દાબેલીની લારી પર એસીબીનો દરોડો !
બે લાખની લાંચ લેતાં તલાટી મંત્રી-વચેટિયો પકડાયા, ગ્રામ પંચાયતનો સભ્ય ફરાર: મકાનની આકારણી દાખલ કરવાના બદલામાં માંગ્યો’તો `નૈવેદ્ય’
રાજકોટ સહિત આખા ગુજરાતમાં લાંચિયા બાબુઓ તેમજ પદાધિકારીઓ ઉપર એસીબી દ્વારા એક બાદ એક દરોડા પાડવામાં આવી રહ્યા હોય ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જો કે હજુ પણ લાંચ લઈને કામ કરવાનું દૂષણ અટકવાનું નામ લઈ રહ્યું ન હોય તેવી રીતે દરરોજ ક્યાંકને ક્યાંક લાંચિયા લોકો સકંજામાં આવી રહ્યા છે. આવો જ એક દરોડો એસીબીએ દાબેલીની લારી પર પાડીને બે લાખની લાંચ લેતાં બે લોકોને પકડી પાડ્યા છે જ્યારે એક ફરાર થઈ જતાં તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે કચ્છ-ભૂજના કુકમા ગામે મકાનની આકારણી દાખલ કરાવવા માટે આ કેસના ફરિયાદીએ કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ તેજસિંહ વાઘેલા તેમજ ગ્રામ પંચાયતના સભ્ય ઉત્તમ શિવલાલ રાઠોડનો સંપર્ક સાધ્યો હતો. આ પછી વાઘસિંહ અને ઉત્તમે ફરિયાદીને કામ કરી આપવાના બદલામાં ચાર લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચનો પ્રથમ હપ્તો બે લાખ રૂપિયા રવિવારે આપવાનો વાયદો કરાયો હતો. જો કે ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોય તેણે કચ્છ (પશ્ચિમ) એસીબી પોલીસ સ્ટેશન-ભૂજનો સંપર્ક કરતાં એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
લાંચની બે લાખ રૂપિયાની રકમ લેવા માટે તલાટી કમ મંત્રી વાઘસિંહ કુકમા ગામના બસ સ્ટેશન પાસે શિવસાગર નાસ્તા સેન્ટર (દાબેલીની લારી)એ આવ્યો હતો. આ પછી ફરિયાદીએ જેવા પૈસા વાઘસિંહને આપ્યા કે તુરંત જ એસીપીએ દાબેલીની લારીનો માલિક નીરવ વિજયભાઈ પરમાર કે જે નિયમિત રીતે લાંચની રકમ સ્વીકારતો હોય તેને અને વાઘસિંહ બન્નેને પકડી લઈ ગુનો દાખલ કર્યો હતો. દરોડા વખતે ઉત્તમ રાઠોડ હાથમાં ન આવતાં તેને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે.
લાંચનો વહીવટ' દાબેલીની રેંકડીએ જ થતો હતો કુકમા ગ્રામ પંચાયતમાં લાંચ લઈને જ કામ થતું હોય તેવી રીતે રકમ સ્વીકારવા માટે લાંચિયા અધિકારીઓએ કુકમા બસ સ્ટેશન પાસે શિવસાગર નાસ્તા સેન્ટર (દાબેલીની લારી) પર પસંદગી ઉતારી હતી. લાંચિયા અધિકારીઓ વતી દાબેલીની રેંકડીનો માલિક નીરવ વિજયભાઈ પરમાર લાંચના પૈસા વારંવાર સ્વીકારી રહ્યો હોવાથી પોલીસે તેને પણ સાણસામાં લીધો છે. એકંદરે લાંચનો તમામ
વહીવટ’ રેંકડીએ જ થઈ રહ્યો હોવાનો ખુલાસો થયો છે.