મોરબી અને પોરબંદર સહિત ૯ શહેરોને ટૂંક સમયમાં મહાપાલિકાનો દરજ્જો : મુખ્યમંત્રીએ આપી સુચના
- તમામ ન.પા.નું થશે વિસર્જન : જે તે જિલ્લા કલેકટર નવી ચૂંટણી સુધી વહીવટદાર તરીકે ફરજ બજાવશે : નવા વિસ્તારોને સમાવાશે
સૌરાષ્ટ્રનાં મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ગાંધીધામ ઉપરાંત વાપી, નવસારી, મહેસાણા, નડીયાદ અને આણંદને ટૂંક સમયમાં મહાપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થશે. રાજ્ય સરકારે ૨૦૨૪-૨૫ના બજેટમાં આ નવેય શહેરોને મહાનગરપાલિકા આપવાની જાહેરાત કરી હતી અને હવે આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રો અનુસાર, શહેરી વિકાસ વિભાગ એકાદ અઠવાડિયામાં નોટીફીકેશન બહાર પાડશે.
આ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે પછી રાજ્યમાં મહાપાલિકાની સંખ્યા 17 થઈ જશે. શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવ નગરપાલિકાઓ ઉપરાંત, આગામી મહિનાઓમાં વધુ ત્રણ નગરોને મહાપાલિકા તરીકે સૂચિત કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે.
આ સુત્રોએ એમ પણ કહ્યું હતુ કે, સરકારે સંબંધિત જિલ્લા કલેક્ટરને આ તમામ નગરપાલિકાઓના વચગાળાના વહીવટકર્તા તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા નિયુક્ત આ વહીવટકર્તાઓ નવી ચૂંટણીઓ સુધી ફરજ બજાવશે. સરકાર ૨૦૨૫ના અંતમાં મહાપાલિકાઓની ચૂંટણી કરાવવાની ગણતરી રાખી રહી છે.
એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે.