બેંગલુરૂ ટેસ્ટ : પહેલી ઇનિંગમાં ન્યુઝીલેન્ડે બનાવ્યા 402 રન, કુલદીપ યાદવ અને જાડેજાએ લીધી 3-3 વિકેટ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. હવે ભારતીય ટીમ બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરી રહ્યા છે. ભારતની પહેલી ઇનિંગના 46 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમને 356 રનની જંગી લીડ મળી છે. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ સૌથી વધુ 134 રનની ઇનિંગ રમી. બીજી તરફ ભારત તરફથી કુલદીપ યાદવ અને રવીન્દ્ર સૌથી સફળ બોલર હતા, જેમણે 3-3 વિકેટ લીધી.
આ મેચમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ ભારતનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ સિરીઝ રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. જ્યારે ટોમ લાથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યા છે.
ન્યુઝીલેન્ડની પહેલી ઇનિંગ, 402 રન પર ઓલઆઉટ
પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર (134), ડેવોન કોનવે (91) અને ટિમ સાઉથી (65) એ જબરદસ્ત બેટિંગ કરી. જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમે 91.3 ઓવરમાં 402 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યા, જેમને 3-3 વિકેટ લીધી, જયારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી.
ન્યુઝીલેન્ડે પહેલી ઇનિંગમાં શાનદાર શરૂઆત કરી. કેપ્ટન ટોમ લાથમ અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 67 રન કર્યા. કુલદીપ યાદવે લાથમને LBW આઉટ કરીને આ ભાગીદારી તોડી દીધી. લાથમે 13 રનનું યોગદાન આપ્યું. આ પછી કોનવે અને વિલ યંગ (33 રન)એ મળીને બીજી વિકેટ માટે 75 રન કર્યા. આ અડધી સદીની ભાગીદારીનો અંત રવિન્દ્ર જાડેજાએ કર્યો, જેણે યંગને કુલદીપ યાદવના હાથે આઉટ કરાવ્યો.
થોડા સમય બાદ ભારતીય ટીમને ડેવોન કોનવેના રૂપમાં ત્રીજી સફળતા મળી. કોનવેને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલ પર બોલ્ડ કરી દીધો. કોનવેએ 105 બોલમાં 91 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા માર્યા હતા. કોનવેના આઉટ થવાના સમયે ન્યુઝીલેન્ડનો સ્કોર 154/3 રન હતો. આ પછી ડેરિલ મિશેલ અને રચિન રવિન્દ્રએ રમતના બીજા દિવસે કિવી ટીમને વધુ નુકસાન ન થવા દીધું.
ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડને ચોથો ઝટકો આપ્યો. તેણે ડેરીલ મિશેલ (18)ને યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો. આના થોડા સમય બાદ વિકેટકીપર ટોમ બ્લંડેલ (5) પાંચમી વિકેટ માટે 5 રન બનાવીને 204ના સ્કોર પર આઉટ થઈ ગયો. પછી જાડેજાની સ્પિન એક વાર ચાલી અને તેણે ગ્લેન ફિલિપ્સ (14)ને પોતાની સ્પિનમાં ફસાવીને ક્લીન બોલ્ડ કર્યો. ત્યારબાદ જાડેજાએ મેટ હેનરી (8)ને તેના ‘આર્મ બોલ’માં ફસાવીને ક્લીન બોલ્ડ કરી દીધો. આ પછી ટિમ સાઉથી (65) અને રચિન રવિન્દ્રએ આઠમી વિકેટ માટે 137 રન બનાવીને ભારતીય ટીમની મુશ્કેલી વધારી દીધી. રવિન્દ્રએ 124 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી, જેમાં 11 ચોગ્ગા અને બે છગ્ગા પણ માર્યા. રવિન્દ્રની ટેસ્ટ કારકિર્દીની આ બીજી સદી હતી.
ભારત 46 પર ઓલઆઉટ
બેંગલુરુ ટેસ્ટમાં ભારતીય ટીમે ખૂબ જ શરમજનક પ્રદર્શન કર્યું અને આખી ટીમ 31.2 ઓવરમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ ભારતનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારતની ધરતી પર કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચના બીજા દિવસે (17 ઓક્ટોબર) ટોસ જીતીને બેટિંગ લીધી. ન્યૂઝીલેન્ડે પ્રથમ 6 ઓવરમાં ખૂબ જ સખત બોલિંગ કરી અને ભારતીય ટીમ માત્ર 9 રન બનાવી શકી.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેંગલુરુ ટેસ્ટમાં ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા. ન્યૂઝીલેન્ડે પહેલી 6 ઓવરમાં ખૂબ જ સખત બોલિંગ કરી અને ભારતીય ટીમ માત્ર 9 રન બનાવી શકી. શરૂઆતના દબાણની અસર રોહિત પર જોવા મળી અને તે ટિમ સાઉથીના ઇનકમિંગ બોલ પર માત્ર 2 રન બનાવીને ક્લીન બોલ્ડ થઈ ગયો. આ પછી વિરાટ કોહલી અને સરફરાઝ ખાન પણ એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા. એક સમયે ભારતનો સ્કોર 9-0 હતો, પરંતુ 10 રન થયા ત્યાં સુધીમાં તો ત્રણ વિકેટ પડી ગઈ.
આ પછી ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે (13) થોડા સમય માટે ઇનિંગ્સને સંભાળી. પરંતુ જયસ્વાલ વિલિયમ ઓ’રર્કના બોલ પર એજાઝ પટેલના હાથે કેચ આઉટ થઈ ગયો. ભારતીય ટીમને 31 રન પર ચોથો ઝટકો લાગ્યો. આના થોડા સમય બાદ કેએલ રાહુલ (0) પણ પાંચમી વિકેટ તરીકે 33 રન બનાવીને આઉટ થઈ ગયો. ટીમ ઇન્ડિયાના સ્કોરમાં માત્ર 1 વધુ રન ઉમેરાયો હતો અને રવિન્દ્ર જાડેજા પણ બેજવાબદાર શોટ રમીને શૂન્ય પર આઉટ થઈ ગયો. લંચ પછી આવેલા રવિચંદ્રન અશ્વિન (0) પહેલા જ બોલ પર મેટ હેનરીની બોલિંગમાં ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ થઈ ગયો.
પહેલી ઇનિંગ દરમિયાન માત્ર રિષભ પંત જ થોડી લયમાં હોય તેવું લાગતું હતું પરંતુ તે પણ 20 રન બનાવીને મેટ હેનરીની બોલિંગમાં કેપ્ટન ટોમ લાથમના હાથે કેચ આઉટ થઈ ગયો. તે આઉટ થનાર આઠમો ખેલાડી હતો. જસપ્રીત બુમરાહ (1) આઉટ થનારો નવમો ખેલાડી હતો. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 5, ટિમ સાઉથીએ 1 વિકેટ અને વિલિયમ ઓ’રર્કે 4 વિકેટ લીધી.