શેખ હસીનાએ અમેરિકા સામે મૂક્યો કેવો આરોપ ?
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે તેમને સત્તા પરથી હટાવવા માટે દેશમાં અશાંતિ ફેલાવવામાં અમેરિકાનો હાથ છે. જ્યારે પોતે બાંગ્લાદેશનો ટાપુ આપી દેવાની અમેરિકાની વાત ન સાંભળી ત્યારે તેમને સત્તા પરથી હટાવવાની રણનીતિ બનાવી હતી. આ માટે અમેરિકાએ દેશની કટ્ટરવાદી શક્તિઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું.
ઈકોનોમિક ટાઈમ્સ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં હસીનાએ આ વાત કરી હતી. એમણે આરોપ લગાવ્યો કે જો સેન્ટ માર્ટિન ટાપુનું સાર્વભૌમત્વ યુએસને આપી દેવાની માંગ સ્વીકારી હોત તો પોતે સત્તામાં રહી શક્યા હોત. અમેરિકાએ આ ટાપુ આપી દેવાની માંગ કરી હતી જે મે ફગાવી દીધી હતી.
સેન્ટ માર્ટિન આઇલેન્ડ એ બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત એક નાનો ટાપુ છે. તેનું ક્ષેત્રફળ માત્ર ત્રણ ચોરસ કિલોમીટર છે, અને તે કુક્સ બજાર-ટંકર્ફ દ્વીપકલ્પથી લગભગ 9 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે. તેને બાંગ્લાદેશમાં નારીકેલ જિંજીરા (કોકોનટ આઇલેન્ડ) અથવા દારુચિની આઇલેન્ડ (તજ આઇલેન્ડ) તરીકે પણ ઓળખવામાં આવે છે.
બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે વિવાદ
બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે આ ટાપુ પર સાર્વભૌમત્વને લઈને વિવાદ હતો, જે તેમની દરિયાઈ સીમા નક્કી કરવાને લઈને હતો. આ વિસ્તારમાં માછીમારીના અધિકારને લઈને બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. 2012 માં, ઇન્ટરનેશનલ મેરીટાઇમ લો ટ્રિબ્યુનલે તેના નિર્ણયમાં આ ટાપુ પર બાંગ્લાદેશના અધિકારોની સ્થાપના કરી હતી.
કટ્ટરપંથીઓના હાથા ન બનો ; હસીનાનો બાંગ્લાદેશની જનતાને સંદેશ
સ્ટુડન્ટની લાશ પર એ લોકોને સત્તા જોઈએ છે, હું પાછી દેશમાં આવીશ
દરમિયાનમાં રવિવારે શેખ હસીનાએ બાંગ્લાદેશના તોફાનીઓ અને જનતા માટે એક સંદેશ મોકલ્યો હતો અને કહ્યું હતું કે કટ્ટરપંથીઓના હાથા ના બનો. એ લોકો સ્ટુડન્ટની લાશો પર સત્તા મેળવવા માંગે છે અને હું એમ કરવા માંગતી નહતી માટે દેશ છોડીને જતી રહી. પણ હું ફરી દેશમાં પાછી ફરીશ. તમે લોકો નિરાશ ના થાઓ. એમણે એમ પણ કહ્યું હતું કે જો હું ત્યાં રોકાઈ હૉત તો વધુ લોકોના મોત થઈ જાત અને મને એ સ્થિતિ સામે લાવવી નહતી. મે પોતે જ મારી જાતને હટાવી દીધી.
હસીનાએ એમ પણ કહ્યું છે કે જો હું ટાપુ અમેરિકાઅને આપી દેત તો બંગાળની ખાડીમાં તેને એક ઠેકાણું મળી જાત. મે ટાપુ નથી આપ્યો માટે મારા વિરુધ્ધ અમેરિકાએ કાવતરું કર્યું છે.