હવે રાજકોટે `વેચાતું’ પાણી લેવું નહીં પડે !! પીવાનું પાણી પૂરું પાડતાં તમામ જળાશયો ત્રણ દિ’માં હાઉસફૂલ
- ભાદર-૧, આજી-૧, ન્યારી-૧, ન્યારી-૨ ઉપરાંત લાલપરી-રાંદરડા તળાવ પણ છલોછલ: અટલ સરોવર પણ પ્રથમ વર્ષે જ છલકાઈ ગયું
કુદરતની કળા કાળા માથાનો માનવી ક્યારેય કળી શક્યો નથી અને કળી શકવાનો પણ નથી…! ચાર દિવસ પહેલાં રાજકોટીયન્સ વરસાદ આવશે કે નહીં તેની રાહ જોઈને બેઠા હતા સાથે સાથે લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા સરકાર પાસેથી વેચાતું નર્મદા નીર લેવામાં આવી રહ્યું હતું. જો કે રવિવારથી લઈને બુધવાર સુધીમાં પીવાનું પાણી પૂરું પાડતાં તમામ જળાશયો છલોછલ થઈ જતાં હવે રાજકોટને વેચાતું પાણી લેવું પડશે નહીં તે વાત નિશ્ચિત બની ગઈ છે.
રાજકોટ શહેરને મુખ્યત્વે આજી-૧, ભાદર-૧, ન્યારી-૧ સહિતના ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ પૈકી આજી-૧ ડેમ બુધવારની સ્થિતિએ એક ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. મંગળવારે ડેમ ૨.૮૫ ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો હતો જેમાં બુધવારે ઘટાડો થયો હતો. આ જ રીતે ભાદર-૧ ડેમ ઓવરફ્લો થઈ જતાં તેના ૨૫ ગેઈટ ખોલવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે ન્યારી-૧ ડેમના બે દરવાજા ૧ ફૂટે ખોલી નખાયા છે.
જ્યારે લાલપરી-રાંદરડા તળાવનું પાણી ભલે રાજકોટને સપ્લાય ન થતું હોય પરંતુ તે પણ છલોછલ ભરાઈ ગયું છે સાથે સાથે લોકોના હરવા-ફરવા માટેનું પ્રિય સ્થળ એવું અટલ સરોવર પણ પ્રથમ વર્ષે જ પાણીથી છલકાઈ ઉઠ્યું છે.