અજીત પવાર કેબિનેટની બેઠક અધવચ્ચે જ છોડી ચાલતા થયા
મહારાષ્ટ્રમાં મહાયુતિમાં મહા મનદુઃખ
રતન ટાટાને ભારત રત્ન આપવાની દરખાસ્ત બાદ માત્ર 10 મિનિટમાં જ કેબિનેટ ની બેઠક છોડી દીધી
મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીની મહાયુતીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મતભેદો ફરી એક વખત સપાટી પર આવી ગયા હતા. આવતા અઠવાડિયે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે તે પૂર્વે મળેલી કેબિનેટની છેલ્લી બેઠકમાંથી નાણા ખાતું સંભાળતા નાયબ મુખ્યમંત્રી અજીત પવારે અધવછેથીજ ચાલતી પકડતા ચકચાર જાગી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર લાડકી બેન સહિતની યોજનાઓને કારણે રાજ્યની તિજોરી ઉપર 96 હજાર કરોડનો બોજો પડવાની સંભાવના છે. રાજ્યના નાણા વિભાગે મહેસૂલી ખાધ જીએસડીપીના ત્રણ ટકાને વળોટી બે લાખ કરોડની થઈ ગઈ હોવાની ચેતવણી આપી હતી. આ સંજોગોમાં નાણામંત્રાલયને લગતા નિર્ણયો ઉતાવળે અને આડેધડ કરવાનો અજીત પવાર વિરોધ કરતા હોવાનું માનવામાં આવે છે.
આવા વાતાવરણ વચ્ચે કેબિનેટની આ છેલ્લી બેઠકમાં રતન તાતાને ભારત રત્ન એવોર્ડ આપવાની દરખાસ્ત પસાર થઈ તે સાથે જ અજીત પવાર બેઠક છોડી અને ચાલતા થઈ ગયા હતા. બાદમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં અઢી કલાક સુધી ચાલેલી એ બેઠકમાં 38 મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના નાણામંત્રાલય ને લગતા હતા.