ભારતમાં ટૂંક સમયમાં ટેસ્લા કારનું વેચાણ શરૂ થઈ શકે છે !! આ શહેરમાં ખૂલી શકે છે પહેલો શો રૂમ, જાણો શું કહે છે રિપોર્ટ
ભારતમાં ટેસ્લા કારની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. ત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે મામલો કંપનીના પ્લાન્ટથી આગળ વધીને સીધો ડીલરશીપ સુધી પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્લા આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેની પ્રથમ ડીલરશિપ શરૂ કરી શકે છે.
વિવિધ સ્ત્રોતોને ટાંકીને રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે કે એલન મસ્કની ટેસ્લાએ ફરીથી દેશની રાજધાની દિલ્હીમાં શોરૂમની જગ્યા શોધવાનું શરૂ કર્યું છે. કંપનીના આ પગલાને પહેલો સંકેત માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ વર્ષની શરૂઆતમાં તેની રોકાણ યોજનાઓ પર રોક લગાવ્યા બાદ ભારતીય બજારમાં પ્રવેશ કરવા પર પુનર્વિચાર કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, મસ્કે એપ્રિલમાં કહ્યું હતું કે તેઓ તેમની એક મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. જ્યાં તેઓ ભારતમાં 2-3 બિલિયન યુએસડીના રોકાણની સંભવિત જાહેરાત કરી શકે છે. જો કે, વૈશ્વિક બજારમાં ટેસ્લાના વેચાણમાં ઘટાડો અને 10% કર્મચારીઓની બરતરફી બાદ છેલ્લી ક્ષણે મસ્કની સફર રદ કરવામાં આવી હતી.
આ કંપની સાથે વાતચીત ચાલી રહી છે
રોઇટર્સના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ટેસ્લા હવે ભારતીય રાજધાનીમાં તેની ડીલરશીપ શરૂ કરવા માટે જગ્યા શોધી રહી છે. ટેસ્લા તેના પ્રોજેક્ટ માટે ભારતના DLF (DLF.NS) સાથે પણ વાતચીત કરી રહી છે, જે પ્રારંભિક તબક્કામાં છે. રિપોર્ટમાં ત્રીજા સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તે નિશ્ચિત નથી કે ભારતના સૌથી મોટા પ્રોપર્ટી ડેવલપર સાથે ટેસ્લાની વાતચીત કયા પરિણામ પર પહોંચી છે. શક્ય છે કે ટેસ્લા બીજી કેટલીક મોટી કંપનીઓ સાથે પણ વાત કરી શકે. જો કે, આ મામલે ન તો ટેસ્લાએ કોઈ જવાબ આપ્યો છે અને ન તો DLF તરફથી કોઈ જવાબ મળ્યો છે.
5,000 ચોરસ ફૂટ એક્સપિરિયન્સ સેન્ટર:
સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટેસ્લા કન્ઝ્યુમર એક્સપિરિયન્સ સેન્ટર બનાવવા પર પણ વિચાર કરી રહી છે. આ માટે કંપની 3,000 થી 5,000 ચોરસ ફૂટ (280-465 ચોરસ મીટર) જમીન શોધી રહી છે. આ સિવાય ડિલિવરી અને સર્વિસ સેન્ટર માટે આના કરતા લગભગ 3 ગણી મોટી જગ્યાની શોધ પણ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા ઘણી અલગ-અલગ જગ્યાઓનું મૂલ્યાંકન કરી રહી છે. જેમાં દક્ષિણ દિલ્હીમાં DLFનો એવન્યુ મોલ અને ગુરુગ્રામમાં સાયબર હબનો સમાવેશ થાય છે.
જોકે, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે ટેસ્લા ભારતમાં કેવી રીતે આવે છે. કાં તો કંપની તેની કાર આયાત કરી શકે છે અને તેને ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. આ સ્થિતિમાં 100 ટકાથી વધુ ઈમ્પોર્ટ ડ્યૂટીને કારણે કારની કિંમત ઘણી વધી જશે. બીજી શરત એ છે કે કંપનીએ ભારત સરકારની નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ હેઠળ મોટી રકમનું રોકાણ કરવું જોઈએ, જે કંપનીને 15%ના દરે કાર આયાત કરવાની સુવિધા આપશે.