વિભાગ માટે ૨૧૬૯૬ કરોડની જોગવાઈ પરંતુ રાજકોટને એકેય યોજના ન મળી
શહેરી વિસ્તારોને રેલવે ફાટક મુક્ત કરવા ૫૪૫ કરોડના ખર્ચે ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ બનશે
અમૃત ૨.૦ યોજના હેઠળ પાણી, ડે્રનેજ સિસ્ટમ, તળાવના વિકાસ, પરિવહન માટે ૨૦૦૦ કરોડ
એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિતની સુવિધા ધરાવતાં રાજકોટને રાજ્ય સરકારે બજેટમાં કોઈ જ નવી યોજના ન આપીને ઠેંગો બતાવી દીધો છે. એકંદરે સરકારે શહેરી વિકાસ વિભાગ માટે ૨૧૬૯૬ કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરી છે પરંતુ તેમાં રાજકોટ માટે કોઈ જ મોટી જાહેરાત કરી હોય તેવું ધ્યાન પર આવ્યું નથી. જો કે આગામી સમયમાં રાજકોટમાં બનનારા અન્ડર-ઓવરબ્રિજ માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળી શકે છે કેમ કે શહેરી વિસ્તારોને રેલવે ફાટક મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ બનાવવા સરકારે ૫૫૦ કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અમૃત ૨.૦ યોજના હેઠળ પાણી, ડે્રનેજ સિસ્ટમ, તળાવના વિકાસ, પરિવયન વ્યવસ્થા વગેરે માટે ૨૦૦૦ કરોડની જોગવાઈ કરી છે જેમાંથી રાજકોટને લાભ મળી શકે છે.
શહેરોના વિકાસ માટે સરકારે શું શું કરી જાહેરાત ?
- શહેરી ગરીબો માટે વધુ આવાસ યોજના બનાવવા ૧૩૨૩ કરોડ
- પ્રાથમિક સુવિધા માટે ૮૬૩૪ કરોડ
- સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના હેઠળ ૩૦૪૧ કરોડ
- અમદાવાદ-સુરતમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ૧૮૦૦ કરોડ
- ઘન-પ્રવાહી કચરાના નિકાલ માટે ૫૪૫ કરોડ
- મહાપાલિકા-નગરપાલિકાની મિલકતોના પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત માટે ૧૫૦ કરોડ
- મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા, નવા સાધનોની ખરીદી માટે ૬૯ કરોડ
- આઈટીનો ઉપયોગ કરી તંત્રને સુદૃઢ બનાવવા ૧૪ કરોડ
- ૫૦ નવા શહેરોમાં નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે ૧૦ કરોડ