દુબઈમાં પગપાળા જઈ રહેલા લોકો ઉપર ટ્રાફિક પોલીસે લગાવ્યો દંડ
જોખમી રીતે રોડ ક્રોસ કરવાનો અને ટ્રાફિક સિગ્નલની અવગણના કરવાનો આરોપ
૩૭ લોકોને ૪૦૦ દિરહામનો દંડ ફટકારાયો
જેમ દુબઈ ગ્લેમર, વૈભવી જીવનશૈલી, ઊંચી ઇમારતો અને અપાર સંપત્તિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે તેવી જ રીતે ત્યાના વાહન ચાલકો માટેના કડક કાયદાઓથી પણ બધા પરિચિત છે.લોકોને જાણીને આશ્ચર્ય થશે કે દુબઈમાં પગપાળા જઈ રહેલા લોકો માટે પણ કાયદા કડક છે અને તાજેતરમાં જ ટ્રાફિક અંગેના નિયમોનું ઉલ્લંઘન કરનારા રાહદારીઓઓને દંડ ફટકારવામાં આવ્યો છે. \
ગલ્ફ ન્યૂઝ અનુસાર, દુબઈ પોલીસ સ્ટેશને જોખમી રીતે રોડ ક્રોસ કરવા બદલ અને ટ્રાફિક સિગ્નલની અવગણના કરવા બદલ 37 લોકોને 400 UAE દિરહામનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં , દુબઈના ટ્રાફિક કાયદા હેઠળ, પરવાનગી વિના રોડ ક્રોસ કરવા અથવા ટ્રાફિક સિગ્નલ તોડવા પર 400 UAE દિરહામનો દંડ વસૂલવામાં આવ્યો છે. દુબઈનો કાયદો જે-વોકિંગ માટે કડક છે. જે-વૉકિંગનો અર્થ છે પરવાનગી વિના અથવા નિર્ધારિત સ્થળ વિના રસ્તો ક્રોસ કરવો. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ અથવા ઝેબ્રા ક્રોસિંગની અવગણના કરે છે અને રસ્તાની વચ્ચેથી અથવા એવી જગ્યાએથી રસ્તો ક્રોસ કરે છે જ્યાં ક્રોસિંગની મંજૂરી નથી, તેને જે-વૉકિંગ કહેવામાં આવે છે.
દુબઈ પોલીસે વારંવાર ચેતવણી આપી છે કે જે-વોક કરવાથી ઘાતક પરિણામ આવી શકે છે. ગયા વર્ષે જે-વૉકિંગને કારણે આઠ લોકોના મોત થયા હતા અને 339 લોકો ઘાયલ થયા હતા. ગલ્ફ ન્યૂઝ અનુસાર, 2023માં 44,000થી વધુ લોકોને જે -વૉકિંગ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
દુબઈ પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રોડ ક્રોસ કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે, તેઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર કોઈ વાહનો ન હોય ત્યારે જ ક્રોસિંગની સાચી પદ્ધતિ અપનાવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુબઈ ટ્રાફિક કોર્ટે અરબ ડ્રાઈવર પર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ 2000 UAE દિરહામ અને એશિયન રાહદારીઓને પરવાનગી વિના રસ્તો ક્રોસ કરવા બદલ 400 UAE દિરહામનો દંડ ફટકાર્યો છે.