શું તમે માર્ક કર્યું રસ્તા ઉપર ATM ઓછા દેખાઈ રહ્યા છે ?? શું ભારતીય બેંકોને હવે ATM માં રસ નથી ?? જાણો કારણ
આપણને રસ્તા ઉપર ATM શોધવાની તકલીફ પડી રહી છે કારણ કે ભારતીય બેંકોને હવે ATM માં રસ નથી રહ્યો કારણ કે….
શું તમે માર્ક કર્યું છે કે રસ્તા ઉપર ATM ઓછા દેખાઈ રહ્યા છે. ઘર પાસેનું જાણીતું ATM હોય તો ઠીક છે પણ અજાણ્યા શહેર કે અલગ પ્રદેશમાં ATM શોધવામાં તકલીફ કેમ પડે છે? ભારતમાં રોકડનો વ્યવહાર-વપરાશ સર્વકાલીન ઉચ્ચ સ્તરે હોવા છતાં, બેંકો વાસ્તવમાં એટીએમ અને કેશ-રિસાયકલ મશીનની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. આવું શા માટે થઈ રહ્યું છે? ભારતના કેશ-ટ્રાન્ઝેક્શનનું ભાવિ કેવું હશે ?
એટીએમ ઘટી રહ્યા છે!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, ગયા વર્ષે દેશમાં લગભગ 2,19,000 ATM હતા. સપ્ટેમ્બર 2024 સુધીમાં, આ સંખ્યા ઘટીને 2,15,000 થઈ ગઈ છે, એટલે કે માત્ર એક વર્ષમાં લગભગ 4,000 એટીએમ બંધ થઈ ગયા છે. આમાંના મોટાભાગના એવા એટીએમ બંધ થયા જે બેંકની શાખાઓમાં નહોતા પરંતુ સ્વતંત્ર રીતે સ્થિત હતા. આવા એટીએમને “ઓફ-સાઇટ” એટીએમ કહેવાય છે.
આ ઘટાડો આશ્ચર્યજનક છે, કારણ કે કેશ સરક્યુલેશન ₹34.70 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ છે, જે 2016ના નોટબંધી પછી બમણું થયું છે. વધુમાં, તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 89% વ્યવહારોમાં હજુ પણ રોકડનો સમાવેશ થાય છે. રોકડ દેશની સમગ્ર અર્થવ્યવસ્થાના લગભગ 12%નું પ્રતિનિધિત્વ કરે છે. તો એટીએમ કેમ ગાયબ થઈ રહ્યા છે?
એટીએમના ઘટાડા પાછળના પરિબળો :
ડિજિટલ પેમેન્ટનો ઉદય: UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) જેવી મોબાઈલ પેમેન્ટ સિસ્ટમ્સની લોકપ્રિયતા વધી છે. તેને કારણે ભૌતિક રોકડની જરૂરિયાત વિના તરત અને સરળતાથી ચુકવણી થાય છે. આ ફેરફારનો અર્થ એ છે કે લોકો એટીએમનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે તેમની પાસે ડિજિટલ મની ઝડપી અને સરળ ઍક્સેસ છે.
નિયમનકારી ખર્ચ: ગ્રાહક કેટલા મફત ATM વ્યવહારો કરી શકે તેના પર આરબીઆઈ નિયમો નક્કી કરે છે. વધુમાં, એટીએમ માટે જાળવણી ખર્ચ વધુ છે, અને બેંકો અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરતા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે છે. આ ખર્ચો બેંકોને વધુ એટીએમ ખુલ્લા રાખી મુકવા માટે નિરુત્સાહ કરે છે.
ડિજિટલ ટ્રાન્સફોર્મેશન : ડિજિટલ બેંકિંગના વધતા વપરાશ સાથે, બેંકો મોટા મશીનોને બદલે ઑનલાઇન સેવાઓમાં વધુ રોકાણ કરી રહી છે. તેઓ ગ્રાહકોની બદલાતી આદતોને પહોંચી વળવા વધતા ડિજિટલ વિકલ્પો સાથે એટીએમ જેવા ભૌતિક માળખાને સંતુલિત કરી રહ્યાં છે.
ભારતમાં એટીએમનો ઓછો વપરાશ
આવડું મોટું કેશ ટ્રાન્ઝેક્શન હોવા છતાં, ભારતમાં ATM ઍક્સેસ મર્યાદિત છે. આરબીઆઈના એક રિપોર્ટ અનુસાર, દર 1,00,000 લોકો લેખે માત્ર 15 એટીએમ છે, જે અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછા કહેવાય. નિષ્ણાતો માને છે કે ભારતીય બેંકો એવા મોડેલ તરફ આગળ વધી શકે છે જ્યાં દરેક શાખામાં બે એટીએમ હોય: એક શાખાની અંદર અને એક બહાર. અલગ-અલગ સ્થળોએ બહુવિધ મશીનો રાખવાને બદલે આ વ્યવસ્થા વ્યવહારુ નીવડી શકે.
ATMમાં ધીમે ધીમે ઘટાડો થવાથી, રોકડ વપરાશકારોએ શાખાની મુલાકાતો પર વધુ આધાર રાખવો પડશે અથવા ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ પર સ્વિચ કરવું પડશે. ઘણી બેંકો ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહિત કરી રહી છે અને ગ્રાહકો માટે આ પ્રોસેસ સરળ બનાવવા માટે ઉપયોગમાં સરળ મોબાઇલ બેંકિંગ એપ્સ પ્રદાન કરી રહી છે. રોકડ ક્યારેય અદૃશ્ય થવાની નથી પણ ATM ધીમે ધીમે ભારતમાં વધુ ડિજિટલ અભિગમ માટે માર્ગ બનાવી રહ્યા છે. જેઓ રોકડને પ્રાધાન્ય આપે છે, તેઓએ બેન્કના હવે વધુ ધક્કા ખાવા પડશે.