રાજકોટમાં થોડા થોડા અંતરે અને અર્થ વગરના સ્પીડ બ્રેકર !!
રાજકોટમાં સ્પીડ બ્રેકર નિયમ પ્રમાણે નહી, નેતાલોગની ભલામણથી બને છે
વોર્ડ નંબર-૨માં અલકાપુરી શેરી
નંબર-૧ માં એક- બે નહી સાત-સાત સ્પીડ બ્રેકર છે
હમણાં દહેરાદુનમાં અકસ્માતો રોકવા માટે બનાવવામાં આવેલુ સ્પીડ બ્રેકર જ અકસ્માતનું કારણ બન્યુ હતુ અને માત્ર ૧૫ મિનીટમાં જ સાત અકસ્માત થયા હતા, આવી જ રીતે હરિયાણાના ગુડગાંવમાં સ્પીડ બ્રેકર ઉપરથી એક કાર હવામાં ઉડતી જોવા મળી હતી તો મુંબઈમાં એક જગુઆર કાર સ્પીડ બ્રેકરમાં ફસાઈ ગઈ હતી. આ બધી ઘટનાઓ તો મોટા મોટા શહેરોની છે પણ રાજકોટ જેવુ શહેર પણ તેમાંથી બાકાત નથી. રાજકોટનો સિનારિયો તો એવો છે કે અહી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળે સ્પીડ બ્રેકર બનાવડાવી લ્યે છે. એ વાત સાચી છે કે, જ્યાં રસ્તા લાંબા હોય અને વાહનો પુરપાટ જતા હોય ત્યાં ચોકમાં સ્પીડ બ્રેકર હોય તો વાહનની ગતિ ધીમી પડે અને સંભવિત અકસ્માત અટકાવી શકાય છે. પરંતુ રાજકોટમાં શેરી-ગલીઓમાં પણ સ્પીડ બ્રેકર થવા લાગ્યા છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એક શેરી એવી છે કે જ્યાં એક -બે નહી પણ સાત-સાત સ્પીડ બ્રેકર છે.
રૈયા રોડ ઉપર આવેલી અલકાપુરી સોસાયટી શેરી નંબર -૧ માં આ સાત સ્પીડ બ્રેકર આવેલા છે. આ શેરીમાં રહેતા લોકોએ પોતપોતાના ઘર પાસે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી અને મહાપાલિકાના તંત્રએ સ્પીડ બ્રેકરનાં નિયમો જોયા-જાણ્યા વગર બનાવી પણ દીધા છે. આ શેરીમાંથી પસાર થતા વાહનચાલકોને બોટમાં બેસીને દરિયામાંથી પસાર થતા હોય એવો હાલકડોલક અનુભવ થાય છે.
આ શેરી વોર્ડ નંબર-૨માં આવે છે અને આ વોર્ડનું પ્રતિનિધિત્વ ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિગ ચેરમેન જયમીન ઠાકર અને પક્ષના દંડક મનીષ રાડિયા કરે છે. આ નેતાઓએ પણ સ્પીડ બ્રેકર માટે છૂટથી ભલામણ કરી છે અને આ એક જ નહી પણ આખા વોર્ડમાં જ્યાં ને ત્યાં અને સ્પેસીફીકેશન વગરના સ્પીડ બ્રેકર ખડકી દેવામાં આવ્યા છે.
એક અધિકારીએ કહ્યુ કે, રહેણાંક વિસ્તાર, સ્કુલ અને હોસ્પિટલ વિસ્તારમાં બંને કિનારે સ્પીડ બ્રેકર બનાવવાની જોગવાઈ છે. પણ રાજકોટમાં તો જેને જરૂર લાગે ત્યાં સ્પીડ બ્રેકર બનાવડાવી લ્યે છે અને તેમાં રાજકીય આગેવાની ભલામણ કામ કરી જાય છે. આવા નેતાઓને ક્યારેય ફોર વ્હીલની નીચે ઉતરવુ નથી એટલે તેમને સમસ્યાની ઓછી ખબર હોય છે. આ તો એક એકઝામ્પલ છે પરંતુ રાજકોટના ઘણા વિસ્તારોમાંથી આ પ્રકારની ફરિયાદો આવે છે. અહી લોકોને બેઠા બેઠા એમ થાય કે મારા ઘર પાસેથી વાહન વધુ સ્પીડમાં નીકળે છે, અહી સ્પીડ બ્રેકર હોવુ જોઈએ…આ વાત કોર્પોરેટરને કહે અને કહ્યાગરા કોર્પોરેટરો પોતાની વોટબેંક સાચવવા તરત જ સ્પીડ બ્રેકર બનાવડાવી આપે છે. કોર્પોરેટરોને આવા થોડા થોડા અંતરે આવતા અને અર્થવગરના સ્પીડ બ્રેકરથી બીજા વાહનચાલકોને કેટલી સમસ્યા થાય છે તેનું જ્ઞાન જ નથી.
