દસ વર્ષના દાંપત્યજીવનમાં દિવાળીએ ‘હોળી’ થતાં સ્હેજમાં રહી ગઈ:પીડિતાએ 181ની મદદ લેતાં દંપતીનું કાઉન્સિલિંગ કર્યુ, હવે આખો પરિવાર એક સાથે તહેવાર મનાવસે
રાજકોટના એક સુખી પરિવારમાં નાનકડી એવી જીદના લીધે ઉલટી ગંગા વહી હતી. દસ વર્ષથી સુખી દાંપત્યજીવનમાં દિવાળીની ખરીદીના લીધે હોળી સર્જાઈ હતી અને પત્ની થી રિસાઈને પતિ તેના ત્રણ બાળકોને લઈને માતા-પિતા પાસે રવાના થઈ જતા પર્વની ઉજવણી પરેશાનીમાં પલટી ગઈ હતી.
આ અંગેની વિગત મુજબ મીનાબેન(નામ બદલાવેલ છે)ના લગ્ન નરેનભાઈ (નામ બદલાવેલ છે) સાથે 10 વર્ષ પહેલા થયા હતા ચાર દિવસ પહેલા દિવાળીની ખરીદી કરવા માટે મહિલાએ પૈસા માગતા તે બાબતે ઝઘડો થયો હતો. આ કંકાસ બાદ પત્નીને એકલા મૂકી તેમના પતિ ત્રણેય બાળકોને લઈ તેમના માતા-પિતાના ઘર રાજકોટ આવી ગયા હતા.
આ સુખી પરિવારનો માળો વિખાઈ નહીં તે માટે 181 ની ટીમના કાઉન્સેલર વૈશાલીબેન ચૌહાણ, કોન્સ્ટેબલ સેજલબેન અને પાયલોટ મયુરભાઈ પરિવાર ના ઘરે જઈ મહિલાની મદદ કરી હતી જેમાં સૌથી પહેલા તો પીડિત મહિલાની વાત સાંભળીને તેમના પતિ નો સંપર્ક કરી રૂબરૂ મળી તેમનું કાઉન્સિલિંગ કર્યું હતું.
આ સમજાવટ દરમિયાન મહિલાના પતિએ જણાવ્યું કે મોંઘવારીના સમયમાં ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે ત્યારે તેમના પત્ની નાની નાની વાતમાં ઝઘડા કરે છે. 181 ની ટીમે પતિ પત્ની બંનેને સમજાવ્યું હતું કે નાની બાબતમાં બોલવાનું થાય ત્યારે ઘર છોડીને નીકળી જવું તે યોગ્ય નથી જેની અસર બાળકો પર પડે છે. આર્થિક તંગીને દૂર કરવા માટે બંને પતિ પત્નીએ સમજી વિચારીને ખર્ચા કરવા અને આ મુશ્કેલી દૂર કરવા માટે બંનેએ પ્રયાસો કરવા પડશે. કંપનીમાં પતિ અને પત્ની બંને સહમત થઈ જતા અને મહિલા પણ તેના સાસરીમાં રહેવા માટે તૈયાર થઈ જતા હવે આખો પરિવાર એક સાથે દિવાળી પર્વ ઉજવશે.