રેખા અભિનીત ફિલ્મ ‘ઘર’એક સવાલ પૂછે છે : એક કપલ બળત્કાર પછી કઈ રીતે જિંદગી પસાર કરે ??
માણિક ચેટરજીની 1978ની ક્લાસિક ફિલ્મ ઘર કેટલા વડીલોને યાદ છે? એ જમાનામાં આ ફિલ્મ હિંમતપૂર્વક બોલિવૂડ સરીખા થોડા ઓર્થોડોક્સ ક્ષેત્રમાં પ્રવેશી. કારણ કે પતિ-પત્નીના સંબંધમાં જાતીય હુમલાના ભાવનાત્મક પતનને સંબોધિત કરવું એ મોટી વાત હતી અને હજુ પણ છે. આજકાલની ફિલ્મોમાં પણ તાપસી પન્નુની થપ્પડ જેવી ફિલ્મ બને છે જેમાં પતિ પત્નીને એક થપ્પડ મારી દે છે. અહીં તો પતિ દ્વારા કરવામાં આવતા સેક્સ્યુઅલ પ્રેશરની વાત છે, આવા વિષયને આજે પણ ભારતીય સિનેમામાં બહુ સ્થાન મળતું નથી. સંવેદનશીલતા અને વાસ્તવિકતાના નાજુક સંતુલન સાથે ‘ઘર’ ફિલ્મમાં એક દંપતી, આરતી (રેખા દ્વારા ભજવવામાં આવેલું પાત્ર) અને વિકાસ (વિનોદ મેહરા) ની હૃદયસ્પર્શી વાર્તા રજૂ થઇ હતી જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આ પતિ-પત્ની એક આઘાતજનક ઘટના પછી તેમના જીવનને એક સાથે જોડવાનો પ્રયાસ કરતા બતાવ્યા છે.
આ ફિલ્મ અઘરા પ્રશ્નો પૂછે છે: હિંસાના ક્રૂર કૃત્ય પછી યુગલ કેવી રીતે આગળ વધે છે? પત્ની પતિનો અત્યચાર ભૂલી શકે? જ્યારે જીવનસાથીની સુરક્ષાની ભાવના ખોવાઈ જાય ત્યારે પ્રેમ, વિશ્વાસ અને આત્મીયતાનું શું થાય છે? તેના મૂળમાં, ઘર એ માત્ર સ્ત્રીના ઉલ્લંઘન વિશે નથી, પરંતુ સંબંધના પાયા સાથે ટકરાતા આઘાતના વમળો પર છે.
ટીપીકલ બોલીવુડ ફિલ્મોથી હટકે
1970 અને 80 ના દાયકા દરમિયાન હિન્દી સિનેમાના લેન્ડસ્કેપમાં સ્ત્રી અત્યાચારના વિષય ઉપર બનતી ફિલ્મો તે સનસનાટીભર્યો દર્શાવ્યો હતો. એ ફિલ્મોમાં પણ સ્ત્રીઓનો એક માત્ર પ્રતિક તરીકે ઉપયોગ થતો અથવા તો સ્ત્રીને દેવીનો દરજ્જો આપી દેવામાં આવતો. સ્ત્રી કે પત્ની પણ એક માણસ છે. ટીપીકલ જૂની હિન્દી ફિલ્મોની વાર્તાઓ સામાન્ય રીતે વેર અને પ્રતિશોધની આસપાસ કેન્દ્રિત રહેતી અને તે ફિલ્મોમાં જેમાં પુરૂષ નાયક જ હીરો તરીકે ઉભરી આવતો. ઈન્સાફ કા તરાઝૂ (1980) અથવા શર્મિલી (1971) જેવી ફિલ્મોમાં મહિલાઓને મુખ્યત્વે પીડિતા અથવા શુદ્ધતાના પ્રિઝમ દ્વારા દર્શાવવામાં આવી હતી. મર્યાદા અને આબરૂનો બોજો માત્ર સ્ત્રીના ખભા ઉપર જ?
