તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવમાં ભડકો
ડબ્બે 20 રૂપિયા વધી જતા ભાવ ૩૧૦૦ રૂપિયાને પાર
રાજકોટ
આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે. એ પહેલાં જ તેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહિણી અને સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. તેલના ભાવ વધવાના કારણે ફરસાણ પણ મોંઘું બનશે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે અને અત્યારે ડબ્બે ૨૦ રૂપિયાનો વધારો થતા સિંગતેલના ડબાનો ભાવ રૂ.3100ને પાર પહોંચ્યો છે.
સિંગતેલના ભાવમાં વધારો
જુલાઈ બાદ હવે ઓગસ્ટમાં પણ ખાદ્યતેલમાં તેજી અટકવાનું નામ નથી લેતી. સિંગતેલના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે, જ્યારે મગફળીમાં ભાવમાં સામાન્ય વધઘટ રહી છે. યાર્ડમાં જાડી મગફળીમાં દૈનિક 280 ક્વિન્ટલ અને ઝીણી મગફળીમાં 140 ક્વિન્ટલની આવક થઈ છે. હાલ અત્યારે ખેડૂતો પાસે માત્ર 10 ટકા જેટલી જ મગફળી રહી છે. તહેવારને કારણે સિંગતેલમાં ડિમાન્ડ વધારે છે, પરંતુ જેની પાસે મગફળી છે એ જરૂર પૂરતી જ મગફળીનો જથ્થો રિલીઝ કરી રહ્યા છે. જેને કારણે મિલમાં પિલાણ માટે મગફળી ઓછી આવી રહી છે. તહેવારોમાં સિંગદાણામાં પણ ડિમાન્ડ રહેતાં ભાવ રૂ.2225 થયા છે.
સિંગતેલનો ડબ્બો રૂપિયા 3100ને પાર
આજે સિંગતેલમાં વધુ 20 રૂપિયાનો ભાવવધારો આવ્યો છે. તહેવારોની સિઝનમાં તેલિયારાજા ઊંચા ભાવ જાળવી રાખવામાં સક્રિય બન્યા છે. ભાવવધારો આવતાં લોકોને મોંઘા ભાવનું ફરસાણ અને ખાદ્યતેલ બંને ખરીદ કરવાં પડે છે. સિંગતેલનો ડબ્બો રૂપિયા 3100ને પાર થયો છે. જ્યારે કપાસિયા તેલ કરતાં સરસવ અને વનસ્પતિ ઘી સસ્તાં રહ્યાં છે. કપાસિયા તેલનો ભાવ 1735, સરસવ તેલનો ડબ્બો 1710, વનસ્પતિ ઘીનો ભાવ રૂપિયા 1700 બોલાયો હતો.
હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે. ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા. તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી. જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી. એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી. વેપારીઓના મતે મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઊંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.