હવે તો રોજનું થયું ! ઈન્ડિગોની રાજકોટ-મુંબઈ ફ્લાઈટ કેન્સલ
ખરાબ હવામાનને કારણે સાંજે ૭:૪૦ની ફ્લાઈટ રદ્દ કરાતાં અનેક મુસાફરો રઝળ્યા: એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ ૫૫ મિનિટ મોડી
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જાણે કે ફ્લાઈટનું શેડ્યુલ સુચારું રીતે સંચાલિત થઈ શકવાની સ્થિતિમાં જ ન હોય તેમ દરરોજ કોઈને કોઈ ફ્લાઈટ મોડી અથવા તો રદ્દ થઈ રહી છે. ખાસ કરીને ઈન્ડિગો એર લાઈન્સના ધાંધિયા બંધ થવાનું નામ જ લઈ રહ્યા ન હોય મુસાફરો રીતસરના હેરાન થઈ રહ્યા છે. આવી જ વધુ એક ફ્લાઈટ રદ્દ થઈ જતાં મુસાફરોને રઝળવાનો વખત આવ્યો હતો. આજ રીતે એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ નં.૪૦૪ ૫૫ મિનિટ મોડી ટેક ઓફ થઈ હતી. આ ફ્લાઈટ ૮ વાગ્યે ઉડાન ભરવાની હતી પરંતુ ટેક્નીકલ કારણોસર ૮:૫૫એ ટેકઓફ થઈ હતી.
ઈન્ડિગો એર લાઈન્સની સાંજે ૭:૪૦ વાગ્યે ટેક ઓફ થનારી ફ્લાઈટ નં.૬ઈ-૫૨૮૫ મુંબઈમાં ખરાબ હવામાનને કારણે રાજકોટ આવી ન હોવાને કારણે અહીંથી મુંબઈ જનારા અને મુંબઈથી રાજકોટ આવનારા મુસાફરોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને રાજકોટથી મુંબઈ જનારા અમુક મુસાફરોએ કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાની હતી પરંતુ ફ્લાઈટ જ ન આવતાં તેઓ કનેક્ટિંગ ફ્લાઈટ ચૂકી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિગો એર લાઈન્સના આ પ્રકારના ધાંધિયા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યા છે આમ છતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવા ઉપરાંત એર લાઈન્સ પણ પોતાનું સંચાલન ઠીક કરવામાં માનતી ન હોવાને કારણે મુસાફરોનો મરો થઈ રહ્યો છે.