સૂચિત જંગી જંત્રીદર વધારો મોકૂફ રાખો : ચેમ્બર
એક સાથે જંત્રી વધારવાને બદલે દર વર્ષે 5થી 8 ટકા વધારો કરવા સરકારને સૂચન
રાજકોટ : રાજ્ય સરકારે જાહેર કરેલ સૂચિત જંત્રી દર વધારા સામે બિલ્ડરો, વકીલો બાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી પણ વિરોધમાં આવી છે, ચેમ્બર દ્વારા જંત્રીના સુચિત જંગી ભાવ વધારાનું અમલીકરણ હાલ મુલત્વી રાખી, વિસંગતતાઓંને દુર કરી વાઘાં સુચનો સાંભળ્યા બાદ જ અમલી કરવા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે સરકારને રજુઆત કરતા જણાવ્યું હતું કે, હાલ જે જંત્રીના સુચિત જંગી ભાવ વધારાનું અમલીકરણ કરવામાં આવનાર છે તે મુલત્વી રાખવું અને સ્ટેપ બાય સ્ટેપ દરવર્ષ મુબજ ૫% થી ૮% જેટલો વધારો કરવામાં આવે અને તે મુજબની સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો રાજયની પ્રજા ઉપર આવા કમરતોડ ભાવ વધારાનો બોજ સહન કરવો નહિ પડે. સાથે જ સ૨કા૨ની રેવન્યુની આવકમાં કોઈપણ જાતની નુકશાની થશે નહી. સાથો સાથ સુચિત જંત્રીદર સામે વાંધા સુચનો રજુ કરવામાં પણ ઘણી વિસંગતતાની સાથે મુશ્કેલીઓ, ટેકનીકલ સમસ્યાઓ ઉદભવી રહી હોય યોગ્ય ચકાસણી કરીને તેને દુર કરવા અને વાંધા સુચનો સાંભળ્યા બાદ જ અમલીકરણ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.
સાથે જ ચેમ્બર દ્વારા રજુઆતમાં જણાવાયું હતું કે, ગુજરાત રાજયનો વિકાસ દિન-પ્રતિદિન ખુબ જ ઝડપથી વધી રહયો છે અને દેશના અર્થતને વેગવંતુ બનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે સુચિત જંત્રી દરમાં જંગી વધારો કરવામાં આવતા આ જંગી જંત્રી દર વધારાના કારણે રાજયનો વિકાસ રૂંધાય જશે તેવી ચિંતા પણ રજૂઆતના અંતે વ્યક્ત કરવામાં આવી હતી.