કેન્દ્ર સરકાર હવે કઈ દિશામાં આગળ વધવા માંગે છે ? શું છે યોજના ? જુઓ
દેશની પ્રગતિ હવે હવે દરેક ક્ષેત્રમાં થઈ રહી છે અને હવે કેન્દ્રના ઉડ્ડયન મંત્રાલયે ભારતમાં નાગરિક પેસેન્જર વિમાન બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ મંત્રાલય હેઠળ એક કંપનીની રચના કરવામાં આવશે. આ કંપનીનો ઉપયોગ ફક્ત 5 વર્ષ માટે જ થશે. આ કંપનીનું કામ દુનિયાભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને લાવવાનું હશે. તેમજ ભારતમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સંબંધિત તમામ કામ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવવામાં આવશે.
સૂત્રોનું માનીએ તો, નાગરિક વિમાનના ઉત્પાદન પર સરકારનું ફોકસ છે. સિંગલ વિન્ડો સિસ્ટમમાં એચએએલ અને એનએએલ જેવી કંપનીઓની ભાગીદારી હશે. નિષ્ણાતો સાથે મસલતો કરવામાં આવશે.
સરકાર દ્વારા જે કંપની બનાવાશે તે પોતે એરક્રાફ્ટનું ઉત્પાદન નહીં કરે. તેનો ઉદ્દેશ્ય ભારતમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની ઇકોસિસ્ટમ બનાવવાનો છે. તેના માટે અલગથી ફંડ ફાળવવામાં આવશે.
બોઇંગ, એરબસ જેવી કંપનીઓના નિષ્ણાતોની ભરતી કરવાની પણ સરકારની યોજના છે. એચએએલ અને એનએએલ જેવી ભારતીય કંપનીઓમાંથી પણ ભરતી કરવામાં આવશે.
આમ તો દેશમાં 1968માં પ્રથમ સ્વદેશી એગ્રીકલ્ચર વિમાન ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મહત્વની ભૂમિકા રહી હતી. હવે સરકાર પેસેન્જર વિમાનો બનાવવા માટે આગળ વધવા માંગે છે.