જો કે, ફિલ્મ ‘ઘર’ અલગ રસ્તે ચાલનારી ફિલ્મ હતી. તેની પત્નીનું સન્માન પુનઃસ્થાપિત કરવા માટે વિકાસને વેરીલો હીરો જેવો બતાવવાને બદલે ફિલ્મમાં તે લાચારી અને અપરાધ સાથે સંઘર્ષ કરી રહેલા એક સામાન્ય માણસ તરીકે તેમને રજુ કરવામાં આવ્યો છે. સ્ત્રી માત્ર બાયોલોજીકલ રીતે સ્ત્રી નથી. તેની માનવીય સંવેદનાઓ ફિલ્મમાં દર્શાવવામાં આવી. સ્ત્રીઓના સંબંધમાં સૂક્ષ્મ, અસ્પષ્ટ સંઘર્ષો પણ ફિલ્મોમાં દેખાડ્યા છે. અહીં ધ્યાન પુનઃજોડાણ પર છે, બદલો લેવા પર નહિ. કેવી રીતે પ્રેમમાં રહેલી બે વ્યક્તિઓ એકબીજાની પાસે પાછા જવાનો પ્રયાસ કરે છે તે આ ફિલ્મનો હાર્દ હતો.
આપત્તિજનક ઘટના અને તેના પરિણામો
વાર્તાની શરૂઆત વિકાસ અને આરતીથી થાય છે, જે એક નવપરિણીત યુગલ છે જેઓ ગહન પ્રેમમાં છે અને આખી જિંદગી સાથે પસાર કરવાનું સ્વપ્ન જુએ છે. આરતીનું અપહરણ થયું અને તેની પર ક્રૂર સામૂહિક બળાત્કાર થયો. તે બંનેનું સરસ જીવન બરબાદ થઈ ગયું. પીટાયેલો અને બેભાન થયેલો વિકાસ તેની પત્નીને નિર્ભય બનાવી શકતો નથી.
આગળ શું થાય છે તે પાછળ છોડી ગયેલ ભાવનાત્મક લાગણીઓના બચેલા ભંગારનું દુઃખદાયક અન્વેષણ માત્ર છે. આરતી માટે તો દુનિયા કાયમ બદલાઈ ગઈ. હુમલાનો આઘાત તેને ટ્રોમા આપે છે. પીડા, મૂંઝવણ અને હતાશા યુગલને ઘેરી વળે છે. પતિ જાણતો નથી કે તેની પત્નીને કેવી રીતે સાંત્વન આપવું અને તેણીને બેઠા કરવામાં શું કરવું? ધીરજ અને સમજણ પતિમાં થોડીક ઓછી છે અને તેના પ્રયાસો અપૂરતા પડે છે.
દંપતી વચ્ચેના સંઘર્ષનું ફિલ્મનું કાચું નિરૂપણ આઘાતની જટિલતાને પ્રકાશિત કરે છે. આરતી વિકાસ સાથે આત્મીયતા ભર્યા સંબંધ પ્રસ્થાપિત કરવામાં અસમર્થ છે, તેનું શરીર અને મન હજી પણ ઘણા ઉલ્લંઘન સાથે સંઘર્ષ કરી રહ્યું છે. વિકાસ કો-ઓપરેટીવ હસબન્ડ હોવા છતાં વાઈફના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવામાં નિષ્ફળ નીવડે છે. એક મુખ્ય દ્રશ્યમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે તે બોલિવૂડની ફિલ્મ જોવા સિવાય બીજી કોઈ પણ બાબત માટે સંમત થશે.
પ્રેમની નબળાઇ
‘ઘર’ના સૌથી કરુણ પાસાઓ પૈકી એક એ છે કે તે કેવી રીતે પ્રેમ અને પીડા વચ્ચે નાજુક સંતુલન સ્થાપે છે. આ ફિલ્મ હસબંડ વિકાસની હતાશા દર્શાવવામાં જરાય શરમાતી નથી. એક નબળી ક્ષણે જ્યારે આરતી તેની ધીરજ પર સવાલ ઉઠાવે છે, ત્યારે તે તેના પર પ્રહાર કરે છે અને આરતીને થપ્પડ મારે છે. આ ક્ષણ બહુ જ નાજુક છે કારણ કે તે ભાવનાત્મક આઘાતને પ્રતિબિંબિત કરે છે. આરતી, હૃદયભંગ અને વિશ્વાસઘાત પછી, ઘર છોડી દે છે. હવે તે માત્ર ઉદાસીના સહારે જિંદગી પસાર કરશે એવું નક્કી કરે છે.
તેમ છતાં ગુસ્સા અને મૂંઝવણની ઘણી ક્ષણો હોવા છતાં ફિલ્મ ઘર આશાનો સંદેશ આપે છે. ફિલ્મ તેના પાત્રોને નિરાશામાં છોડતી નથી. વિકાસને તેની ભૂલનો અહેસાસ થાય છે, અને અંતે દંપતી એક રેલ્વે સ્ટેશન પર એકબીજા સાથે આંખમાં આંસુ આંજીને સમાધાન કરે છે. રેલ્વે સ્ટેશન એક પ્રતીકાત્મક સ્થળ જ્યાંથી સંબંધ ને ગતિ મળવાનું સૂચક બને છે.
