1 ઓકટોબર સુધી સુપ્રીમ કોર્ટની મંજૂરી વગર દેશમાં ક્યાંય ડિમોલિશન કરી શકાશે નહીં
બૂલડોઝર કાર્યવાહી પર સર્વોચ્ય અદાલતની ‘ બ્રેક ‘
ડિમોલિશન ન્યાયના મહિમા ગાનની પણ ટીકા
ઉતર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ગુનાહિત કૃત્યના આરોપીના મકાનોનું ડીમોલિશ કરી નાખવાના પગલા ને પડકારતી જમિયત ઉલેમા એ હિંદની અરજી પર ની સુનાવણી દરમિયાન સર્વોચ્ય અદાલતે આ કેસની આગામી 1 ઓક્ટોબરના રોજ નવી સુનાવણી થાય ત્યાં સુધી સમગ્ર દેશમાં સર્વોચ્ય અદાલતની મંજૂરી વગર બૂલડોઝર ચલાવવા ઉપર રોક લગાવવાનો આદેશ કર્યો હતો. જો કે, જાહેર માર્ગ, જળ સંસ્થા, ફુટપાથ, રેલવે લાઈન વગેરે પર ગેરકાયદે કબજા પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં. અદાલતે વધુમાં કહ્યું કે, દેશમાં બુલડોઝર ન્યાયના મહિમાગાનને અમે મંજૂરી આપતા નથી.
આ અગાઉ 2 સપ્ટેમ્બરના રોજ પણ સર્વોચ્ય અદાલતે બુલડોઝર કાર્યવાહીને ગેરકાયદે ગણાવી હતી.કોઈ વ્યક્તિ ગુનાનો આરોપી હોય કે પછી દોષિત ઠર્યો હોય તો પણ તેનું મકાન તોડી શકાય નહીં, કોઈ કાયદો આવી સજા આપવાની છુટ નથી આપતો એવી ટિપ્પણી અદાલતે કરી હતી.
દરમિયાન મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન સોલીસીટર જનરલ તુષાર મહેતાએ બુલડોઝર એક્શન એક વિશેષ સમુદાય સામે જ લેવાતા હોવાની ખોટી ધારણા ફેલાવાઇ હોવાનું જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે જો કે તેમની દલીલ ને ફગાવી દીધી હતી અને એવી બધી ચર્ચાઓની સુપ્રીમ કોર્ટ ઉપર કોઈ અસર ન થતી હોવાનું જણાવ્યું હતું. મ્યુનિસિપલ કાયદા હેઠળ કઈ રીતે ડિમોલિશન થઈ શકે તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવાનો પણ સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો.અદાલતે કહ્યું કે વહીવટીતંત્ર ન્યાયાધીશ બની શકે નહીં.એક વ્યક્તિનું મકાન પણ ખોટી રીતે તોડી પડાયું હોય તો પણ એ દેશના કાયદાની વિરૂધ્ધનું કૃત્ય છે.