લોન અપાવાના નામે ગઠિયાએ 6 લોકોને ઠગ્યા : રૂ.5.47 લાખ પડાવ્યા
ચાર દિવસ પૂર્વે થોરાળા પોલીસ મથકે ગઠિયાને પકડતા વધુ ભોગ બનનાર સામે આવ્યા : મોબાઈલમાં ઓનલાઇન એપથી લોન કરાવી આપી પ્રોસેસિંગ ફીથી બચવાનું બહાનું આપી પૈસા પોતાના ટ્રાન્સફર કરાવી લેતો
રાજકોટમાં મોબાઈલ એપ્લિકેશ પરથી લોન અપાવી દેવાના બહાને છેતરપિંડી કરનાર ચીટર મહાવિરસિંહ સોલંકીને થોરાળા પોલીસે ઝડપી લીધો હતો.અને તેની પુછતાછમાં તેણે છ વ્યકિત સાથે કુલ રૂ.5.47 લાખની લોન લેવડાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.જે મામલે ભકિતનગર, સાયબર ક્રાઇમ,તાલુકા અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માહિતી મુજબ મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી નામના શખસે જય ભોલેનાથ સોસાયટી, ઈશ્વરીયા મેઇન રોડ માધાપર ગામમાં રહેતા રોહિત રાઘવભાઈ ચૌહાણને ગત તારીખ 14-8ના તેઓની દુકાને જઈ લોન બાબતે વાત કરી હતી. રિંગ પે નામની એપ્લિકેશન પરથી લોન કરાવી 2.59 લાખની છેતપિંડી કરી હતી.જયારે મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના કવાર્ટરમાં રહેતા વિમલ હસમુખભાઈ સિદ્ધપુરાને ફોનમાં ઓનલાઇન લોન આપતી અલગ અલગ એપ.ડાઉનલોડ કરાવી તેની પાસેથી રૂ.33,100, આનંદ મુકેશભાઈ કાયા સાથે 22,540 અને નરશી પાનખાણિયા સાથે 11,370 ની છેતરપિંડી કરી હતી. આમ કુલ 67,105ની છેતરપિંડી કરી હતી. મવડી પ્લોટમાં રહેતા હિતેશ બાબુભાઈ ઠુંમર (ઉ.વ ૩૯)ને ફોનમાં અલગ-અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કુલ રૂ. 1,51,681ની લોન મંજૂર કરાવી જે રકમ ફરિયાદીના એકાઉન્ટમાં જમા થયા બાદ લોનના રૂપિયામાંથી ફરિયાદીની જાણ બહાર ગુગલ પે મારફત પોતાના ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.
જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘંટેશ્વર નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર એસ.આરપી કેમ્પ સામે અતુલ્ય બંગ્લોઝમાં રહેતા લક્ષ્મીનારાયણ વિજયભાઈ ઠાકોરને લોન અપાવવાના બહાને મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ.15,000 અને ક્રેડિટ કાર્ડ ચાલુ કરી દેવાનું કહી રૂ.72,980ની છેતરપિંડી કરી હતી.આમ તેને 6 લોકોને શિકાર બનાવી 5.47 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીને મહાવિરસિંહ સોલંકીને થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એન.વાઘેલાની રાહબરીમાં ટીમે ઝડપી લઇ પુછતાછ કરતા આ છ લોકો ફરિયાદ કરવા સામે આવ્યા હતા.