રેખાનું મંત્રમુગ્ધ કરી દેતું પ્રદર્શન
‘ઘર’ ફિલ્મમાં રેખાએ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેમાં આરતીના એક નચિંત, આશાવાદી સ્ત્રીમાંથી આઘાતના બોજ હેઠળ સંઘર્ષ કરતી સ્ત્રીમાં થતાપરિવર્તનને કુશળતાપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. તેમની આંખો, ઘણીવાર શાંત એવી વેદનાથી ભરેલી દેખાય છે. આંખો જ એવી પીડા વ્યક્ત કરી દે છે જે શબ્દો વ્યક્ત કરી શકતા નથી. વિનોદ મેહરા સારા આદર્શો ધરાવતા પરંતુ ભાવનાત્મક રીતે નબળા પુરુષ એવા ‘વિકાસ; નું પાત્ર ભજવે છે જેમાં તેમણે ખુબ સારું કામ કર્યું છે. તેનું પાત્ર એવા માણસનું છે જેણે જીવનસાથી તરીકે તેની મર્યાદાઓનો સામનો કરવો પડે છે.
ફિલ્મના સહાયક પાત્રો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વિકાસની મિત્ર સીમા (પ્રેમા નારાયણ) તેના ભાવનાત્મક સપોર્ટ તરીકે કામ કરે છે અને તઆરતીની આંતરિક મથામણ સમજાવવામાં મદદ કરે છે. તે સમયે તે બોલિવૂડમાં એક દુર્લભ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે – તે દર્શાવે છે કે માનસિક ટેકો અને સહાનુભૂતિ આઘાતના સમયમાં કેટલી જરૂરી છે.
આઘાત અને ઉપચાર
દાયકાઓ પહેલા બનાવવામાં આવ્યું હોવા છતાં, ઘર ફિલ્મ આજે પણ સુસંગત લાગે છે કારણ કે તે આઘાત પછી પ્રેમ અને અને ટ્રોમામાંથી બહાર નીકળવા માટે અઘરા પ્રશ્નો પૂછવાની હિંમત સ્ત્રીઓમાં આવી. તે રેખાંકિત કરે છે કે એક અપરાધ જાત ઉપર ભોગવી લીધા પછી તે પીડિત માટે “સામાન્ય” જીવનમાં ફરી જોડાવું કેટલું મુશ્કેલ છે અને કેવી રીતે તેમની નજીકના લોકો ક્યારેક અજાણતા તેમને જરૂરી સમર્થન આપવામાં નિષ્ફળ થઈ શકે છે.
ફિલ્મની ભાવનાત્મક ઊંડાઈ તેના યાદગાર સંગીત દ્વારા વધે છે. ગુલઝારના ગીતો અને આરડી બર્મનનું સંગીત. “ફિર વહી રાત હૈ” અને “તેરે બિના જિયા જાયે ના” જેવા ગીતો ફિલ્મ સમાપ્ત થયા પછી લાંબા સમય સુધી કાનમાં ગુંજતા રહે છે, જે દંપતીની પ્રેમકથાની સુંદરતા દર્શાવે છે. એક પ્રેમ જે ખંડિત છે પરંતુ હિંસા દ્વારા નાશ પામતો નથી. ઘર ફિલ્મમાં ખામીઓ હોઈ શકે છે, પરંતુ બળાત્કાર અને આઘાતને સહાનુભૂતિપૂર્ણ, બિન-શોષણાત્મક રીતે સંબોધવાનો તેનો હિંમતવાન પ્રયાસ તેને ભારતીય સિનેમામાં સીમાચિહ્ન બનાવે છે. તે દર્શકોને જાતીય હિંસાની લાંબા ગાળાની મનોવૈજ્ઞાનિક અસર અને તેના પગલે વિશ્વાસ અને આત્મીયતા પુનઃનિર્માણ કરવા માટે જે ધીરજ, સંયમ અને સહકાર જોઈએ તેનું જ્ઞાન આપે છે. આજની નવી પેઢી આવી સરસ ફિલ્મો જુએ તો એમને પણ ગમે અને સમજનું વિસ્તરણ થાય જેનો ફાયદો સરવાળે સમાજને જ થાય