ઇલેકટોરલ બોન્ડ: કોણે કઈ પાર્ટીને કેટલી રકમ આપી એ જાણકારી નહીં મળે?
ક્રોસ મેચિંગ ન થયું હોવાને કારણે તજજ્ઞોએ આશંકા દર્શાવી
દાન આપનાર અને મેળવનાર વચ્ચેની કડી સ્થાપિત થશે કે નહીં એ અંગે મતમતાંતર
સર્વોચ્ય અદાલતના આદેશને પગલે બુધવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટરલ બોન્ડની વિગતો ચૂંટણી પંચ ને આપી દીધી છે અને ચૂંટણી પાંચ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં એ બધી વિગતો પોતાની વેબ સાઈટ ઉપર અપલોડ કરી દેશે.એ વિગતો જાણવા માટે સમગ્ર દેશ ભારે આતુર છે ત્યારે કેટલાક નિષ્ણાંતોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે આ માહિતી જાહેર થયા પછી પણ કોણે કેટલી રકમના બોન્ડ ખરીદ્યા અને ક્યા રાજકીય પક્ષને કેટલું દાન મળ્યું તે આંકડો તો મળશે પણ ક્યાં દાતાનું દાન ક્યાં પક્ષને મળ્યું તે જાણકારી નહિ મળે.
અદાલતના ચુકાદાના અર્થઘટન અંગે ગૂંચવાડો
નિષ્ણાંતો આ સંભવિત સ્થિતિ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને હવાલો આપે છે. તેમના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટે એસબીઆઈને બોન્ડ ખરીદનાર નું નામ,ખરીદ્યાની તારીખ અને બોન્ડ ની રકમ જાહેર કરવાનો અને સાથે જ બોન્ડ ક્યા રાજકીય પક્ષે વટાવ્યા, કઈ તારીખે વટાવ્યા અને કેટલી રકમના બોન્ડ વટાવ્યા તે જાહેર કરવાનો આદેશ આપ્યો છે.અદાલતે આ માહિતીઓ 6 માર્ચ પહેલા ચૂંટણી પંચને સોંપવાનો આદેશ કર્યો હતો.
એસબીઆઈ ની દલીલ શું હતી?
એસબીઆઈએ વિગતો આપવા માટેની મુદત વધારાની કરેલી માંગણી પરની સુનાવણી દરમિયાન એવી દલીલ કરી હતી કે બોન્ડ ખરીદનાર દાતાઓ અને બોન્ડ વટાવનાર રાજકીય પક્ષોની વિગતો તો તૈયાર છે પણ ક્યુ બોન્ડ કયા રાજકીય પક્ષે વટાવ્યું તેનું ક્રોસ મેચિંગ કરવામાં સમય લાગે તેમ છે.એ દલીલના પ્રતિભાવમાં સર્વોચ્ય અદાલતે કહ્યું કે અમે ક્રોસ મેચિંગ કરવાનું કહ્યું જ નથી.એકંદરે અત્યારે એક એવી સમજણ પ્રવર્તે છે કે એસબીઆઈએ ખરીદનાર અને વટાવનારની યાદી જ આપી છે.ક્રોસ મેચિંગ નથી થયું.
ક્રોસ મેચિંગ એટલે શું એ સાદી ભાષામાં સમજો
માની લ્યો કે મી.એ,બી અને સી નામના દાતાઓએ દરેકે દસ દસ કરોડના બોન્ડ ખરીદ્યા છે.બીજી તરફ પોલિટિકલ પાર્ટી D એ પાંચ કરોડના, E એ 18 કરોડના અને F એ 7 કરોડના બોન્ડ વટાવ્યા છે.તેમાંથી મી.એ,બી અને સી ના કેટલી કેટલી રકમના બોન્ડ કઈ કઈ પાર્ટીએ વટાવ્યા તે નક્કી કરવાની પ્રક્રિયાને ક્રોસ મેચિંગ કહેવાય.તેનાથી સ્પષ્ટપણે,ક્યા દાતા નું દાન કઈ પાર્ટીને મળ્યું તેની ચોખ્ખે ચોખ્ખી માહિતી મળી શકે.આ સંજોગોમાં ક્રોસ મેચિંગ ન થયું હોય તો કોણે કેટલું દાન આપ્યું અને કઈ પાર્ટીને કેટલું મળ્યું તેનો ઉભડક આંકડો તો મળે પણ ક્યાં દાતાનું કઈ પાર્ટીને દાન મળ્યું તે જાણકારી નહીં મળે એવી આશંકા કેટલાક તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.
