રાજનેતાઓ રાજરમતમાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે ભયંકર દુખ અને આફતના સમયમાં પણ રાજનીતિ કરવાનું ભૂલતા નથી ! માનવીય મૂલ્યોનો ખુલ્લેઆમ નાશ કરતાં રહે છે. મનમોહન સિંઘના નિધનના ભારે દુખદ પ્રસંગે પણ કોંગ્રેસ અને આપના નેતાઓએ શનિવારે અંતિમ સંસ્કારના મુદ્દા પર જીભાજોડી કરીને મર્યાદા તોડી હતી. અંતિમ સંસ્કાર ક્યાં થવા જોઈએ તે વાતને લઈને પાર્ટીના નેતાઓએ સામસામે નિવેદનબાજી કરી હતી અને વિવાદ ઊભો કર્યો હતો.
રાજકીય ઘર્ષણ કરવા માટે આ લોકોને રોજ નવા મુદા મળી જ રહેતા હોય છે પણ આવા દુખદ પ્રસંગે પણ આરોપબાજી કરીને એમણે કરોડો દેશવાસીઓને આંચકો આપ્યો હતો. જો કે ગૃહમંત્રી અમિત શાહે તો સાફ શબ્દોમાં કહી દીધું હતું કે સ્મારક બનાવવા માટે સરકાર જગ્યા આપશે . કોણે શું કહ્યું હતું તેના પર એક નજર કરીએ
રાહુલ ગાંધી: અંતિમ સંસ્કાર શકતી સ્થલ પર થવા જોઈતા હતા, કેન્દ્ર સરકારે મનમોહનનું અપમાન કર્યું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂકીને કહ્યું હતું કે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરીને કેન્દ્ર સરકારે મનમોહન સિંઘનું અપમાન કર્યું છે. અઅજ સુધી બધા જ વડાપ્રધાનોની ગરિમાનો આદર કરીને એમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિ સ્થલ પર થયા છે. મનમોહન સિંઘ પણ આવા જ સર્વોચ્ચ સન્માનના હકદાર હતા. કેન્દ્ર સરકારે દેશના આ મહાન પુત્ર અને એમની ગૌરવશાળી કોમ પ્રત્યે આદર દેખાડવાની જરૂર હતી. સમાધિ સ્થલ પર જો કરવામાં આવે તો દરેક વ્યક્તિ કોઈ પણ અસુવિધા વિના અંતિમ દર્શન કરી શકે. જો કે કેન્દ્ર સરકારે મનમોહન સિંઘનું અપમાન કર્યું છે.
નવજોત સિધ્ધુ; અટલજીના કેસમાં આવું થયું હોત તો તમને કેવું લાગત ?
કોંગ્રેસના નેતા નવજોત સિધ્ધુએ ભાજપની આલોચના કરી હતી અને કહ્યું હતું કે,આમાં પણ રાજનીતિ કરવામાં આવી છે. એમણે એવો સવાલ કર્યો હતો કે જો ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ વડાપ્રધાન અટલજીનું સ્મારક જો રાજઘાટ પર ન બન્યું હોત તો પાટીને કેવું લાગત ? આ મુદ્દો કોઈ એક પાર્ટીનો નથી પણ સમગ્ર દેશના ઇતિહાસનો છે. પત્રકારો સાથે વાત કરતાં એમણે કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિનું નિધન થાય છે તો તેની સાથેની બધી જ દુશ્મની ખતમ થઈ જાય છે. પરંતુ અહીં રાજનીતિ કરવામાં આવી છે. જો અટલજીના અંતિમ સંસ્કાર હોય અને કોઈ એમ કહે કે સ્મારક રાજઘાટ પર નહીં બને તો તમને કેવું લાગે ?
ગૃહમંત્રી અમિત શાહે ખુદ કહ્યું , મનમોહનજીના સ્મારક માટે સરકાર જગ્યા આપશે
પૂર્વ પીએમ મનમોહન સિંહનું સ્મારક બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ માટે સંમત થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સિંઘના પરિવારને આ માહિતી આપી છે હતી. કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવારને કહ્યું હતું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે, કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે. આમ સરકારે પોતાનું વલણ તરત જ સ્પષ્ટ કરી દીધું હતું છતાં વિવાદ ઊભો કરાયો છે.
ભાજપના નેતાએ કહેવું પડ્યું, આવા સમયે તો ગંદી રાજનીતિ બંધ કરો
આ વિવાદ ઊભો કરવામાં આવ્યો અને એક પછી એક નેતાઓના નિવેદનો આવવા લાગ્યા ત્યાર બાદ ભાજપના અને સિખ કોમના વરિષ્ઠ નેતા મંજિન્દર સિંઘએ ભારે હૈયે એવી અપીલ કરવી પડી હતી કે આવા દુખદ અવસર પર તો ગંદી રાજનીતિ કરવાથી બધાએ દૂર રહેવું જોઈએ. આવા પ્રસંગે આવી વાતો અને વિવાદ ઊભા ન થવા જોઈએ અને ગરિમા જાળવવી જોઈએ. આપના નેતા કેજરીવાલે પણ મોઢું હલાવી લીધું હતું અને આ મુદા પર સરકારની ટીકા કરી હતી. કેજરીવાલે એક્સ પર લખ્યું હતું કે હું તો આ નિર્ણય સાંભળીને હેરાન રહી ગયો હતો. એમના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર નહીં રાજઘાટ પર થવા જોઈએ. અશોક ગહલોતએ પણ આવી જ વાત કરી હતી.