ખીસ્સામાં રૂા.૫૦૦ હોય તો જ નંબર પ્લેટ વગરનું વાહન લઈને નીકળજો !
નંબરપ્લેટનું રજિસ્ટે્રશન જ ન કરાવ્યું હોય તો પાંચ હજાર ભરવા પડશે
નંબરપ્લેટમાં ચેડાં, નંબરપ્લેટ જ ન હોય, લાયસન્સ વગરના વાહનો સીધા ડિટેઈન જ કરાશે
ડિટેઈન થયા બાદ જૂના મેમોની `ઉઘરાણી’ ચૂકતે કરાયા બાદ જ વાહન છૂટશે
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. આજે ઘરમાં જેટલા સભ્યો એટલા વાહનો દોડી રહ્યા છે જે ટ્રાફિક સમસ્યા પાછળનું મુખ્ય કારણ છે. આ બધાની વચ્ચે વાહનમાં નંબર પ્લેટ ન રાખવી, નંબરપ્લેટ સાથે ચેડાં કરવા, લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવું સહિતના નિયમો અમલમાં છે પરંતુ તેનું સજ્જડ પાલન થઈ રહ્યું ન હોવાને કારણે ચાલકોને એક પ્રકારે સગવડ મળી રહી હતી. જો કે હવે પોલીસ આ દિશામાં વધુ આકરી બની છે અને નંબર પ્લેટ વગર વાહન ચાલતું પકડાય એટલે સીધું તેને ડિટેઈન જ કરી નાખવાનો નિર્ણય લેવામાં આવતાં હવેથી ખીસ્સામાં રૂા.૫૦૦ હોય તો જ નંબર પ્લેટ વગરનું વાહન લઈને નીકળજો તેવું કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
આ અંગે ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવે જણાવ્યું હતું કે અત્યાર સુધી લોકોના મનમાં એવી ગાંઠ બંધાઈ ગઈ હતી કે નંબર પ્લેટ વગરનું વાહન લઈને નીકળશું અથવા તો લાયસન્સ વગર વાહન ચલાવતાં પકડાશું એટલે મામૂલી દંડ ભરપાઈ કરીને છૂટી જવાશે. જો કે હવે આવું બિલકુલ રહેવાનું નથી અને આ પ્રકારના દરેક વાહનને સીધા ડિટેઈન જ કરી દેવામાં આવશે.
જ્યારે ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જો નંબર પ્લેટ વગરનું કે ચેડાં કરાયેલું વાહન ડિટેઈન થશે એટલે તેને છોડાવવા માટે ૫૦૦ રૂપિયાનો દંડ ભરપાઈ કરવાનો રહેશે. જો ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓનો મેમો ફાડવામાં આવશે તો ત્યાંથી પણ ૫૦૦ રૂપિયા દંડ ભરીને છોડાવી શકાશે પરંતુ જૂની ઉઘરાણી મતલબ કે અગાઉના ઈ-મેમોની ભરપાઈ કરવાની બાકી હશે તો તે રકમ પણ ભર્યા બાદ જ વાહનનો છૂટકારો થશે.
એક જ દિ’માં ૨૩૩ વાહન ડિટેઈન
પોલીસ દ્વારા કરાયેલી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત એક જ દિવસમાં ૨૩૩ વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક બ્રાન્ચે ૯૧ મોટર સાઈકલ, ૨ ટે્રક્ટર, ૨૨ રિક્ષા મળી ૧૧૫ વાહન ડિટેઈન કર્યા હતા. જ્યારે ઝોન-૧ વિસ્તારના પોલીસ અધિકારીઓ દ્વારા ૫૬ મોટર સાયકલ, ૨ કાર, ૧ રિક્ષા મળી ૫૯, ઝોન-૨ના અધિકારીઓ દ્વારા ૫૯ મોટર સાયકલ ડિટેઈન કરાયા હતા. આમ ૨૦૬ ટુ-વ્હીલર, બે કાર, બે ટે્રક્ટર અને ૨૩ રિક્ષા મળી ૨૩૩ વાહન ડિટેઈન કરી શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશને રાખવામાં આવ્યા હતા.
બે કલાકમાં જ ૨૯૯ લોકોએ ભર્યા ૧.૫૨ લાખ
પોલીસ દ્વારા બે કલાક માટે ડ્રીન્ક એન્ડ ડ્રાઈવની કામગીરી અંતર્ગત ડ્રાઈવ કરાઈ હતી જેમાં નિયમોનો ભંગ કરી રહેલા ૧૮૧ લોકોએ ૭૨૫૦૦નો દંડ ભરપાઈ કર્યો હતો. જ્યારે ૧૧૮ લોકોને ૮૦૧૦૦નો ઈ-મેમો ફટકારાયો હતો. આમ રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધીની બે કલાકમાં ૨૯૯ લોકો પોલીસને ઝપટે ચડી જતા ૧,૫૨,૬૦૦ના દંડની વસૂલાત થવા પામી હતી.
લાયસન્સ વગરનાને વાહન આપનારથી પણ ખેર નથી !
આરટીઓ ઈન્સ્પેક્ટર ખપેડે જણાવ્યું હતું કે લાયસન્સ વગર વાહન ચલાવવું ગુનો જ છે પરંતુ જો લાયસન્સ વગરની વ્યક્તિને વાહન આપનાર પણ એટલો જ દોષિત હોય તેની પાસેથી પણ દંડની વસૂલાત કરાશે. આમ વાહન ચલાવનાર અને વાહન આપનાર બન્ને પાસેથી દંડ લેવાશે. જો કોઈ સગીર વાહન ચલાવતાં પકડાય તો દંડની વસૂલાત વાલી પાસેથી કરવામાં આવશે.