વધુમાં વધુ દારૂડિયાઓને પકડો, મંજૂરી વગર ક્યાંય પાર્ટી’ નહીં થવા દેવાય
થર્ટી ફર્સ્ટ જ શા માટે, કાયમ આવું ચેકિંગ કરીને ગુનાખોરી ન ઘટાડવી જોઈએ ?
એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ઉપર ચેકિંગ ટીમને સ્ટેન્ડ બાય રહેવા આદેશ: થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે ચાર અરજી આવી, હજુ તેમાં વધારો થઈ શકે
હથિયાર સાથે રખડતાં ટપોરીઓને પણ ભરી પીવાશે: છાંટોપાણી કરીને નીકળ્યા એટલે નવું વર્ષ લોકઅપમાં જ થશે શરૂ
અંગ્રેજી તારીખ પ્રમાણે નવું વર્ષ શરૂ થવા આડે હવે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે ન્યુ યરને આવકારવા માટે રાજકોટીયન્સ થનગની રહ્યા છે. ખાસ કરીને નવું વર્ષ શરૂ થાય તેની આગલી રાત્રે છાંટોપાણી કરવાની અનેક લોકોને
ટેવ’ હોય દર વર્ષે હજારો લીટર દારૂ પીવાઈ જતો હોય છે. જો કે પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે પોલીસ વધુ આકરાં હાથે કામ લેવા માટે તત્પર હોય મોટી સંખ્યામાં દારૂડિયાઓ પકડાશે જ તેવી શક્યતા નકારી શકાતી નથી. દરમિયાન અધિકારીઓ દ્વારા તમામ પોલીસ મથકને આદેશ આપીને કહેવાયું છે કે વધુમાં વધુ સંખ્યામાં દારૂડિયાઓને પકડી પાડો સાથે સાથે એમ પણ ઉમેરાયું છે કે મંજૂરી વગર ક્યાંય પણ `પાર્ટી’ મતલબ કે ડાન્સ સહિતના આયોજન થવા દેવામાં આવશે નહીં.
ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે શહેરના એન્ટ્રી અને એક્ઝિટ બન્ને પોઈન્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસ તૈનાત રહેશે અને દરેક વાહન ચાલકનું ચેકિંગ કરશે. આ ઉપરાંત ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ મતલબ કે દારૂ પીને વાહન હંકારનારા કોઈ પણ બચે નહીં તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે હથિયાર લઈને નીકળતાં ટપોરીઓને પણ દબોચી લેવા માટે પોલીસ સજ્જ બની છે તો ચરસ-ગાંજો, ડ્રગ્સ, અફિણ સહિતના નશીલા દ્રવ્યોને પકડવા માટે પણ ચેકિંગ ચાલી રહ્યું છે.
રાજકોટમાં દર વર્ષે મોટી સંખ્યામાં ન્યુ યર સેલિબ્રેશન માટે ડાન્સ વિથ ડીનર સહિતના આયોજન થતાં હોય છે પરંતુ આ વર્ષે તા.૨૭ સુધીમાં માત્ર ચાર જ અરજી આવી હોવાનું ડીસીપીએ ઉમેર્યું હતું. આ અરજીમાં જેટલા જેટલા ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે તે તમામની પૂર્તતા કરવા અને તેમાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં કરવા સ્પષ્ટ સુચના અપાઈ છે. જે અરજી આવી છે તેને લાગુ પોલીસ મથકમાં વેરિફિકેશન માટે મોકલી દેવામાં આવી છે.
એકંદરે થર્ટી ફર્સ્ટ મતલબ કે વર્ષના અંતિમ દિવસે છાંટોપાણી કરીને નીકળનારા પ્યાસીઓનું નવું વર્ષ લોકઅપમાં જ શરૂ થાય તે પ્રકારની વ્યવસ્થા અત્યારે પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે.