વાવ વિધાનસભાની બેઠક ઉપર કોનો વાવટો ફરકશે ? : આજે પરિણામ
23 રાઉન્ડના અંતે ખબર પડશે મતદારોનો મિજાજ
ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ તો માવજી પટેલ માટે રાજકીય જીવન મરણનો સવાલ
બનાસકાંઠાની વાવ વિધાનસભાની હાઇવોલ્ટેજ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ શનિવારે જાહેર થશે. શહેરના જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં શનિવારે કૂલ 23 રાઉન્ડની મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.કોંગ્રેસ અને ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલ માટે પ્રતિષ્ઠા ઉપરાંત રાજકીય જીવન અને મરણનો સવાલ છે. એક રીતે જોવા જઈએ તો વાવની ધારાસભા બેઠક પર અનેક દિગ્ગજ નેતાઓનાં ભવિષ્ય ટકેલા છે.
બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન થયું હતું. જેમાં ભાજપ દ્વારા પોતાનું તમામ જોર લગાવી દેવાયું હતું. મુખ્યમંત્રીથી માંડીને તમામ સમાજના આગેવાનો સહિતના નેતા અને મંત્રીઓને પ્રચારમાં લગાવી દેવાયા હતા. જેના પગલે બમ્પર 70.54 ટકા મતદાન થયું હતું.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ત્રિપાંખીયા જંગના પગલે રાજકીય રંગ ખુબ જ જામ્યો હતો. આ ત્રિપાંખીયા જંગમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર તો કોંગ્રેસ તરફે ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ તરીકે ભાજપના જ દિગ્ગજ નેતા માવજી પટેલ ચૂંટણી મેદાને હતા.