થોડા થોડા અંતરે આવતા સ્પીડ બ્રેકરનો સૌથો મોટો ભોગ ટુ-વ્હીલર ચાલકો બને છે. રાજકોટમાં મહાપાલિકા એપ્રુવ્ડ સ્પીડ બ્રેકરો ઉપરાંત હાથેથી બનાવેલા બમ્પ પણ મોટી સંખ્યામાં છે. આવા સ્પીડ બ્રેકર તો કોઈ પણ કોન્ટ્રાક્ટર બનાવી આપે છે. આવા સ્પીડ બ્રેકર ઉપર કોઈ પ્રકારના પટ્ટા હોતા નથી એટલે કોઈ સ્કુટર ચાલક અચાનક બ્રેક મારે તો પાછળ બેઠેલી વ્યક્તિ ઉપર જોખમ ઉભુ થાય છે અને ઘણા સંજોગોમાં નીચે પડી પણ જાય છે. રાજકોટમાં સ્પીડ બ્રેકર પાસે અકસ્માત થયાને અને તે જીવલેણ સાબિત થયાના બનાવો પણ બન્યા છે.
સ્પીડ બ્રેકરને લીધે જ રોજ ૯ લોકોના મોત
કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યુ હતુ કે, દેશમાં સ્પીડ બ્રેકરને લીધે થઇ રહેલા અકસ્માતોમાં રોજ સરેરાશ ૯ લોકોના જીવ જાય છે અને ૩૦ લોકો ઘાયલ થાય છે. આ મુજબ જોઈએ તો દર વરસે ૧૧૦૪ લોકો સ્પીડ બ્રેકરને લીધે મોતને ભેટે છે અને અંદાજે ૧૧ હજાર લોકો ઘાયલ થાય છે. આ પૈકી મોટાભાગના અકસ્માતો આડેધડ અને નિયમોને નેવે મુકીને બનાવાયેલા સ્પીડ બ્રેકરોને લીધે જ થયા છે. સરકારે સ્વીકાર્યું હતું કે, આ સમસ્યા આખા દેશમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએકહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યોને સ્પીડ બ્રેકર બનાવવામાં નિયમોનું પાલન કરે તે મુજબ નિર્દેશો આપશે. વધુમાં તેમનું મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે પુરતો વિચાર કર્યા પછી જ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે.
સરકારનાં આદેશોની જ અવહેલના
સ્પીડ બ્રેકર વાહનોની સ્પીડ ઓછી કરવાના હેતુથી બનાવવામાં આવતા હોય છે પરંતુ કેન્દ્ર સરકારે કેટલાક સમય પહેલા નેશનલ હાઈ-વે ઉપર કોઈ સ્પીડ બ્રેકર ન બનાવવા આદેશ આપ્યો હતો. જો કે, સરકારે કહ્યું હતું કે, નેશનલ હાઈ-વે ઉપર જ્યાં અકસ્માતોની સંભાવના હોય છે અથવા મોટી ગોળાઈ હોય ત્યાં રબ્બરની સ્ટ્રીપ બનાવવાની છૂટ છે.
સ્પીડ બ્રેકર કેવા હોવા જોઇએ
- સ્પીડ બ્રેકરની ઊંચાઈ ૧૦ સેન્ટીમીટર, લંબાઈ ૩.૫ મીટર અને કુલ વિસ્તાર ૧૭
- મીટર હોવો જોઈએસ્પીડ બ્રેકર આવે તેના ૪૦ મીટર પહેલા ચેતવણીનું બોર્ડ હોવુ જોઈએ
- આ બોર્ડ ઉપર ૨૦ સે.મી. ઊંચું અને ૬૦ સે.મી. લાંબુ આગળ સ્પીડ બ્રેકર છે તેવું
- લખેલુ હોવુ જોઈએ.
- આ બોર્ડ ઉપર ત્રિકોણાકારમાં બ્લેક કલરથી સ્પીડ બ્રેકરનું પેઈન્ટીગ હોવું જોઈએ