તો પછી ક્યાં દાતાનું દાન કોને મળ્યું એ ખબર કેવી રીતે પડશે?
જો નિષ્ણાંતોએ દર્શાવેલી આશંકા સાચી સાબિત થાય તો દાતા અને લાભાર્થીની લીંક સ્થાપિત કરવા માટે લાંબી કવાયત કરવી પડશે.જાણકારોના મતે દરેક બોન્ડ ને નંબર આપવામાં આવ્યા હતા.જો એસબીઆઈ એ ચૂંટણી પંચને આપેલી માહિતીમાં બોન્ડ નંબર દર્શાવ્યા હોય અને કઈ રાજકીય પાર્ટીએ ક્યા નંબરના બોન્ડ વટાવ્યા તે દર્શાવવામાં આવ્યું હોય તો એ નંબર ઉપરથી દાતા અને દાન મેળવનારની ઓળખ મળી શકે. ઉદાહરણરૂપે, મી.એ ના બોન્ડ નંબર 1111 છે અને એફ નામની પોલિટિકલ પાર્ટીએ એ જ નંબરના બોન્ડ વટાવ્યા હોય તો સાબિત થાય કે મી.એ દ્વારા એફ નામની પોલિટિકલ પાર્ટીને દાન આપવામાં આવ્યું હતું.પણ આ કવાયત ખૂબ લાંબી અને જટિલ છે.કુલ 22717 બોન્ડ ખરીદાયા છે.અને લગભગ તેટલી જ માત્રામાં વટાવાયા છે.આ સંજોગોમાં બોન્ડ નંબર ઉપરથી દાતા અને લાભાર્થી નક્કી કરવા માટે 44434 એન્ટ્રી નું મેળાપીપણું કરવું પડે.
શંકા- આશંકાઓ વચ્ચે આજે ‘ પટારો ‘ ખુલશે.
દાતાઓ અને દાન મેળવનાર રાજકીય પક્ષો વચ્ચેની કડી જાહેર થશે કે નહીં તે અંગેના મતમતાંતર વચ્ચે આજે ચૂંટણી પંચની વેબ સાઈટ પર વિગતો મુકાઈ જશે અને ત્યારે જ આ આશંકા સાચી હતી કે ખોટી તે ખબર પડશે. અત્યારે તો લોકોમાં ભારે ઉત્તેજના છે. નોંધનીય છે કે ઇલેક્ટોરલ બોન્ડ એક હજાર,10 હજાર,એક લાખ,10 લાખ અને એક કરોડની કિંમતમાં પ્રાપ્ય હતા.વેચાયેલા કુલ બોન્ડના 91 ટકા બોન્ડ એક એક કરોડની સર્વોચ્ય કિંમત ના હતા.અત્યાર સુધી પ્રાપ્ત વિગતો અનુસાર ઇલેકટોરલ બોન્ડ દ્વારા મળેલ કુલ દાનમાંથી 55 ટકા રકમ એકલા ભાજપ ને મળી હતી.એસબીઆઈ દ્વારા આ બોન્ડ દર જાન્યુઆરી,એપ્રિલ,જુલાઈ અને ઓક્ટોબર મહિનાની 1થી 10 તારીખ સુધીમાં ઇસ્યુ કરવામાં આવતા હતા.અને સર્વોચ્ય અદાલતે એ યોજનાને ગેરબંધારણીય ગણાવી બંધ કરાવી દીધી ત્યાં સુધીમાં કુલ 16437.63 કરોડના બોન્ડ વેચાયા હતા.