શેરબજારે રોકાણકારોને ફરી ધોયા
સેન્સેક્સમાં 808 પોઇન્ટનો કડાકો, વિદેશી ફંડોની જંગી વેચવાલી
શુક્રવારે ભારે અફરા-તફરીના માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ વધુ એક ટકા તૂટ્યો હતો. FMCG, ઓટો અને એનર્જી સેક્ટરના શેરોમાં ભારે દબાણ જોવા મળ્યું હતું.
બજારમાં વેચવાલીને કારણે આજે પણ રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આજના સત્રમાં રોકાણકારોને 3.70 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ અઠવાડિયે ભારતીય શેર બજારના માર્કેટ કેપમાં 17 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.
રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ક્રુડના ભાવમાં ઉછાળો આવતા માર્કેટ સેન્ટીમેન્ટ પર અસર જોવા મળી હતી. ક્રૂડના ભાવ 0.99 ટકા ઉછળી બેરલદીઠ 78.39 ડોલર રહ્યા હતા.
સેન્સેક્સ 808 પોઇન્ટ ગગડી 81,688 ઉપર બંધ રહ્યો હતો.
જ્યારે નિફ્ટી 200 પોઇન્ટ ગગડી 25,049 ઉપર બંધ થયો હતો. વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂપિયા 15,243.27 કરોડની જંગી વેચવાલી કરી હતી.