દેશમાં છેલ્લાં 62 વર્ષોમાં 38,000થી વધુ રેલવે અકસ્માતોમાં અનેકે જીવ ગુમાવ્યા
રેલવેના મુસાફરોની સલામતિની માત્ર વાતો જ થઇ છે
જયારે જયારે દેશમાં રેલવે અકસ્માત થાય છે ત્યારે ત્યારે સેફટીની વાતો થાય છે અને પછી ભુલાઈ જાય છે. આવા અકસ્માતો વખતે ટ્રેનમાં એન્ટી કોલીઝન ડીવાઈઝ લગાડવાની ચર્ચાઓ ઘણી થઇ છે પણ હજુ સુધી તેનો અમલ થયો હોય અથવા તેના પરિણામો જોવા મળ્યા હોય તેવું ધ્યાનમાં નથી.
પશ્ચિમ બંગાળમાં મોટી રેલવે દુર્ઘટના બની છે ત્યારે દેશમાં ક્યારે અને કેટલા રેલવે અકસ્માત થયા તેની વિગતો પ્રકાશમાં આવી છે. વર્ષ 2004થી 2014ની વચ્ચે પ્રતિ વર્ષ સરેરાષ 171 અકસ્માતો થયા હતા, જ્યારે 2014થી 2024ની વચ્ચે વાર્ષિક સરેરાશ 71 રેલવે દુર્ઘટનાઓ ઘટી હતી, એમ સરકારનો દાવો છે.
રેલવેના જણાવ્યાનુસાર 1960-61થી 1970-71ના દાયકામાં 14,769 ટ્રેન અકસ્માતો થયા હતા. વર્ષ 2004-5થી 2014-15ની વચ્ચે 1844 રેલ અકસ્માતો થયા હતા, જ્યારે 2015-16થી 2021-22ની વચ્ચે છ વર્ષોમાં 449 ટ્રેન અકસ્માતો થયા હતા. આમ 1960થી માંડીને 2022 સુધી 62 વર્ષોમાં કુલ 38,672 રેલ અકસ્માતો થયા હતા. એટલે કે પ્રતિ વર્ષ સરેરાશ 600થી વધુ અકસ્માતો થયા હતા. વળી, સૌથી વધુ અકસ્માતો ડિરેલમેન્ટ અથવા ટ્રેન પાટા પરથી ખડી પડવાને કારણે થાય છે. વર્ષ 2017-18થી 2021-22 દરમ્યાન પાંચ વર્ષમાં રેલવે અકસ્માતોમાં 53 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 390 લોકો ઘાયલ થયા હતા.
10 મોટી ઘટનામાં 500થી વધુ લોકો મોતને ભેટ્યા
કાનપુર ટ્રેન અકસ્માતઃ 20 નવેમ્બર 2016ના રોજ, ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઈન્દોર-પટના એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન ખુબ જ ઝડપે જઈ રહી હતી અને તે દરમિયાન પાટા પરથી ઉતરી જવાથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 150 લોકોના મોત થયા હતા.
કુનેરુ ટ્રેન અકસ્માત: 21 જાન્યુઆરી 2017ના રોજ જગદલપુર-ભુવનેશ્વર હીરાખંડ એક્સપ્રેસ આંધ્રપ્રદેશના કુનેરુ સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 41 લોકોના મોત થયા હતા.
કથૌલી ટ્રેન અકસ્માતઃ 19 ઓગસ્ટ 2017ના રોજ કલિંગા ઉત્કલ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના કથૌલી નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 23 લોકોના મોત થયા હતા. ટ્રેકમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો. ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી ન હતી, જેને કારણે નિર્દોષ લોકોના જીવ ગયા હતાં.
મહારાષ્ટ્ર ટ્રેન અકસ્માત: ઑક્ટોબર 16, 2020 ના રોજ મહારાષ્ટ્રના કરમાડ નજીક હૈદરાબાદ-મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ એક્સપ્રેસ અને હજૂર સાહિબ નાંદેડ-મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ રાજધાની સ્પેશિયલ વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા.
અલીપુરદ્વાર ટ્રેન અકસ્માત: 13 જાન્યુઆરી, 2022ના રોજ બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા.
બાલાસોર ટ્રેન અકસ્માત: 2 જૂન, 2023 ના રોજ, ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો, જેમાં ત્રણ ટ્રેનોના ડબ્બા એકબીજા સાથે અથડાઈ અને 296 લોકો મૃત્યુ પામ્યા હતાં. 1200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહીં કોરોમંડલ એક્સપ્રેસ શરૂઆતમાં અપ મેઇન લાઇન પર જવાની હતી, પરંતુ આકસ્મિક રીતે બાજુની અપ લૂપ લાઇન પર ફેરવાઇ હતી. જેના કારણે તે પહેલાથી જ ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ અને તેના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આમાંથી ત્રણ કોચ અડીને આવેલા ટ્રેક પર પડ્યા અને તે જ સમયે સ્ટેશન પાર કરી રહેલી 12864 SMVT બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.
બક્સર ટ્રેન અકસ્માતઃ 11 ઓક્ટોબરે દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના ડબ્બા બિહારના બક્સરમાં રઘુનાથપુર સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતાં.
વિઝિયાનગરમ ટ્રેન અકસ્માત: 29 ઓક્ટોબરે વિશાખાથી પલાસા જતી વિશેષ પેસેન્જર ટ્રેન સિગ્નલના અભાવે કોઠાવલાસા ડિવિઝનમાં અલામંદા-કંટકાપલ્લી ખાતે પાટા પર રોકાઈ ગઈ હતી. તે જ સમયે પાછળથી આવતી વિશાખા-રાયગડા ટ્રેન પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા.
મદુરાઈ ટ્રેન અકસ્માતઃ 26 ઓગસ્ટ, 2023ના રોજ લખનૌથી રામેશ્વરમ જતી ટ્રેનમાં તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકો દાઝી ગયા હતા. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ડબ્બામાં આગ લાગી હતી તે એક ખાનગી ડબ્બો હતો, જેને ટ્રેનમાં અલગથી ઉમેરવામાં આવ્યો હતો અને ડબ્બામાં ગેસ સિલિન્ડર હોવાના કારણે આગ ફાટી નીકળી હતી.
જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનાઃ 17 જૂનના રોજ થયેલા આ અકસ્માતમાં એક માલગાડીએ પહેલાથી જ ઉભેલી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતાં.