રાજકોટના ધંધાર્થી સાથે રૂા. ૩.૪૦ કરોડની છેતરપિંડી કરનારી ‘સ્વામી ગેંગ’ની તપાસ CID ક્રાઇમને સોંપાઇ
રાજકોટમાં રહેતા અને જમીન-મકાન લે-વેચના કારોબાર સાથે સંકળાયેલા ધંધાર્થી સાથે જમીનનું ઉંચું વળતર મળશે તેમ કહી ૩.૪૦ કરોડની છેતરપિંડી આચરનાર વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કઢાયેલા ચાર સ્વામી સહિતની ટોળકીએ આ પ્રકારે આખા રાજ્યમાં અનેક લોકોને બૂચ માર્યા હોવાથી હવે તેમની સામેની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાનો આદેશ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટના ધંધાર્થી જસ્મીન બાલાશંકરભાઈ માઢક (ઉ.વ.૪૫) સાથે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અગાઉ સામેલ એવા જૂનાગઢ-શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ ઉર્ફે વી.પી.સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, અંકલેશ્વર ઋષિકુળ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી ઉપરાંત સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય ચૌહાણ સામે પોઈચામાં છે તેવું જ સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાની મસમોટી વાત કરી કટકે કટકે ૩.૪૦ કરોડ રૂપિયા પડાવીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
ફરિયાદ નોંધાતાં જ પોલીસ કમિશનર દ્વારા તપાસ આર્થિક ગુન્હા નિવારણ શાખાને સોંપવામાં આવતાં અત્યાર સુધીમાં વિજય ચૌહાણ, ભૂપેન્દ્ર પટેલ અને લાલજી ઢોલાને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે ચારેય સ્વામી તેમજ સુરેશ ઘોરી સહિત પાંચ લોકો ફરાર હોય તેમને દબોચવા ચક્રો ગતિમાન કરાયા છે. દરમિયાન આ ટોળકીએ રાજકોટ ઉપરાંત વીરમગામ, નારણપુરા, વરાછા, ધંધુકા, સાબરકાંઠા, સુરત, વઢવાણ સહિતના શહેરો-જિલ્લાઓમાં આ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી દ્વારા તમામ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ટોળકી ઓર્ગેનાઈઝડ ગેંગની માફક જ લોકો સાથે છેતરપિંડી કરી રહી હોવાથી તેમને કડકમાં કડક સજા મળે તે માટે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગેંગ દ્વારા કોઈ જમીન ખરીદ-વેચાણમાં ઉત્સુક હોય અને મોટું રોકાણ કરી શકે તેવા વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવતો હતો. આ પછી તેને કોઈ ચોક્કસ ગામમાં ૨૦૦, ૩૦૦ કે ૪૦૦ વિઘા જમીન બતાવવામાં આવે છે અને ત્યારબાદ ગેંગ દ્વારા કહેવામાં આવે છે કે ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા માટે જગ્યા જોઈએ છે. સાધુ ખેડૂત પાસેથી સીધા ખરીદવા નથી માંગતા એટલે અમે ખરીદીને સાધુને વેચીયો તો સાધુ ઉપર આક્ષેપ થાય જેથી ભોગ બનનાર આ જમીન ખરીદી કરી સાધુને વેચે તો સાધુ ઉંચાભાવે જમીન ખરીદશે જેનો ફાયદો જમીન ખરીદનારને જ થશે !