રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં પાંચ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો, જુઓ કોણ છે
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્ર માંથી પકડી લીધો : વડોદરામાં પણ વોન્ટેડ છે
રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં પાંચ વર્ષથી વોન્ટેડ રહેલા આરોપીને સુરત પોલીસે પકડી પાડ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા નુસર, વડોદરા પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં 31 વર્ષથી વોન્ટેડ તેમજ રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં 5 વર્ષથી વોન્ટેડ રીઢા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને વર્ષોથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહાદા કોર્ટ નજીકથી આરોપી મોહનસિંગ ઉર્ફે મોહનભૈયા નરવાડસિંગ ડાવર (ઉં.70)ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે વર્ષ 1993માં વડોદરા શહેર પાણીગેટ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અંગેનો ગુનો નોંધાયો હતો. તે સમયે પોલીસે એક પિસ્ટલ અને 4 નંગ કાર્ટીઝ કબજે કરી હતી. 1993થી એટલે કે 31 વર્ષથી તે વોન્ટેડ હતો. જ્યારે વર્ષ 2018માં રાજકોટ શહેર ડીસીબી પોલીસ મથકમાં પણ આર્મ્સ એક્ટ અંગેનો ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે 4 પિસ્ટલ અને 50 નંગ કાર્ટીઝ કબજે કરી હતી અને તે ગુનામાં 5 વર્ષથી વોન્ટેડ હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી આશરે 40 વર્ષથી હથિયારો બનાવતો હતો. તે જાતે જ પોતાના વતનમાં હથિયાર બનાવી પોતે તેમજ પોતાના ગામના અલગ-અલગ માણસો દ્વારા અલગ-અલગ રાજ્યોમાં વેચાણ કરતો હતો. આ ઉપરાંત તે ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. અગાઉ તે મહારાષ્ટ્ર અને રાજકોટમાં આર્મ્સ એક્ટના 4 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.