હાશકારો ! ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હળવાફૂલ
ધો.10માં વિજ્ઞાનનું પેપર સરળ રહ્યું : બુધવારે ધો.10માં અને ધો.12 સાયન્સમાં અંગ્રેજીનું જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતીનું પેપર લેવાશે
બોર્ડની પરીક્ષાના ધો.10માં સોમવારે સવારના સેશનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પેપર લેવાયું હતું. વિદ્યાર્થીઓને પેપર મોટેભાગે પાઠયપુસ્તક આધારીત અને સરળ લાગતા છાત્રોમાં ખુશીની લહેર ફરી વળી હતી. એમસીકયુના પ્રશ્ર્નો ટવીસ્ટેડ પરંતુ પાઠયપુસ્તક આધારીત પુછાયા હતા. જયારે બપોર બાદ ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાં મેથ્સનું પેપર લેવાયું હતું, જયારે ધોરણ-12 સામાન્યપ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાયું હતું. જો કે, ધોરણ-12 સાયન્સમાં મુખ્ય વિષયના પેપેર પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સોમવારે ધો.10માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર લેવાયું હતું. વિદ્યાર્થીઓએ પેપર અંગે મંતવ્યો આપતા જણાવ્યું હતું કે, પેપર મોટે ભાગે પાઠયપુસ્તક આધારીત પુછાયું હતું. ઘણા બધા પ્રશ્નો એમસીકયુમાં ટવીસ્ટ કરીને પુછાયા હતા.વિજ્ઞાનના પેપરમાં પ્રયોગનું ખૂબ જ મહત્વ હોય છે. 15ગુણમાં 2 પ્રયોગ પુછાયા હતા. જેમાંથી પાચનતંત્ર વિષયક પ્રયોગ પુછાયો હતો અને હૃદયની આંતરરચના આકૃતી દ્વારા સમજાવવાનો પ્રશ્ન પણ પુછાયો હતો. બીજી તરફ બપોર બાદ ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાં મેથ્સનું પેપર લેવાયું હતું, જયારે ધોરણ-12 સામાન્યપ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાયું હતું. ધો.12 સાયન્સમાં અંગ્રેજીનું જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતીનું પેપર લેવાશે.
ધો.10માં 691 વિધાર્થીઓ અને ધો-12માં 128 ગેરહાજર
સોમવારે લેવામાં આવેલી બોર્ડની પરીક્ષાઓમાં રાજકોટ જિલ્લામાં ધો.10ની વિજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ 41869 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 41171 વિદ્યાર્થીઓએ પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહીને પરીક્ષા આપી હતી. જયારે 691 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જયારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ વિષયમાં નોંધાયેલ 3760 પૈકી 3734 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 26 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આ ઉપરાંત ધોરણ-12 સામાન્યપ્રવાહમાં સોમવારે વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં નોંધાયેલ 18910 વિદ્યાર્થીઓ પૈકી 18808 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 102 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સોમવારે પણ જિલ્લામાં એક પણ કોપીકેસ નોંધાયો ન હતો.