રાજસ્થાનનાં ઝાલાવાડમાં ગોઝારો અકસ્માત, 9 જાનૈયાના મોત
લગ્નના મહેમાનોથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારતા બની દુર્ઘટના
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ૯ જાનૈયાનાં કરુણ મોત થયા હતા. જાનૈયાઓને લઈને જઈ રહેલી એક વાનને એક ટ્રક ટ્રોલીએ ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી. આ બનાવમાં એક ગંભીર રીતે ઘાયલ છે. આ માર્ગ અકસ્માત અકલેરા નજીક પંચોલા ગામમાં થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે અથડામણ બાદ વાનના ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જાણકારી મુજબ વાનમાં બાગરી સમાજના 10 યુવકો સવાર હતા, તેઓ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. જેમાંથી ત્રણના ઘટનાસ્થળે અને છના હોસ્પિટલમાં મોત થયા હતા. હોસ્પિટલમાં દાખલ એક યુવકની હાલત નાજુક છે. વાનમાં સવાર યુવકો મધ્યપ્રદેશના ખિલચીપુરથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ ટ્રોલીનો ડ્રાઈવર ફરાર થઇ ગયો છે. પોલીસે ગુનો નોંધી ડ્રાઈવર શોધખોળ શરૂ કરી છે.
સ્થનિક પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે અકસ્માત પોલીસ સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર દૂર ભોપાલ રોડ પર થયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વાનમાં ફસાયેલા ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. હાલ એક ઘાયલની સારવાર કરવામાં આવી રહી છે.