અમેરીકામાં લેઇઝની ક્લાસિક પોટેટો વેફરના પડીકા કેમ પાછા ખેંચવામાં આવ્યા ?? જાણો શું છે કારણ
Frito-Lay કંપની Lay’s વેફરના નિર્માતા છે. તે કંપનીએ Oregon અને Washington માં તેની લોકપ્રિય Lay’s ‘Classic’ બટાકાની વેફરના 6,344 પેકેટ પાછા મંગાવ્યા છે. આ વેફર પીળા રંગના પેકેટમાં આવે છે. કારણ શું?? એલર્જી કરી શકી એવા અમુક તત્વો એમાં છે એવી બીક છે. કંપનીના કહેવા મુજબ સંભવતઃ દૂધ અથવા અન્ય ડેરી-સંબંધિત ઘટક તેમાં છે જે ગંભીર એલર્જીક રીએક્શન જન્માવી શકે.
એક જાગૃત ગ્રાહકે આ સમસ્યાની જાણ કર્યા પછી ફ્રીટો-લેએ સ્વેચ્છાએ વેફરના પડીકા માર્કેટમાંથી હટાવવાનું શરુ કર્યું. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ પુષ્ટિ કરી છે કે આ ચિપ્સમાં દૂધને લગતા તત્વો હોઈ શકે છે પણ પડીકાના લેબલ પર તો કોઈ ડેરી પ્રોડક્ટ વિષે લખ્યું નથી! પાછી ખેંચવાની પ્રોસેસ 3 નવેમ્બરથી સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અવેલેબલ વેફરના પેકેજીઝ ઉપર જ લાગુ પડે છે.
બિનપાશ્ચરાઇઝ્ડ મિલ્કની એલર્જી અથવા દૂધ પ્રત્યે સંવેદનશીલતા ધરાવતા લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. જો આવા એલર્જન ધરાવતી વેફર કોઈ સંવેદનશીલ માણસ આરોગે તો તેને ગંભીર એલર્જીક રીએક્શન આવી શકે. સદનસીબે, અત્યાર સુધી કોઈ એલર્જીના કેસ નોંધવામાં આવ્યા નથી. જો કે ફક્ત ઓરેગોન અને વોશિંગ્ટનમાંથી જ વેફરના પડીકા પાછા ખેંચવામાં આવ્યા છે. લેઈઝની કોઈ બીજી ફ્લેવર કે બીજી પ્રોડક્ટ ઉપર તેની અસર થતી નથી.
ભારત માટે બોધપાઠ
સાવ નાનકડી એલર્જીની શક્યતા માત્રથી અમેરીકામાં આવા એક્શન લેવાયા. ભારતમાં આવું સઘન ફૂડ ચેકિંગ થાય છે? કોઈ પણ કંપની ગમે તેવી પ્રોડક્ટ બનાવીને વેચી શકે છે. ખાદ્ય પદાર્થોમાં હાનીકારક કેમિકલ, કલર, પ્રીઝર્વેટીવથી ભરપુર વસ્તુઓ મળે છે. કેટલાય ભારતીયો ભેળસેળ વાળી વસ્તુઓ ખાઈને હોસ્પિટલના બિછાને પડે છે. પરંતુ કોઈ ખાસ કડક એક્શન લેવામાં આવતા નથી. પ્રજામાં જાગૃતિ નથી. સરકાર પણ ફૂડ ડીપાર્ટમેન્ટમાં પહોંચી વળતી નથી.
દૂધની એલર્જી
મેયો ક્લિનિક અનુસાર, જ્યારે રોગપ્રતિકારક શક્તિ દૂધના પ્રોટીનને કારણે રીએક્ટ કરે છે ત્યારે દૂધની એલર્જી થાય છે. ગાયનું દૂધ ઘણીવાર એલર્જી ઉભી કરી શકે છે. પરંતુ બકરી અથવા ભેંસ જેવા અન્ય પ્રાણીઓના દૂધથી પણ એલર્જી થઈ શકે છે.
દૂધની એલર્જી અને લેક્ટોઝ ઇનટોલરન્સ અલગ છે. જ્યારે લેક્ટોઝ ઇનટોલરન્સમાં દૂધના સુક્રોઝને પચાવવામાં મુશ્કેલી પડે, દૂધની એલર્જી એ રોગપ્રતિકારક તંત્રની પ્રતિક્રિયા છે. દૂધની એલર્જીના લક્ષણોમાં શિળસ અથવા ખંજવાળ, હોઠ અથવા ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી અથવા પેટની સમસ્યાઓ થઇ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, તે એનાફિલેક્સિસનું કારણ બની શકે છે, જે એક જીવલેણ રીએક્શન છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે. મગફળી અને ઝાડની બદામ સાથે દૂધ એ ટોચના ત્રણ ફૂડ એલર્જનમાંથી એક ગણાય.
પહેલી વાત તો એ કે બહારના પડીકા ખાવા ન જોઈએ. જો બહારના પેકેટ હાવા હોય તો પહેલા એનું લેબલ તપાસો. જે તે પ્રોડક્ટની કંપનીની વેબસાઇટની મુલાકાત લો. ઘટક તત્વો સિવાય પણ દરેક પેકેટમાં કેટલું તેલ છે, કેટલું મીઠું છે અને કેટલી ખાંડ છે એ ખાસ તપાસવું. ઓઈલ, સોલ્ટ કે સુગર – આ ત્રણેય બહુ હાનીકારક પદાર્થો છે. બહારનું ખાવાનું બંધ કરવું અને ઘરનું વહાલું કરો – આ સ્વાસ્થ્ય મંત્ર છે.