બાઈડેન સામે ડેમોક્રેટિક પાર્ટીમાં બળવો થયો હતો: ટ્રમ્પનો દાવો
- એલોન મસ્ક સાથેનો ઇન્ટરવ્યૂ 20 કરોડ લોકોએ નિહાળ્યો
- હુમલામાં બચાવ બાદ ભગવાનને વધુ માનવા લાગ્યા
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને આગામી ચૂંટણી માટેના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી વધુ શ્રીમંત માનવી અને X ના માલિક એલોન મસ્કને આપેલા ઇન્ટરવ્યૂમાં જો બાઇડેન અને કમલા હેરિસ ઉપર વ્યક્તિગત ટિપ્પણીઓ અને અનેક પ્રકારના દાવા કર્યા હતા.કમલા હેરિસને મળી રહેલા પ્રચંડ સમર્થન બાદ મસ્ક સાથે યોજાયેલા આ ઇન્ટરવ્યૂ થકી ટ્રમ્પ સમર્થકો જોરમાં આવી ગયા છે.આ ઇન્ટરવ્યૂ નું X પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને 20 કરોડ લોકોએ તે નિહાળ્યો હોવાનો એલોન મસ્કે દાવો કર્યો હતો.જો કે ભારે ઉતેજના જગાવનાર આ ઇન્ટરવ્યૂ ટેકનિકલ ક્ષતિને કારણે 40 મિનિટ મોડો શરૂ થયો હતો.
ટ્રમ્પે તેમના પર થયેલા હુમલાની ઘટનાના વર્ણન સાથે ઇન્ટરવ્યુની શરૂઆત કરી હતી. તેમણે ચમત્કારિક બચાવનો ઉલ્લેખ કરીને કહ્યું કે હું પહેલેથી ભગવાનને માનું છું પણ આ ઘટના બાદ ભગવાનનું અસ્તિત્વ હોવાની મારી માન્યતા વધુ દ્રઢ બની છે.
ટ્રમ્પે અનેક મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરતા કહ્યું કે જો બાઈડેનને પ્રમુખ પદની રેસમાંથી હટી જવું પડ્યું એ ‘ બળવો ‘ હતો. તેમણે ઉમેર્યું કે પ્રથમ ડીબેટમાં જ મેં બાઇડેન ને એવી પછડાટ આપી કે તેઓ હટી જવા માટે મજબૂર બન્યા હતા.
તેમણે ગેરકાયદે પ્રવાસીઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે બીજા દેશો પોતાને ત્યાંથી ગુનેગારો અને મનોરોગીઓને અમેરિકામાં ધકેલી રહ્યા છે. તેમણે પોતે ફરી પ્રમુખ બને તો અમેરિકાના ઇતિહાસના સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી હતી. તેમણે જો પોતે પ્રમુખ હોત તો રશિયાએ યુક્રેન ઉપર હુમલો ન કર્યો હોત તેવો દાવો કર્યો હતો.
ઇન્ટરવ્યૂ ‘ ગોઠવેલો ‘ હોવાનો આક્ષેપ: બન્નેએ સાથે મળી કમલા હેરિસની ટીકા કરી
આ ઈન્ટરવ્યુના મિશ્ર પ્રત્યાઘાત પડયા છે.એક વર્ગ એવું માને છે કે કમલા હેરિસને મળી રહેલા પ્રચંડ સમર્થન બાદ ટ્રમ્પની સ્થિતિ સુધારવા માટે આ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યો હતો.ટ્રમ્પ ધારે તેવા આક્ષેપો કરી શકે,દાવાઓ કરી શકે અને પસંદગીના મુદ્દા જ ઉછાળી શકે એ માટે મસ્કે તેમને પ્લેટફોર્મ આપ્યું હતું.નોંધનીય છે કે મસ્કે ટ્રમ્પની ઉમેદવારીને જાહેર સમર્થન આપ્યું છે.ઇન્ટરવ્યૂ દરમિયાન મસ્કે ટ્રમ્પની ભરપૂર પ્રસંશા કરી હતી.ટ્રમ્પના એક પણ દાવાને પડકાર્યો નહોતો કે સામાં સવાલ નહોતા કર્યા.મસ્કે કમલા હેરિસને ડાબેરી અંતિમવાદી ગણાવ્યા હતા તેના જવાબમાં ટ્રમ્પે કમલાને ‘ કટ્ટરપંથી ડાબેરી પાગલ ‘ ગણાવ્યા હતા. મસ્કે ટ્રમ્પને ગવરનમેન્ટ આસિસ્ટન્ટ કમિશન નીમવાનું સૂચન કરી અને પોતે તેમાં સેવા આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું અને ટ્રમ્પે એ સૂચનને ‘ ગ્રેટ આઈડિયા ‘ કહી આવકાર્યું હતું.