રાજકોટ જિલ્લાના વિવિધ ગામોના વિકાસ કર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરાઇ
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ માતબર રકમ ફાળવતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરે આભાર વ્યક્ત કર્યો
રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસ કર્યો માટે માતબર રકમની ગ્રાન્ટની ફાળવણી કરવા બદલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરે એક યાદીમાં જણાવ્યું હતું કે, રાજયના કેબીનેટ મંત્રી અને રાજકોટ વિધાનસભા-૭૧ના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા દ્વારા રાજકોટ જિલ્લાના કસ્તુરબા ધામ જિલ્લા પંચાયત સીટના વિવિધ ગામોમાં વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના કાળીપાટ ગામે એપ્રોચ રોડથી રામજી મંદિર ચોરા સુધી આર.સી.સી. રોડના કામ માટે રૂા.૪.૯૦ લાખ, કાથરોટા ગામે કોઝવે માટે રૂા. ૪ લાખ, લોઠડા ગામે ભુગર્ભ ગટર માટે રૂા. ૪ લાખ, વડાળી ગામે પેવરબ્લોક, સ્મશાનમાં ખૂટતા પેવરબ્લોકના કામ માટે રૂા.૪ લાખ, લોધીડા ગામે સુખનાથ સોસાયટીમાં પેવર બ્લોકના કામ માટે રૂા.૪ લાખ, ત્રંબા કસ્તુરબાધામ ગામે સી.સી. રોડના કામ માટે રૂા.પ લાખ, હડમતીયા (ગોલીડા) ગામે ભૂગર્ભ ગટર કામ માટે રૂ. ૨ લાખ. કસ્તુરબા ધામ જિલ્લા પંચાયત સીટમાં બાંકડા માટે રૂા.૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
જ્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની ગ્રાન્ટમાંથી રાજકોટ જિલ્લાના સણોસરા, વાજડીગઢ પરાપીપળીયા, વેજાગામ, કુવાડવા, ફાડદંગ માલીયાસણ હડમતીયા બેડી, મનહરપુરમાં પણ વિવિધ વિકાસકાર્યો માટે ગ્રાન્ટમાંથી માતબર રકમની ફાળવણી કરવામાં આવેલ છે. જેના કારણે રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસને વેગ મળશે. આમ રાજકોટ જિલ્લા પંચાયતમાં કસ્તુરબા ધામ જિલ્લા પંચાયત સીટ તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં આવતા વિવિધ ગામોમાં વિકાસ કાર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરવા બદલ રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરએ આભાર વ્યકત કર્યો હતો.